સોસાયટી રિડેવલપમેન્ટ માટે સભ્યને દબાણ ના થઇ શકે

0

      અનેક વાચકોએ જીએસટી, રેરા, સોસાયટી રિડેવલપમેન્ટ અને ઉત્તર અમદાવાદમાં નવા ડેવલપમેન્ટ અંગે રસપ્રદ સવાલો પૂછ્યાં છે તેનો આ લેખમાં જવાબ આપવામાં આવ્યા છે.

પ્રશ્ન: એક પ્રોજેક્ટમાં હું ફ્લેટ ખરીદવા માંગું છું, જેનું બીયુ પરમિશન એપ્રિલ-૨૦૧૭માં આવી ગયું છે. આ ફ્લેટ અમે એક રોકાણકાર પાસેથી ખરીદી રહ્યા છીએ અને વેચાણ દસ્તાવેજ સીધો જ બિલ્ડર સાથે કરવામાં આવશે. ડેવલપર આ માટે જીએસટી માંગી રહ્યા છે. શું આ યોગ્ય છે – ન્યાસા મહેતા, પંખીલ સંઘવી

જવાબ: અમે અગાઉ આ પ્રકારના પ્રશ્નનો જવાબ આ કોલમમાં આપ્યો હતો જેમાં કોઇ વ્યક્તિ રોકાણકાર પાસેથી ફ્લેટ ખરીદવા માંગે છે પરંતુ તેનો મૂળ દસ્તાવેજ થયો ના હોય. આ પ્રકારના કિસ્સામાં બીયુ પરમિશન આવી ગઇ હોવા છતાં ડેવલપરોએ એવો દ્રષ્ટિકોણ મેળવ્યો હતો કે સર્વિસ ટેક્સ અને જીએસટીના તફાવત મુજબનો જીએસટી લાગુ થાય છે. અમે માનીએ છીએ કે આ અંગે હજુ ઘણી અસ્પષ્ટતાઓ છે અને અલગ-અલગ સીએ અલગ-અલગ મંતવ્ય આપે છે તેના કારણે અલગ-અલગ ડેવલપરોના મતમાં પણ ભેદ જોવા મળે છે.

   વ્યાપકપણે જોવામાં આવે તો જે પ્રોપર્ટી બુક કરાવ્યા અગાઉ બી.યુ. પરમિશન આવી ગઇ હોય અને તમે જો ડેવલપર પાસેથી એ મિલકત ખરીદતા હોવ તો તેમાં જીએસટી નહીં લાગે. પરંતુ તમે રોકાણકાર પાસેથી રિસેલમાં એ મિલકત ખરીદી રહ્યા છો અને હજુ સુધી એ ફ્લેટ રોકાણકારના નામે થયો નથી તેથી એવા કિસ્સામાં બી.યુ. પરમિશન હોવા છતાં જીએસટી લાગુ થાય છે.

પ્રશ્ન: અમે એક રેસિડેન્શિયલ સોસાયટીમાં રહીએ છીએ, જેમાં ૯૬ ફ્લેટ છે. અમારી સોસાયટી ૩૫-૪૦ વર્ષ જેટલી જૂની છે. હમણાં અમારી સોસાયટીના રિડેવલપમેન્ટ માટે કેટલાક બિલ્ડરો સાથે વાટાઘાટો ચાલી રહી છે. શું સોસાયટીની કમિટી સોસાયટી વતી તે અંગે નિર્ણય લઇ શકે/ જો અમે અમારું મકાન વેચવા તૈયાર ના હોઇએ તો સોસાયટી અમને તે માટે દબાણ કરી શકે – આલાપ દોશી

જવાબ: અમે જે પ્રમાણે તમારો પ્રશ્ન સમજીએ તે મુજબ સોસાયટી મેનેજમેન્ટે સોસાયટીનું વેચાણ કરીને લાભ મેળવવા નિર્ણય કર્યો છે. હાલના બજારમાં ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ માટે બહુ ઓછા વિકલ્પો હોવાથી ડેવલપરો આ પ્રકારે સોસાયટીઓ હસ્તગત કરીને રિડેવલ કરવામાં રસ દાખવી રહ્યા છે. અમારી સમજ મુજબ અને અમે કેટલીક સોસાયટીઓના રિડેવલપમેન્ટના સોદામાં ભૂમિકા ભજવી છે તે અનુભવના આધારે આપને કહી શકીએ કે આ પ્રકારના સોસાયટી રિડેવલપમેન્ટના સોદામાં સોસાયટીના તમામ સભ્યોની મંજૂરી જરૂરી હોય છે.

    જો કોઇ એક સભ્ય પણ તેનો વિરોધ કરે તો સોદો થઇ શકતો નથી. આથી સોસાયટીના સભ્યો અન્યોને તે માટે મનાવવાનો પ્રયત્ન કરે તે સ્વાભાવિક છે પરંતુ તે માટે કોઇ દબાણ થઇ શકે નહીં, તેથી નચિંત રહો. જોકે, સાથોસાથ એ બાબત પણ ધ્યાનમાં લો કે તમામ સભ્યો સાથે મળીને સોસાયટીના વેચાણનો નિર્ણય કરે તો તેમાં મહત્ત્વના કારણો રહેલા છે. જૂની સોસાયટીમાં ઘણા ખર્ચ હોય છે અને અત્યાધુનિક સુવિધાઓનો પણ અભાવ હોય છે. જૂનું બિલ્ડીંગ કે જેની યોગ્ય સંભાળ ના લેવામાં આવે તો ઝડપથી નબળું પડતું હોય છે તે બાબત પણ ધ્યાને લઇને આપે નિર્ણય લેવો જોઇએ.

   અમે સોસાયટીઓના રિડેવલપમેન્ટ માટે કેટલાક સૂચનો આપીએ છીએ. સોસાયટીની સામાન્ય બેઠક (ઇજીએમ)માં વેચાણ માટેના કારણો પર સર્વસંમતિ સધાવી જોઇએ અને વેચાણ માટેનો સંભવિત ભાવ નક્કી કરવો જોઇએ. બહુ ઓછા ખર્ચમાં વેલ્યૂએશન રિપોર્ટ તૈયાર કરાવવો જોઇએ જેના કારણે સંભવિત વેચાણ ભાવ નક્કી કરવામાં મદદ મળશે. ત્યારબાદ વેચાણ ભાવ નક્કી કર્યા અંગે તમામ સભ્યોની સહી મેળવવી જોઇએ અને સંભવિત ખરીદદારો માટે કોઇ એજન્સીની નિમણૂંક કરવી જોઇએ. એક-બે સભ્યોના કારણે સોસાયટીઓના સારા દરના સોદા રદ થતા હોવાની ઘટનાઓ બને છે. જો તમામ સભ્યો તૈયાર હોય તો ડેવલપરો પણ સારો ભાવ આપવા તૈયાર હોય છે.

Share :
Share :

About Author

Leave A Reply

Share :