પ્રોપર્ટી કાર્ડમાં તમે ફેરફાર, વારસાઇ, વેચાણની વિગતો અપડેટ કરાવો છો ?

0

 21_07_2015-property_market_web_2015720_145426

    સિટી સર્વે દાખલ થયા બાદ મિલકતને લગતા અનેક પ્રશ્નો જેવા કે મિલકત પરત્વે હક્ક, હદ અને જમીનના ક્ષેત્રફળને લગતા પ્રશ્નોનો મહદ અંશે કાનૂની રીતે અંત આવે છે. સિવિલ કોર્ટનું ભારણ ઘટે છે. મકાનો, ખુલ્લી જમીનોના ભાવો વધવાથી લોકોમાં મિલકતના ટાઇટલ-હક્ક, હિત, ભાગ બાબતે જાગૃતિ આવી છે. પોતાની પ્રોપર્ટીની ડિટેઇલ્સ જો ખાતેદાર કે તેના વારસ પાસે ન હોય તો ભવિષ્યમાં તે પ્રોપર્ટીના હક્ક-માલીકીને લગતા પ્રશ્નો સર્જાતા હોય છે..

      સરકારશ્રીના મહેસુલ વિભાગ દ્વારા સિટી સર્વે, મોજણી, માપણી વગેરે પાયાની કામગીરી જમીન દફતર ખાતા મારફતે થાય છે. હાલમાં પ્રોપર્ટી કાર્ડ રેકર્ડ કોમ્પ્યુટરાઇઝ્ડ પણ થયેલ છે. ઘણી જગ્યાએ પ્રોપર્ટી કાર્ડ ઓનલાઇન ઉપલબ્ધ છે. ટેકનોલોજીએ પ્રોપર્ટીની ડિટેઇલ્સ તેના માલીકો માટે ઘણી સરળ રીતે ઉપલબ્ધ કરી દીધી છે. એટલે સમજદાર પ્રોપર્ટીધારકો પોતાની પ્રોપર્ટીની ડિટેઇલ્સ અપડેટેડ લાગે છે અને તેનું મોનિટરિંગ પણ કરી શકે છે, જેથી પ્રોપર્ટીનું સંવર્ધન કરવામાં સરળતા રહે છે અને વેચાણ કે વારસાઇ જેવી બાબતોની અધિકૃત નોંધ પણ સમયસર થતી રહે છે.

   શહેરના દરેક વિસ્તારમાં આશરે પાંચથી સાત હજાર મિલકતો અર્થાત સિટી સર્વે નંબરોની પ્રોપર્ટી કાર્ડ અને રેકર્ડ જાળવણી માટે દરેક વિસ્તારો મુજબ મેન્ટેનન્સ સર્વેયરની નિમણૂક થાય છે. જમીન મહેસુલ કાયદા મુજબ મેન્ટેનન્સ સર્વેયરે સ્વીકારેલી અરજી-પુરાવાને આધારે કોઇપણ હક્ક ફેરફારની પાડેલી નોંધો અંગે કલમ 135-ડીની નોટિસ બજ્યા બાદ 30-35 દિવસ બાદ વર્ગ-2ના અધિકારીશ્રી દ્વારા તેવી નોંધ મંજૂર કે નામંજૂર થાય છે. સિટી સર્વે કચેરીમાં પ્રોપર્ટી કાર્ડની નકલો જનસેવા કેન્દ્રમાંથી જરૂરી ફી ભર્યેથી આપવામાં આવે છે. જેમાં સરકારી-અર્ધ સરકારી જમીનોની માહિતી પણ સિટી સર્વે કચેરીમાંથી મળી શકે છે.

પ્રશ્નઃ1) નિકોલના સર્વે નંબરના પ્રોપર્ટી કાર્ડ મેળવવા શું કરવું પડે ? અને ક્યાંથી મળી શકે તે જણાવશો. (પ્રશ્નકર્તા શ્રી નાકરાણી).

પ્રશ્નઃ2) મણિનગર વિસ્તારમાં આવેલી રમા સોસાયટી, કાંકરિયા પાસે મહેતા ચવાણાની ગલીમાં છે, જે કયા સિટી સર્વે વિસ્તારમાં કચેરીમાં ઉપલબ્ધ છે ? (પ્રશ્નકર્તા કીર્તિકુમાર શાહ).

સંયુક્ત જવાબ (1 અને 2) – અમદાવાદ શહેરની સિટી સર્વે અંગેની માહિતી માટે નાયબ નિયામકશ્રી, જમીન દફતર, અમદાવાદ વિભાગની કચેરી, જે મોજણી ભવન, ભીમજીપુરા, નવાવાડજ ખાતે કાર્યરત છે તેમજ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટશ્રીઓની કચેરીઓ પણ તે મકાનમાં હોઇ વધુ માહિતી માટે સંપર્ક કરવો વધુ ઉચિત જણાશે.

પ્રશ્નઃ3) ખેતીની જમીનના સર્વે નંબરો એકત્ર થાય છે તે મુજબ સિટી સર્વે નંબરો એકત્ર કરવા માટેની જોગવાઇ શું છે? (પ્રશ્નકર્તા- બી.જે.જાદવ, એડવોકેટ).

જવાબ-3) ગુજરાત જમીન મહેસુલ નિયમો 1972ના નિયમ-11 મુજબ 1થી વધુ ખેતીના લાગુ રેવન્યુ સર્વે નંબરો એકત્ર થાય છે તે પ્રમાણે સિટી સર્વે નંબરો એક જ માલીકના એક જ સત્તાપ્રકારના હોય અને અરસપરસ લાગુ હદથી જોડાયેલા હોય તો નિયમાનુસાર એકત્રીકરણની ફી ભરીને અરજી આપીને એકત્ર થઇ શકે, જેમાં એક જ સિટી સર્વે નંબર ફાઇનલ રહે. બાકીના નંબરો કમી થાય. દા.ત. સિટી સર્વે નંબર- 11,13,15,17 એકત્ર થાય તો સિટી સર્વે નંબર 13,15,17 કમી થાય. સિટી સર્વે નંબર 11 ફાઇનલ રાખવાનો હોય તેમજ રેકર્ડ પર જરૂરી હુકમની નોંધ તથા નકશામાં દુરસ્તી કરવાની થાય.

પ્રશ્નઃ4) સિટી સર્વેની કામગીરીની કાયદેસરતા અને કાર્યપદ્ધતિ ટૂંકમાં જણાવવા વિનંતી છે. (પ્રશ્નકર્તા- નયન પરમાર).

જવાબ-4) સરકારશ્રીની મંજૂરી બાદ સિટી સર્વે દાખલ કરવાના જાહેરનામા બાદ માપણીની કામગીરી થાય છે. અગાઉ પીઓડોલાઇન દૂરબીન.

   મશીનથી કામગીરી થતી હતી. હાલ લેટેસ્ટ ટેકનોલોજીના કારણે ઝડપથી માપણી થાય છે. માપણી બાદ 1 થી 4 કોલમ, જેમાં હંગામી નંબર ક્ષેત્રફળ, સંભવિત કબજેદારનું નામ 4 કોલમો માપણી સ્ટાફ દ્વારા રજિસ્ટરમાં ભરાય છે. ત્યારબાદ હક્ક ચોકસાઇ અધિકારીની નિમણૂક થયા બાદ વ્યક્તિગત નોટિસો મિલકતદારોને બજાવીને હક્કો અંગે પુરાવા મેળવવામાં આવે છે તેમજ લેખિત નિવેદન લેવામાં આવે છે. ઇન્કવાયરી અધિકારી માપણીના નકશા સાથે સ્થળતપાસ કરીને રજૂ થયેલા દસ્તાવેજી પુરાવાના આધારે પોતાનો નિર્ણય હક્કચોકસાઇ રજિસ્ટર નોંધે છે. સત્તાપ્રકાર, ક્ષેત્રફળ માલીકી હક્ક અંગેની નોંધ કરે છે. હાલમાં દર મહિને લગભગ 300 મિલકતોની હક્કચોકસાઇ ફરજિયાત કરવાની થાય છે.

   હક્કચોકસાઇ અધિકારીએ તૈયાર કરેલા રજિસ્ટરને આધારે પ્રોપર્ટી કાર્ડ મિલકતનું સિટી સર્વે નંબર મુજબ તૈયાર કરવામાં આવે છે. તેની ચકાસણી બાદ સંબંધિત નાયબ કલેક્ટરશ્રી-સુપ્રિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડ મારફતે એક મહિનાની જાહેર નોટિસ પ્રસિદ્ધ કરીને રેકર્ડ સામે વાંધાઅરજી આવે તો તેનો નિકાલ કરીને રેકર્ડ પ્રમોલગેશન કરીને અમલમાં લાવવામાં આવે છે. ત્યાર બાદ પ્રોપર્ટી કાર્ડમાં ઉત્તરોત્તર ફેરફાર, વારસાઇ, વેચાણ નોંધ વગેરે થઇ શકે.

પ્રશ્નઃ5) હક્કચોકસાઇના અધિકારીશ્રીના નિર્ણયની વિરુદ્ધ કે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટશ્રીએ કરેલા હુકમ સામે વાંધો હોય તો શું થઇ શકે ? (પ્રશ્ન કર્તા- શ્રેણિક શાહ).

જવાબ-5) સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટશ્રી કે હક્કચોકસાઇના અધિકારીશ્રીના નિર્ણયની સામે જમીન મહેસુલ નિયમો હેઠળ સંબંધિત વિસ્તારના ડે.કલેક્ટરશ્રીના નિર્ણય સામે વાંધો હોય તો જિલ્લા કલેક્ટરશ્રીને અપીલ થાય. કલેક્ટરશ્રીના હુકમ સામે નારાજગી હોય તો ખાસ સચિવશ્રી, મહેસુલ (વિવાદ)ને અપીલ થઇ શકે.

Share :
Share :
source: નવગુજરાત સમય.

Leave A Reply

Share :