વડીલોપાર્જીત મિલકતમાં બહેનનો ભાગ હિસ્સો

0

       જર અને જોરૂમાં કિંમત શબ્દ નથી આવતો અને જો તેના મૂલ્યની વાત કરીએ તો જર-ઝવેરાતના મૂલ્ય સાર્વત્રિક સરખા જ હોય. સોનું, ચાંદી, હીરાના હવે રેપો રેટ નક્કી થાય છે અને તેના મુજબના સર્ટિફિકેટ્સ તેના મૂલ્ય નક્કી કરતી કંપનીઓ આપે, જો કે જે મોટા ભાગે દુનિયાના તમામ દેશોના ઈન્ટરનેશનલ કોમન કરન્સી ‘ડોલર’માં તેનું મૂલ્ય દેશ પ્રમાણે સરખું જ હોય. હા, જરૂરિયાત તથા લાગણી તેના મુલ્યમાં વધારો-ઘટાડો ચોક્કસ કરી શકે છે. પણ આવા કિસ્સા જૂજ હોય છે.

       દક્ષિણના કોઈક ભગવાનના મંદિરના ભોયરામાંથી ત્રણ વર્ષ પહેલાના આશરે એક લાખ કરોડ રૂપિયાના સોના-ચાંદી, રત્નોના ઝવેરાત મળ્યા, ભગવાનો માટે તેનું મૂલ્ય શું હશે તે તો ભગવાન જ જાણે પણ મનુષ્યને મન તેનું મૂલ્ય ભગવાનથી પણ વધુ હોય તેવું ચોક્કસ છે.

       જર, ઝવેરાત, સોના, ચાંદી, હીરા રત્નની ગણતરી જંગમ અર્થાત ચલિત છે. જેને પહેરી શકાય, ગણી શકાય, છુપાવી શકાય કારણ કે તે ચલિત છે. અને તેના આકારને જ્યારે બદલવો હોય ત્યારે ચોક્કસપણે બદલાવી શકાય છે. તેનું મૂલ્ય તેને કજીયાના છોરૂ બનાવે છે. સોના અને રત્નોની ચમક અને તેનો જાદુ કંઈક ઓર જ છે. એટલે તેના માટે મહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિરને અનેકવાર લૂંટયું હતું.

       અહીં આપણે ‘જર’ની વાત કરી હવે ‘જમીન’ની કરીએ. જમીન માટે અને તેની સીમાને અસીમ અનંત બનાવવા મોટે માનવે ઈતિહાસમાં સતત યુધ્ધો કર્યા છે. અને સતત કરતો રહેશે. માનવ જમીન માટે યુધ્ધ કરે તે સમજાય પણ જંગલના કાનુનને જીણવટભરી રીતે જોઈએ તો દરેક જાનવર, જીવોનો એક (એરીયા) ક્ષેત્ર હોય છે. તે ક્ષેત્રમાં તેનુ ‘રાજ’ ચાલે છે. જંગલના હિંસક પ્રાણીઓથી માંડીને શેરી-મહોલ્લાના યા ગલીના કૂતરાઓની પણ હદ નક્કી હોય છે. આવા જાનવરો-પક્ષી યા જીવો તેઓના ‘સામ્રાજ્યની’ સીમારેખા તેઓના પરસેવા, મળ-મુત્રની ગંધથી યા અન્ય રીતે નક્કી કરતાં હોય છે. જેની અંદર અન્ય વાઈલ્ડ, હિંસક પશુ માટે ‘નો-એન્ટ્રી’ હોય છે અને જો એન્ટ્રી થઈ જાય તો યુધ્ધ.

       સિકંદરથી નેપોલીયન સુધીના તમામ રાજા-રજવાડા યા યોધ્ધાઓ તેઓની ‘શક્તિ’નું પ્રદર્શન તેમણે મેળવેલી જીતથી કરતાં, આવી જીત પ્રદેશના વિસ્તરણથી મપાતી હતી. જમીન માટે માત્ર મણસ જ નહીં જાનવરો પણ યુધ્ધ કરતાં આવ્યાં છે અને યુધ્ધ કરતાં રહેશે. જર-ઝવેરાત ચોરાઈ જાય ત્યારે જમીનમાં ખેતી થાય અને તે ઉપજાઉ હોય તે મુજબ તેની કિંમત નક્કી થાય. ભારત દેશમાં eraneજમીનોના યોગ્ય રેકોર્ડ રાખવાની શરૂઆત ૧૯૨૮થી થઈ જે અંગ્રેજોએ કરી હતી. જમીનોના રેવેન્યુ સર્વે નંબરો અપાયા તથા તેના આકાર-પટ નક્કી કરી મહેસૂલ લેવાની પ્રથા ત્યારથી થઈ તે અગાઉ મહેસૂલ, વેરા, શેષ કિસ્ત વગેરે ઉપજ પ્રમાણે લેવામાં આવતાં હતા.

       જમીનને સ્થાવર મિલકત ગણવામાં આવે છે જેનું અસ્તિત્વ ‘‘યાવત ચંદ્ર દિવા કરો’’ અર્થાત જ્યાં સુધી આકાશમાં ચંદ્ર અને સૂર્ય તપતા રહેશે ત્યાં સુધી જમીનનું અસ્તિત્ત્વ રહેશે. જમીનના મૂલ્ય જેની ઉપજ પરથી નક્કી થાય છે જ્યારે શહેરની જમીનોના મૂલ્ય તેના લોકેશન-આકાર, રોડ-રસ્તા, એરીયા-ગામ, વિકાસ તથા શહેર મુજબ નક્કી થતાં હોય છે. જમીનની કિંમત તેને કજીયાના ‘છોરૂ’ બનાવે છે.

       દેશ-રાજ્યની વાત બાજુ ઉપર મુકીને આપણાં શહેર ‘સુરતની’ વાત કરીએ તો સુરત શહેરની જમીનોના ભાવ જે રીતે છેલ્લા દાયકામાં વધ્યા છે. જેને કારણે ભલભલા સંબધો સમયની તથા કોર્ટ કચેરીની એરણે ચઢયા છે. ભાઈ-ભાઈના ભાગ ખાઈ જાય અને ખોટું કરે તે વર્ષોથી થતું આવ્યું પણ બહેનોને સ્થાવર મિલકતમાં હંમેશા અબળા ગણવામાં આવી છે. જમીનને સાચવવા માટે શારીરિક રીતે બળને મહત્ત્વનું ગણીને યા તેની ઉપર ખેતી કરવા માટે પણ શ્રમની જરૂરિયાતને કારણે કદાચ સ્ત્રીને હંમેશા પાછળ રાખવામાં આવી છે. આવી અબળા સ્ત્રી હકીકતમાં હંમેશા સબળા સાબિત થતી આવી છે. એટલે જ દરેક સફળ પુરૂષ પાછળ એક સ્ત્રીનો હાથ યા સંબધને અનિવાર્ય ગણવામાં આવ્યો છે. આવી ‘જોરૂ’ઓના કારણે ભલે યુધ્ધો થતાં હોય તોયે કયારેક આવી જોરૂ યાને સ્ત્રીને સરળતાથી જમીન-મિલકતમાં ભાગ મળતા નથી હોતા. સ્ત્રીને નબળી ગણીને તેને પરિવારના ઉછેરની જવાબદારી સોંપવામાં આવી છે. તેવું આદિમાનવથી આજ દિન સુધી આપણે જાણતા અને સમજતા આવ્યાં છીએ અને એટલે જ તમામ ધર્મના વારસાઈ કાયદામાં સ્ત્રીનો ભાગ નહીવત્‌ નક્કી કરવામાં આવ્યો હતો. સ્ત્રીને રૂપિયાની શું જરૂર? બલકે જુના પૌરાણિક જમાનામાં તો સ્ત્રીઓને ગુલામડીની જેમ રાખવામાં, વેચવામાં તથા ખરીદવામાં આવતી હતી. (દુઃખ સાથે લખવું પડે છે કે આજના કેહવાતાં સુધરેલા સમાજમાં પણ ખુબ ચાલે છે. હા, તેને ખરીદવાના બદલે ‘લગ્ન’ કરીને આજીવન શોષણના અધિકારોને સ્વીકૃત બનાવવામાં આવ્યાં છે.) આ અબળા સ્ત્રીને સંબંધમાં ‘પત્ની’, ‘વિધવા’, ‘બહેન’ના વિશેષણથી નવાજવામાં આવે છે પણ તેને મિલકતમાં લાગ-ભાગ, હક્ક-હિસ્સો આપવા બાબતે ભાઈઓ અને ભાઈઓએ બનાવેલો આ સમાજ અને ભાઈઓએ બનાવેલા કાયદાઓ મહત્તમ રીતે ઉદાસીન રહ્યો છે. જે ખૂબ આઘાતજનક છે. પુરૂષ પ્રધાન સમાજમાં ‘સ્ત્રી’ ભલે પછી તે વિધવા હોય, ત્યકતા હોય, કે પછી ભલે બહેન હોય તેને શેર માટીની ખોટના કારણે હંમેશાં આ સમાન હક્કથી દૂર રાખવામાં આવે છે.

       દીકરીને બાપના માથાનો ભાર (સાપનો ભારો) ગણવામાં આવ્યો છે. એ ભાર કોઈકની ધર્મપત્ની બને ત્યારે ભાર દૂર કરવાના ખર્ચને તેના હક્ક સાથે વણી લેવામાં આવ્યો છે. મોટે ભાગે બાપના વસીયતમાં દીકરી માટે એવું લખાય છે કે…. ‘‘ મારી દીકરીના નામે …. જેના લગ્ન શ્રી…….. સાથે વર્ષો અગાઉ કરાવ્યાં છે જેના કરીયાવરમાં તેને જે આપવાનું હતું તે સઘળું આપી દીધું છે હવે મારી મિલકતમાંથી તેને કાંઈ આપવાનું રેહતું નથી… ’’ આમ જેને બાપ અવગણે તેને તેનો પતિ, ભાઈ શું માન્ય ગણે ???

       વર્ષોથી જમીન-મકાન, મિલકતમાં ભાઈની સહોદર (સહ+ઉદર) એક જ માતાની કુખેથી જન્મેલા હોવા છતાં સ્ત્રીને યા બહેનને કાયમ અન્યાય સહન કરવાનો આવ્યો છે. હિન્દુ વારસાઈ ધારો ૧૯૫૬ મુજબ કાયદાના અમલ પહેલાં પિતાનું અવસાન થયું હોય તો તે સંજોગોમાં આવા બાપની સ્વઉપાર્જીત પણ બિનવસીયતવાળી મિલકતોમાં ભાગ હિસ્સો મળતો નથી, યા આ બાબતે અલગ અલગ મતમતાંતર પ્રવર્તે છે. કાયદાનું પાલન કરાવનારા પણ આજ સમાજના હોવાના કારણે સમાજમાં ચાલતી સાર્વત્રિક માન્યતા તથા રિવાજોની અસર આવા ચુકાદાઓમાં જોવા મળે છે.

       શું કાયદાના અમલ પહેલાં આવી સ્ત્રીઓ કોઈકની દીકરી ન હતી? વડિલોપાર્જીત મિલકતની અસમાન વહેંચણીના કારણે તથા હાલ છેલ્લાં દાયકામાં જમીન મિલકતના ભાવોમાં જે તોતીંગ ઉછાળાઓ આવ્યાં છે, જેના કારણે સામાજીક મૂલ્યો પણ બદલાઈ ગયાં છે. પહેલાં એવું બનતું હતુ કે,……. ‘બહેન’ તેના દીકરા દીકરીને ‘મોસાળ’ (મોસાળમાંથી કરવામાં આવતો લગ્નનો વ્યવહાર) કોણ કરશે? સામાજીક પ્રસંગોમાં ભાઈ-ભાભીની ગેરહાજરીથી, મોસાળ પક્ષના સંબંધીઓની ગેરહાજરીથી બેનને એકલી-અટુલી પડી જવાનો ડર હતો, પોતીકા બાપનું ઘર છોડી ‘કંકુ-ચોખા’ના સહારે સંસારનો માંડવો સજાવવા ચાલી નીકળતી બહેનને  સામાજીક એકલતાનો  ભય હંમેશા સતાવતો હોય, તે સંજોગોમાં ભાઈ પાસેથી કાયદેસરનો પોતાના બાપની મિલકતમાં ભાગ માંગવો ખૂબ અઘરો તથા કાયદાના અમલ સુધીનો સમય જટિલ બની જતો હોય છે. આવા અનેક કારણોસર ભાઈઓ ભાગની જમીન-મિલકતની વહેંચણી બહેનના ઘરે પ્રસંગ હોય ત્યારે યા રક્ષાબંધનના દિવસોમાં ‘મારે કંઈ જોઈતું નથી, મને મારો હિસ્સો મળી ગયો છે’ તેવા લખાણોવાળા સ્ટેમ્પ પેપર ઉપર બહેનો પાસે સહી કરીને તેઓના ભાગ ભાઈઓને ન્યોછાવર કરતી આવી છે.

       તાજેતરમાં મહેસૂલ મંત્રીની જાહેરાતથી હવે આવા માત્ર સહીઓથી ઘર મેળે થતી પતાવટનો અંત આવશે એવુ માનવું રહ્યુ. હાલમાં આવા મિલકત સંબંધી ફારગતીના લેખો માટે જંત્રી મુજબની સ્ટેમ્પ ડયૂટી ભરપાઈ કરવાથી આવા લખાણો કાયદેસર રીતે કરી શકાય છે. જેની સામે મહેસૂલ મંત્રીએ આવા લેખો રજીસ્ટર્ડ નોંધણી કરવા માટે નજીવી રજીસ્ટ્રેશન ફી તથા માત્ર રૂા ૧૦૦/-નો નોનજ્યુડિશ્યલ સ્ટેમ્પથી કરાવી શકાશે તેવી જાહેરાત કરી છે. હજુ પરિપત્ર આવ્યો ન હોવાથી આના અમલ બાબતે અવઢવ છે. સ્ટેમ્પડ્યુટી બચાવવા માટે ઘરમેળે થયેલાં લખાણો મિલકતના ટાઈટલમાં ડખા ઉભા કરવાનો ચાન્સ આપે છે. ૧૦-૧૫ વર્ષ પહેલાં જેની કિંમત મામુલી હતી યા ઘરના પ્રસંગો કાઢવા માટે જેને ગીરવે મુકીને ૨-૩ લાખની લોન માંડ મળતી તેવી જમીનોના ભાવ હવે વાર, ફુટથી આવી જતાં ઘરમેળે થયેલાં લખાણો ચેલેન્જેબલ બનવા માંડ્યા છે.

       ૨૦૦૫ના એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એવું જાહેર કર્યુ છે કે જમીન-મિલકત બાબતના આવા ફારગતી હક્ક જતો કરવાં જેવા બાબતના લખાણો સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલા હોવા ફરજિયાત છે. છતાંય જમીન માલિકો હજુય ઘરમેળે પતાવટમાં વધુ શ્રધ્ધા રાખે છે, જેના પગલે વાદ-વિવાદ અને કોર્ટ પ્રકરણો ઉપસ્થિત થવાની શકયતા વધુ રહે છે.

       હિન્દુ વારસાઈ ધારો ૧૯૫૬ બાબતે ઉચ્ચ ન્યાયાલયે આપેલા સ્પષ્ટ ચુકાદા મુજબ વડિલોપાર્જીત મિલકતો તથા બિનવસીયતવાળી મિલકતોમાં ભાઈ-બહેનોનો સમાન હક્ક પ્રસ્થાપિત થયેલ છે. જેના કારણે ‘‘કહાની ઘર-ઘરકી’’ કોની પત્ની  તેના પીયરથી કેટલું લાવી તેનાથી સાસરીમાં આવી વહુઓના માન-પાન વધ્યાં-ઘટ્યાના કિસ્સા જોવા મળે છે. તો અમુક આવા કિસ્સામાં ભાઈ-બહેનો વચ્ચે કોર્ટ પ્રકરણો ચાલતાં થયા છે.

       એક કિસ્સો નજીકના ગામનો ધ્યાને લેવા જેવો છે…. બાળપણમાં જે ભાઈ બહેનો સાથે આંબલી-પીપળીની રમત જે જમીન-વાડીમાં રમતા હતાં તે પૈકી બહેનના લગ્ન બીજા ગામે થતાં, તેના પતિ વિદેશમાં નોકરી અર્થે જતાં-આવતાં અને માત્ર ૩૮ વર્ષની વયે ‘વિધવા’ થયેલી તે બહેનનું જીવન દુષ્કર બની ગયું. પતિના અવસાનથી ઘરની જવાબદારી તથા બાળકોના સ્કૂલ-કોલેજોના અભ્યાસ માટે ગરીબ બહેન શાકભાજી-ફળ વગેરે વહેંચવા માટે શહેરના પોશ વિસ્તારમાં આવવા લાગી… ભાઈએ તે સમયગાળા દરમિયાન બાપની વડીલોપાર્જીત મિલકતને વેચીને કરોડો રૂપિયા મેળવ્યાં, અને શહેરના પોશ વિસ્તારના ચાર બંગડી વાળી (ઓડી) કાર લઈને તેને ફરતો જોઈ બહેને તેના ભાગ માટે ભાઈ પાસે માંગણી કરતાં ભાઈએ વર્ષો પહેલાં એક રક્ષાબંધનના દિવસે બહેને કરી આપેલી સહી વાળું કાગળ ‘જવાબ’ બતાવી તે તારો ભાગ જતો કર્યો છે. હવે મારે તને કાંઈ આપવાનું થતું નથી. તેવું સાફ જણાવતાં બહેનને ધોળે દિવસે તારા દેખાવા માંડયા… ભાઈની નાસમજીના કારણે ભાઈએ જે વ્યક્તિને બાપીકી જમીન વહેંચી હતી તેના ટાઈટલમાં બહેને દાવો કરતાં માથાકુટ ઉભી થઈ, ભાઈના કહેવાં મુજબ જમીન વેચી હતી ત્યારે તે ચોખ્ખી હતી એ દાવો થયો તો તેની જવાબદારી ભાઈએ લેવાની ના પાડતાં  તે જમીનમાં રોકાણકારો-બિલ્ડર તમામે અટવાવાનો વારો આવ્યો…

       આવા અનેક કિસ્સાઓ કોર્ટ-કચેરી, મામલતદાર ઓફિસમાં જાણવા તથા સમજવા મળશે…. આવા સંજોગોમાં ‘લીગલ અને મોરલ’ની વ્યાખ્યા મુજબ આવા કેસને મુલવવા જોઈએ. માત્ર અજાણતામાં યા ઊંધુ-ચત્તુ સમજાવીને ખોટા લોભ-પ્રલોભનો આપીને, સામાજીક એકલતાનો ડર બતાવીને કરાવી લેવામાં આવેલી મિલકત ફારગતીના લેખ ઉપરની સહીથી તેનો ખરેખર હક્ક ખારીજ થાય કે નહીં તે સમાજે તથા કોર્ટના અધિકારીએ વિચારવા યોગ્ય છે. ભાઈની મોરાલીટી શું હોવી જોઈએ, માત્ર થોડા મોટા મનની જરૂરિયાત હોય છે તેવા સંજોગોમાં મિલકત બાબતે વકીલો – સલાહકારો યા અન્યોના કહેવામાં આવી જઈને બધાને ‘લીમડે લગાડવા’ શાણપણ નથી તેવી સમજને વિકસાવવી જોઈએ તથા સમાજના કહેવાતાં મોટા માણસોય-મોભીયાઓએ વિધવા-ત્યક્તા તથા બહેનોના કેસમાં  ‘મોરલ’ને કામે લગાડીને સામાજીક મૂલ્યો તથા ન્યાયીક સમાનતાને ધ્યાને લઈ યોગ્ય કરવાની પહેલ કરવી ખૂબ જરૂરી છે.

       કાયદો (એલ.એ.ડબ્લ્યુ.), લો એ લોજીક ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે જેને દરેક પાસા, એન્ગલ, સમય-સંજોગો, જરૂરિયાત, મનઃસ્થિતિ વગેરે મુજબની ધારણાને આધિન મત-મતાંતરના અંતે આવતાં નિષ્કર્ષને ‘ન્યાય’ કહેવાય જે સમાજનો એક વ્યકિત તેના હોદ્દાને આધિન આપે છે. જેનો ગમો-અણગમો તથા જેતે સમયે તેની મનઃસ્થિતિ આવા ચુકાદામાં મોટા ભાગે રેફ્લેક્ટ થતી હોય છે. પણ આવા લોજીકથી બનેલાં કાયદાનું પાલન તથા તેની મુલવણી યોગ્ય સમજ અને ઉચિત સમયે સામાજીક બંધારણને આધિન થાય તે ખૂબ જરૂરી છે, કાયદો છેલ્લે તો સમાજ અને તેના સારા સંચાલન માટે મોટા ભાગે ભૌમિતીક સિધ્ધાંતો કયારેય ન હોય શકે. ગુરૂત્વાકર્ષણનો નિયમ ભાઈ – બહેન, રાજા અને રંક, સુરત અને સિડની તમામ માટે એક જ છે પણ મિલકતમાં બાગ-ભાગ, હક્ક-હિસ્સા માટે આવા કોઈ નિયમ કાનુન નહીં સંભવી શકે.

       ન્યાય મોરલ સાચા અને ખોટાના પરિપ્રેક્ષ્ય ઉપર સામજીક નિયમો અને નીતિને અનુરૂપ વ્યવહારીકતાના સિદ્ધાંત મુજબ સામાન્ય ન્યાયને આધિન સમાનતા મુજબ નક્કી કરવાં યા કરાવવાં જોઈએ.

       બહેનોને રડાવીને મંદિરો બંધાવતા ભાઈઓની આ સમાજમાં ખોટ નથી, ઘરના છોકરાઓને ઘંટીના ચડાવીને ઉપરવાળાને ‘આટા’નો ભોગ ધરાવનારાઓ સ્વર્ગે કયારે સીધાવશે તેની ખબર નથી પણ જીવતે જીવત સ્વર્ગનું નિર્માણ કરવું હોય તો મોટા ભાગના કજીયાના કેસમાં લીગલ અને મોરલ વચ્ચેનો ભેદ પારખીને દરેક ધર્મના મૂળભૂત સિંધ્ધાંતો મુજબ વર્તન જરૂરી છે. બાકી આ દુનિયામાં ન્યાયની વ્યાખ્યા વ્યકિતએ-વ્યકિતએ અલગ અલગ સંભવે છે. તુંડે તુંડે મતિ ભિન્ન અત્રે એ ઉલ્લેખનીય છે કે આપણાં દેશના મોટા ભાગના કાયદા-કાનુન જેમાં દિવાની-ફોજદારી, મહેસૂલ વગેરે તમામનો સમાવેશ થઈ જાય છે. તે તમામ કાયદાઓનું નિર્માણ ૧૮૮૫ થી ૧૯૫૬ સુધીના સમયગાળા દરમિયાન થયું છે. જે પૈકી મહદઅંશેના કાયદા અંગ્રેજોએ નિર્માણ કર્યા છે. તે તમામ કાયદાઓ નિર્માણ પામ્યા ત્યારના સમાજના રીતિ-રીવાજ, સામાજીક બંધારણો અલગ-અલગ હતાં જયારે આજના અત્યાધુનિક યુગમાં પણ કલમ સહી-ખડીયાથી લખાયેલા કાયદાનું મૂલ્યાંકન અને મુલવણી તથા જાળવણી બાબતે જાગૃત થવું જરૂરી છે.અન્યથા અંધેરી નગરી અને ગાંડુ રાજા ટકે શેર ભાજીને ટકે શેર ખાજા જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે…

Share :
Share :

Leave A Reply

Share :