વડીલોપાર્જિત મિલકતો વેચીને તેના નાણાંમાંથી ખરીદાયેલ મિલકતો વડીલોપાર્જિત જ ગણાય

0

house property-ll

   હિંદુ લો મુજબ વડીલોની મિલકત તેઓના પુત્રો  એમ ત્રણ પેઢી  સુધી કોપાર્સનરી મિલકત ગણાય અને જ્યાં સુધી તેઓ તમામ વારસદારો વચ્ચે હક્ક બાબતેના હિસ્સાઓની  વહેંચણી ન કરવામાં આવેલ હોય ત્યાં સુધી તેવા હિસ્સાઓ વારસદારો વચ્ચે સંયુક્ત જ રહે છે યાને વારસદારો વચ્ચે હિસ્સા વહેંચાયા ન હોય ત્યાં સુધી સંયુક્ત જ રહે છે. પિતાએ  તેમના પિતા પાસેથી વારસાહક્ક કે મેળવેલી મિલકતમાં તેમના દીકરાઓને પણ જન્મથી જ અધિકાર મળે છે અને સંયુક્ત મિલકત અંગે કોઇ એક હિસ્સેદારને (કોપાર્સનર)  અન્ય કોપાર્સનરના હક્ક બાબતે વ્યવસ્થા કરવાનો યાને સમગ્ર મિલકતની વ્યવસ્થા કરવાનો અધિકાર નથી. જ્યારે પિતા પોતાની હયાતી દરમિયાન મિલકતની વહેંચણી કરેલ ન હોય ત્યારબાદ તેઓના ગુજરવાથી તેઓના વારસદારો વચ્ચે મિલકતની વ્યવસ્થા હિંદુ વારસાહક્ક અધિનિયમની કલમ-૬ તથા ૮ મુજબ થઇ શકે છે.

   કોઇ પણ મિલકત તેના માલિકની સ્વતંત્ર મિલકત યાને સંયુક્ત કુટુંબના નાણાં ભંડોળમાંથી કોઇ પણ પ્રકારની મદદ લીધા વિના તેમની આવકમાંથી ખરીદવામાં આવેલી છે અથવા સંયુક્ત કુટુંબના નાણાં ભંડોળમાંથી ખરીદવામાં આવેલી છે તે અંગે ઘણીવાર વિવાદો થતાં હોય છે, સંયુક્ત કુટુંબમાંથી કોઇ એક વ્યક્તિને નામે જ્યારે  જમીન/મિલકત ખરીદ કરવામાં આવી હોય ત્યારે તે સંયુક્ત કુટુંબ વતી કુટુંબના એક મેમ્બર નામે ખરીદ કરવામાં આવી છે કે કુટુંબની છે કે વ્યક્તિગત સ્વપાર્જિત છે તેવો વિવાદ થાય ત્યારે તે મિલકતનું સ્ટેટ્સ યાને માલિકી હક્ક નક્કી કરવાનો બોજા/ જવાબદારી કોની રહે તે અંગેના ચુકાદાઓ ધ્યાને લેતાં તેવી મિલકત ખરીદીના વર્ષને જોતા કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતોના અનુસંધાનમાં ચોક્કસપણે એવું સાબિત કરવાનો પુરાવાનો બોજો વાદી ઉપર રહેલો છે.

   પરંતુ  કોઇ હિંદુ પુરુષ અવસાન પામે  અને તેવા હિંદુ પુરુષના સંતાનોના કુટુંબના સભ્યો વચ્ચે મિલકતોનું  વિભાજન યા ભાગલા થયેલ ન હોય તો તેવા પક્ષકારોનું કુટુંબ સંયુક્ત કુટુંબ તરીકે ચાલી આવેલ હોવાથી આવા સંજોગોમાં સંયુક્ત કુટુંબનો કોઇ સમાંશિત એવો દાવો કરે કે તે મિલકતો સ્વપાર્જિત છે તો એવું પુરવાર કરવાનો બોજો તેના ઉપર રહે છે. આ મુજબનો સિદ્ધાંત નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા વી.કે. સુરેન્દ્ર વિરુદ્ધ વી.કે. થીમૈય્યાહ, સિવિલ અપીલ નં. ૧૪૯૯/૨૦૦૪ના કામે તા. ૧૦-૦૪-૨૦૧૩ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. આ કેસની ટૂંકી હકીકત નીચે મુજબ છે.

   આ કેસમાં ૫ દીકરીઓ અને ૪ દીકરાઓ પૈકી એક દીકરાએ મૃતક પિતા દ્વારા કરવામાં આવેલ વસિયતનાં આધાર ઉપર તમામ મિલકતો ઉપર માત્ર તેનો હક્ક છે તેવો દાવો સિવિલ  કોર્ટ સમક્ષ કરેલ. સિવિલ કોર્ટ સમક્ષ પ્રશ્ન એ હતો કે, વિવાદી મિલકતો મૃતક પિતાની સ્વપાર્જિત મિલકતો હતી કે વડીલોપાર્જિત મિલકતો હતી?

   આથી  ટ્રાયલ  કોર્ટે દાવાવાળી મિલકતો સ્વપાર્જિત મિલકતો હોવાનું ઠરાવેલ અને દાવો રદ કરેલ. જે ટ્રાયલ કોર્ટના હુકમ વિરુદ્ધ નામદાર હાઇકોર્ટ સમક્ષ અપીલ દાખલ કરવામાં આવેલ. નામદાર હાઇકોર્ટે પણ ત્રણ પ્રશ્નો/ મુદ્દાઓ અંગે નિર્ણય કરવાનું નક્કી કરેલ (૧) દાવાવાળી મિલકતો વડીલોપાર્જિત  મિલકતો છે કે કેમ? અને વડીલોપાર્જિત હોય તો પક્ષકારોનો કેટલો હિસ્સો છે? (૨) મરનાર પુરુષ દ્વારા  કરવામાં આવેલ વીલ સાચું  છે કે કેમ ? (૩) જો વીલ સાચું  હોય તો સંયુક્ત કુટુંબની મિલકત સંદર્ભે વીલનો અમલ કઇ રીતે કરી શકાય? આ કામે નામદાર હાઇકોર્ટે દાવાવાળી મિલકતો મૃતક પિતાની સ્વપાર્જિત મિલકતો હોવાનું ઠરાવેલ. પરંતુ અપીલ મંજૂર કરવામાં આવેલ. જેથી   નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ હાલનો આ કેસ ઉપસ્થિત થયેલ.

   આ કેસમાં રજૂ થયેલ પુરાવાઓ અને રેકર્ડ ઉપરથી જણાયું કે, વિવાદી મિલકતો વડીલોપાર્જિત મિલકતો વેચીને તેનાં નાણાંમાંથી ખરીદાયેલ હતી, તેથી  કોર્ટે મિલકતો વડીલોપાર્જિત ઠરાવવામાં આવેલ અને ઠરાવવામાં આવ્યું કે મૃતક પિતા અને દીકરાઓનાં કુટુંબના ભાગલાની ગેરહાજરીમાં પક્ષકારોનું સંયુક્ત કુટુંબ તરીકે ચાલી આવેલ હતું અને જો સંયુક્ત કુટુંબનો કોઇ સમાંશિત એવો દાવો કરે કે તે મિલકતો સ્વપાર્જિત છે તો એવું પુરવાર કરવાનો બોજો તેના ઉપર રહે છે.

   આ કેસમાં નામદાર કોર્ટ એવા તારણ ઉપર આવેલા કે, કોઇ હિંદુ પુરુષ અવસાન પામે અને તેવા હિંદુ પુરુષના સંતાનોના કુટુંબના સભ્યો વચ્ચે મિલકતોનું વિભાજન યા ભાગલા થયેલ ન હોય તો તેવા પક્ષકારોનું કુટુંબ સંયુક્ત કુટુંબ તરીકે ચાલી આવેલ હોવાથી આવા સંજોગોમાં સંયુક્ત કુટુંબની વડીલોપાર્જિત મિલકતો વેચીને તેના નાણાંમાંથી ખરીદાયેલ મિલકતો પણ વડીલોપાર્જિત ગણાય. અને જો સંયુક્ત કુટુંબનો કોઇ સમાંશિત એવો દાવો કરે કે તે મિલકતો સ્વપાર્જિત છે તો  એવું પૂરવાર કરવાનો બોજો તેના ઉપર રહે છે.

   આથી નામદાર સુપ્રીમ કોર્ટે પણ દાવાવાળી મિલકતો સંયુક્ત કુટુંબની મિલકતો હોવાનું ઠરાવેલ અને મૃતક પિતા અને તેના ચાર સંતાનો અને કોપાર્સનર્સ નાઓ સરખો હિસ્સો ધરાવતા હોવાનું ઠરાવેલ અને તેથી અપીલ ડિસમિસ કરવામાં આવેલ. ઉપરોક્ત કેસ ઉપરથી  ફલિત થાય છે કે, કોઇ હિંદુ પુરુષ અવસાન પામે અને તેવા હિંદુ પુરુષના સંતાનોના કુટુંબના સભ્યો  વચ્ચે મિલકતોનું વિભાજન યા ભાગલા થયેલ ન હોય  તેવા પક્ષકારોનું કુટુંબ સંયુક્ત કુટુંબ તરીકે ચાલી આવેલ હોવાથી આવા સંજોગોમાં સંયુક્ત કુટુંબની વડીલોપાર્જિત મિલકતો વેચીને તેના નાણાંમાંથી ખરીદાયેલ મિલકતો પણ વડીલોપાર્જિત ગણાય. અને જો સંયુક્ત કુટુંબનો કોઇ સમાંશિત એવો દાવો કરે કે તે મિલકતો સ્વપાર્જિત છે તો એવું  પુરવાર કરવાનો બોજો તેના ઉપર રહે છે.

Share :
Share :
source: સંદેશ.

Leave A Reply

Share :