રેવન્યુ-સિટી સર્વે રેકર્ડમાં પ્રોપર્ટીના હક્કોના લેટેસ્ટ ફેરફારો નોંધાવવા જરૂરી

0

property-papers_144479553

કોઈ વ્યક્તિના ફ્લેટના રજિસ્ટર્ડ દસ્તાવેજ ન થયા હોય તો પણ તેનું પ્રોપર્ટી કાર્ડ નીકળી શકે કે નહીં ?

   ગુજરાત રાજ્યમાં શહેરીકરણની પ્રક્રિયા ઝડપી બનતાં તેમજ સરકારની વિકાસ યોજનાને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન, અબન ડેવલપમેન્ટ ઓથોરિટી તથા નગરપાલિકાઓ વગેરે જેવી શહેરી સંસ્થાઓની હદમાં નવાં-નવાં ગામો-વિસ્તારોનો વિકાસ-નકશામાં સમાવેશ થતાં તેમજ ઔદ્યોગિક વિકાસને કારણે નવી જીઆઇડીસી તેમજ ખાનગી ઉદ્યોગોને પ્રોત્સાહન મળવાથી તેમજ લેન્ડ રેવન્યુ કોડની કલમ 126 મુજબ સિટી સર્વેની હદમાં અગાઉ આવરી લીધેલા રેવન્યૂ સર્વે નંબરોમાં બિનખેતી થવાથી તેમજ કોમર્શિયલ-રેસિડેન્ટ બિલ્ડિંગ્સ બનવાથી જૂના સિટી સર્વે વિસ્તારમાં વિસ્તરણ કરવું પડ્યું છે. દા.ત. મૂળ નડિયાદ શહેરની હદમાં વધારાના વિસ્તારનો સિટી સર્વેમાં સમાવેશ કરીને સને 1985માં માપણી હક્ક ચોકસાઇ અને રેકર્ડ પ્રમોલગેશન થઇ નવું રેકર્ડ અમલમાં છે.

   ઉપરોક્ત હકીકતે શહેરીકરણની સાથે ગ્રામ્ય વિસ્તારમાં ગામતળની જમીનો પ્લોટો, બિનખેતીના પ્લોટોની કિંમતોમાં અસહ્ય વધારો થતાં શ્રી રિખવદાસ સમિતિની ભલામણો મુજબ 4000થી વધુ વસ્તીનાં ગામોમાં સિટી સર્વે દાખલ કરવા લેન્ડ રેકર્ડ ખાતા તરફથી સને 1990 સુધીમાં માપણી, હક્ક ચોકસાઇ વગેરે થઇ છે. સિટી સર્વેનું મહત્વ પ્રજાજનોની મિલકતોના માલિકી-કબજાના હક્કો માટે તેમજ સરકારની આવકની દૃષ્ટિએ તેમજ રેકર્ડનું કાયદાકીય મૂલ્ય વધી ગયું છે. જે અંગે પ્રજાજનોમાં જાગૃતિ અને સહકારની અપેક્ષા સરકાર હંમેશા રાખે છે, જેથી રેવન્યુ રેકર્ડ તથા સિટી સર્વે રેકર્ડમાં જમીન-મિલકતોમાં થતા હક્કોના ફેરફારો અદ્યતન રાખી શકાય.

પ્રશ્નઃ1 - અમદાવાદની સુદામા સોસાયટી (ગિરિવર બંગલોઝ)ની જમીન મિલકતના પ્રોપર્ટીકાર્ડ મેળવવા માટેની કાર્યપદ્ધતિ શું છે ? (શૈલેષ અમીન).

જવાબઃ સોસાયટીનાં રહેણાંક મકાનોની જમીનોના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બાંધકામ પ્લાન મંજૂર થયેલા હોય અને સોસાયટીનું નામ રેવન્યુ રેકર્ડમાં ચાલતું હોય અને સોસાયટીની જમીન-મિલકતનો સિટી સર્વે વિસ્તારમાં સમાવેશ થયેલો હોય તો તેના સિટી સર્વે પ્રોપર્ટી કાર્ડ બનેલા હોય છે. જો પ્રોપર્ટી કાર્ડ તૈયાર થયેલા ન હોય તો સોસાયટી તરફથી જમીન-મકાનોની વિગત ધારણ કરનારા સાથેની વિગતો સહિત આધાર-પુરાવા રજૂ કરવાથી દરેક મિલકતના પ્રોપર્ટી કાર્ડ બની શકે છે.

પ્રશ્નઃ 2 – સોસાયટીના બનેલા ફ્લેટ પર બેન્ક અથવા નાણાંકીય સંસ્થા પાસેથી લોન લીધેલી હોય અને તે લોન ભરપાઇ અંગેની વિગતની નોંધણી રેવન્યુ રેકર્ડ- સિટી સર્વે કચેરીમાં થયેલી નથી તો શું કરવું ?

જવાબઃ  સોસાયટીમાં આવેલી મિલકત –ફ્લેટ અંગે ધારણકર્તાએ બેન્ક કે નાણાકીય સંસ્થા પાસેથી લીધેલી લોન ભરપાઇ થઇ ગયેલી હોય તો તે અંગેનુ ગીરો મુક્તિ અને લોન ભરપાઇ અંગેનું સર્ટિફિકેટ મેળવી તેમજ રજિસ્ટર્ડ ગીરો દસ્તાવેજ થયેલા હોય તો તે અંગે રજિસ્ટર્ડ રિલીઝ દસ્તાવેજના ખરી નકલના આધાર પુરાવા રેવન્યુ રેકર્ડ- સિટી સર્વે રેકર્ડ ચાલતો હોય ત્યાં રજૂ કર્યેથી મિલકત ગીરો મુક્ત બોજો ભરપાઇ કર્યા અંગેની નોંધ કરાવી શકાય છે.

પ્રશ્નઃ3- અમદાવાદના નારણપુરામાં આકાશ-4 નામના બિલ્ડિંગના ઓનર્સ એસોસિયેશનના કેટલાક ફ્લેટ મેમ્બર્સના રેવન્યુ રેકર્ડ (7-12)માં નામ દાખલ થયેલા છે. ત્યારબાદ અન્ય ફ્લેટ ધારણકર્તાઓએ રેકર્ડમાં નામ દાખલ કરવા અરજી કરેલી છે અને ત્યારબાદ મામલતદાર અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઇ પ્રત્યુત્તર મળ્યો નથી, તો તેને માટે શું કાર્યવાહી કરી શકાય ?

જવાબઃ ગુજરાત નોન ટ્રેડિંગ કોર્પોરેશન એક્ટ હેઠળ એસોસિયેશન નોંધાયેલા હોઇ તેને અનુસંધાને બિલ્ડિંગના ફ્લેટ્સ અને દુકાનો ધરાવતા કોમ્પ્લેક્સના કેટલાક ધારણકર્તાઓએ આપેલી અરજીના આધારે તેમનાં નામ રેવન્યુ રેકર્ડમાં દાખલ થયેલા હોય તો તે જ કાર્યપદ્ધતિ મુજબ જરૂરી પુરાવા સહિતની અરજી રજૂ કરવામાં આવી હતી, પરંતુ તેને આધારે પડેલા ફેરફાર નોંધ (હક્કપત્રક-6) નામંજૂર થયેલા હોય તો જમીન મહેસુલના કાયદા-નિયમ હેઠળ ડેપ્યુટી કલેક્ટરશ્રીને અપીલ કરવાની રહે છે. ડે.કલેક્ટરશ્રીના નોંધ મંજૂરીના હુકમ આવ્યા પછી જ અગાઉ નામંજૂર કે રદ થયેલી નોંધ મંજૂર થઇ શકે છે.

પ્રશ્નઃ નવરંગપુરામાં આવેલી મુસ્લિમ સોસાયટીના પ્લોટમાં બાંધવામાં આવેલા બિલ્ડિંગના ફ્લેટમાંનો કોઇ ફ્લેટ રજિસ્ટર્ડ દસ્તાવેજ થયેલા નથી અને ફક્ત રૂ.100 ના સ્ટેમ્પ પેપર પર કરાર થયેલા છે, તો પ્રોપર્ટી કાર્ડ મળી શકે ?

જવાબઃ સોસાયટીમાં આવેલા પ્લોટમાં સોસાયટીની મંજૂરીથી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લાન મંજૂરી મેળવીને ફ્લેટ્સનું બાંધકામ થયેલું હોય પરંતુ ફ્લેટ હોલ્ડરની તરફેણમાં વેચાણ દસ્તાવેજ (તા.01-05-2001થી ફરજિયાતરૂપે) કરવો જરૂરી છે, પરંતુ આ તારીખ પહેલાંની વિગતો હોય. તો તેનાં પેપર્સ વકીલનાં સલાહ-સૂચન મુજબ તૈયાર કરાવીને સિટી સર્વે. કચેરીમાં તેના આધાર-પુરાવા રજૂ કરીને ફ્લેટ ધારણકર્તા પ્રોપર્ટી કાર્ડમાં પોતાનાં નામ દાખલ કરાવી શકાય છે. રૂ. 100ના કરારને આધારે ફ્લેટની માલિકી હક્કમાટાઇટલ પ્રાપ્ત થયેલા ગણી શકાય નહીં.

પ્રશ્નઃ5- સમૃદ્ધિ સોસાયટી, સને 2004માં રજિસ્ટર્ડ થયેલી છે. બિલ્ડર તરફથી સને 2005માં એલોટમેન્ટ લેટર આપી મકાનો ફાળવાયાં છે. સોસાયટીના નામનો દસ્તાવેજ થયેલો છે. રેવન્યુ રેકર્ડમાં સોસાયટીનું નામ ચાલે છે, પણ દરેક મકાનવાળા વ્યક્તિગત નામો રેવન્યુ રેકર્ડમાં દાખલ કરવું પડે ? તેનું પ્રોપર્ટી કાર્ડ નીકળી શકે?(કેશુભાઇ).

જવાબઃ સોસાયટી તરફથી તેના સભ્યો-મકાનધારણકર્તાઓને આપેલા એલોટમેન્ટ લેટરને આધારે રેવન્યુ રેકર્ડમાં –પ્રોપર્ટી કાર્ડમાં નામ દાખલ થઇ શકે નહીં. આપના કિસ્સામાં સોસાયટી અને બિલ્ડર પાસેથી દસ્તાવેજ કરાવવો પડે. ત્યારબાદ જ તેવા દસ્તાવેજ અને અરજીને આધારે સભ્યોનાં નામ તેવા દસ્તાવેજ અને શેર સર્ટિફિકેટને આધારે પ્રોપર્ટી કાર્ડમાં નામ દાખલ કરાવી શકાય

- ચિનુ મોદી

Share :
Share :
source: નવગુજરાત સમય.

Leave A Reply

Share :