બધા પ્રકારની મિલકતનું પ્રોપર્ટી કાર્ડ નીકળી શકે કે માત્ર મકાનનું ?

0

  buying-property-with-little-money-down-in-6-ways-1_orig

   જમીન કે મકાનને ધારણ કરવું એ એક પ્રકારનો એડવાન્ટેજ જરૂર છે, પણ એ એડવાન્ટેજ પોતાની સાથે કેટલીક જવાબદારીઓને પણ લઇને આવે છે. તમારી પ્રેપર્ટીના તમે માલીક છે, પણ એ માલીકી હક્ક ભોગવવા માટે તમારે કેટલુંક રેકર્ડ વ્યવસ્થિત રીતે રાખવું પડે છે. તેની વખતોવખત ખરાઇ કરવી પણ જરૂરી હોય છે. બને તો વર્ષમાં એકાદ-વાર તેના 7-12ના ઊતારાની નકલ કઢાવી લેવી જોઇએ. પરંતુ તમારી પ્રોપર્ટી જે વિસ્તારમાં આવેલી હોય, તે વિસ્તારનો જમીન-મિલકત રેકર્ડ સિટી સર્વેમાં દાખલ થઇ ગયો હોય તો તેને માટેનું પ્રોપર્ટી કાર્ડ બની જતું હોય છે. આ પ્રોપર્ટી કાર્ડ કઢાવવું અને એ કઢાવ્યા બાદ તેમાંની વિગતો બરાબર ચકાસણી કરી લેવી જરૂરી હોય છે.

    જમીન-મકાન અંગેની કાનૂની અને આવશ્યક જાણકારી વિશાળ વાચકવર્ગ સુધી પહોંચે અને તેના થકી લોકો પોતાની પ્રોપર્ટીનું સંવર્ધન બરાબર કરીને તેનો એડવાન્ટેજ મેળવી શકે એ માટે અહીં અપાતી વૈવિધ્યપૂર્ણ જાણકારીઓમાં આજે થોડી વધુ વિગતો જોઇશું.

   ગુજરાતમાં લાગુ પડતા જમીન મહેસૂલ અધિનિયમ ૧૮૭૯ મુજબ સિટી સર્વે અંગે કેટલીક કાયદાકીય જોગવાઈ છે. હાલમાં ગ્રામીણ વિસ્તારમાં ગ્રામતળની જમીનોના ભાવમાં ખૂબ જ વધારો થયો છે. સિટી સર્વે દાખલ થવાથી સરકારની આવકમાં પણ વધારો થયો છે. કાનૂની અને વહીવટી બાબતે પ્લાન, રસ્તા, યોજનાઓ માટે સરકારી જમીનના હિસાબ વગેરે વિગતોથી વિવિધ હેતુ આની પાછળ સચવાય છે. સરકારી રસ્તા પૈકીનાં દબાણો શોધીને સિટી સર્વે ખાતા તરફથી દૂર થવાથી કિંમતી જમીન સરકારને પ્રાપ્ત થઈ જાય છે.

   સિટી સર્વેના કાયદાની જોગવાઈઓ મુજબ ગામતળનો સર્વ કરી હક્કપત્રક દાખલ કરાય નહીં ત્યાં સુધી આવતા અનસર્વે રેવન્યુ રેકર્ડમાં ગામોમાં થતા મિલકતના હક્કોના ફેરફારોની નોંધ ગામના રેવન્યુ રેકર્ડ નમૂના નંબર-6માં પાડવાની હોતી નથી, પણ ગ્રામપંચાયત મિલકતવેરા સબબ જે રેકોર્ડ પંચાયત અધિનિયમ હેઠળ નિભાવતી હોય છે તેમાં ફેરફાર દાખલ કરી શકાય અને તે આધારે ગામના નંબર 2 માં તથા 8-અમાં નોંધ રાખી શકાય છે.

   હવે જ્યારે ગામ સિટી સર્વેમાં દાખલ થાય ત્યારે સરકારી બિનજાહેર હેતુ માટે અનામત કર્યાં છે આવા પ્લોટો, ગામતળ પંચાયતને વેસ્ટ થયેલી હોય તે થાય, પણ તેનો નિકાલ કરવાની સત્તા કલેકટરોને એનાયત થયેલી છે. જો આવા પ્લોટો નગરપાલિકા વિસ્તારમાં આવેલા હોય તો તેવા પ્લોટોનો નિકાલ કરતાં પહેલાં સરકારી પૂર્વ મંજૂરી લેવાનું ઠરાવેલું છે. જો કે નગરપાલિકાએ ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ ૬૫ -2 હેઠળ કેટલીક શરતોને આધિન નગરપાલિકામાં વેસ્ટ થયેલી જમીનો સબબ પણ રાજય સરકારની પૂર્વમંજુરી લેવાની જોગવાઈ થયેલી છે.

   અગાઉના લેખમાં આપણે સિટી સર્વે રેકોર્ડ પ્રોપર્ટીકાર્ડ તે અંગેના સત્તા પ્રકારો, સિટી સર્વેમાં હક્ક ફેરફારો તેમજ સિટી સર્વે અંગે કાયદાકીય જોગવાઈઓ બાબતે માહિતી મેળવી તેના અનુસંધાને મિલકત ધરાવનાર વ્યક્તિ પોતાની મિલકતની માલિકી હક્ક-હિત અંગે સ્થિતિ-પરિસ્થિતિ સિટી સર્વે રેકોર્ડમાં કેવી રીતે હોય છે તેની કચેરીમાં તપાસ કરી પ્રોપર્ટીકાર્ડની નકલ મેળવીને પોતાની પાસે રાખવી તે અત્યંત જરૂરી બને છે. જ્યારે વ્યક્તિએ પોતાની મિલકત વેચાણ ગીરો, ભાડે કે અન્ય રીતે ટ્રાન્સફર કરવાની થાય ત્યારે પ્રોપર્ટી કાર્ડની જરૂરિયાત અવશ્યપણે રહે છે.

તમારી પ્રોપર્ટીને લગતી તમારી સમસ્યા-મૂંઝવણોનો ઉકેલ

   પ્રોપર્ટીને લગતા અનેક પ્રશ્નો વાચકો તરફથી આ લેખમાળા માટે મળતા રહ્યા છે. હવે આજથી તેના ઉત્તરો આપવાનું શરૂ કરાયું છે. જગ્યાની મર્યાદામાં રહીને દર વખતે વધુમાં વધુ પ્રશ્નોનો સમાવેશ કરવાનો પ્રયાસ કરાશે.

પ્રશ્ન. સિટી સર્વે રેકોર્ડમાં નામ તથા ક્ષેત્રફળની ભૂલ તો તે કેવી રીતે સુધારી શકાય? – પ્રિયંકા પરમાર (અમદાવાદ).

જવાબ- સિટી સર્વેના કોમ્પ્યુટરાઇઝ્ડ રેકર્ડમાં પ્રોપર્ટીકાર્ડમાં નામ અને ક્ષેત્રફળની ભૂલ થયેલી હોય તેવા સંજોગોમાં તમારે અરજી સાથે ઉપલબ્ધ જુના પ્રોપર્ટી કાર્ડમાં જણાવેલા નામ અથવા ક્ષેત્રફળમાં જે સુધારો કરવો હોય તે કરાવી શકાય છે. તેવા સુધારા કરાવવા માટે જરૂરી આધાર પુરાવા પણ કચેરીમાં રજૂ કરી ને તેવી અરજીના આધારે સુધારો કરાવી શકાય.

પ્રશ્ન. અમદાવાદ શહેરમાં ભીમજીપુરા વિસ્તારમાં આવેલી સિટી સર્વેની કચેરીમાં તપાસ કરતાં આંબાવાડી વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર ૨૧ પ્રોપર્ટીકાર્ડ મળતું નથી, હવે શું કરવું? આવું થવાનું તેનું કારણ શું હોઇ શકે? - મનીષ દેસાઈ (અમદાવાદ)

જવાબ- તમે જણાવ્યા મુજબ અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર ૨૧ માં હજુ ગામના નમુના નંબર 7 -12ના ઉતારા મુજબનો રેવન્યુ રેકર્ડ ચાલે છે. આ વિસ્તારની મિલકતો હજુ સિટી સર્વે વિસ્તારમાં તબદીલ થઈ નથી, જેથી હાલ તે વિસ્તારના સિટી સર્વે લાગુ પડતો નથી. આ રીતે રેકર્ડ ઉપલબ્ધ ન હોય ત્યારે એ રેવન્યુ રેકર્ડ કલેકટર ઓફિસમાં હોય છે. હવે જ્યારે ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર-૨૧ નો રેવન્યુ રેકર્ડ સિટી સર્વે ઓફિસમાં ટ્રાન્સફર થાય ત્યાર બાદ સિટી સર્વે અધિક શ્રી સર્વ કરી દરેક મિલકત સિટી સર્વે પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરશે.

પ્રશ્ન. અમદાવાદ શહેરમાં કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં આવેલ કોઈપણ બંગલા ફ્લેટની મિલકત અંગે સિટી સર્વે પ્રોપર્ટીકાર્ડ હોઇ શકે ? અને તે કોના નામે હોય.- ગિરીશ પરમાર (અમદાવાદ).

જવાબ – સોસાયટીમાં આવેલી મિલકતનો સમાવેશ સિટી સર્વેના રેકર્ડમાં થયેલો હોય તો ચોક્કસપણે સીટી સર્વે પ્રોપર્ટીકાર્ડ હોઇ શકે. સોસાયટી રેકર્ડ મુજબ જેમનાં નામો સભ્ય શેરહોલ્ડર તરીકે સિટી સર્વે કચેરીમાં મોકલવામાં આવે અને તે મિલકતો સિટી સર્વેમાં સમાયેલી હોય તો સોસાયટીના દરેક સભ્ય શેરહોલ્ડરને સિટી સર્વે રેકર્ડ મુજબના પ્રોપર્ટી કાર્ડમાં કબજેદાર તરીકે લખીને તે પ્રોપર્ટી કાર્ડ કચેરી તરફથી ખરાઇ કરીને આપવામાં આવે છે. પરંતુ જો સિટી સર્વેમાં તેવી મિલકતનો સમાવેશ થયેલો નહીં હોય તો સોસાયટીનું નામ રેવન્યુ રેકર્ડ (ગામ નમુના નંબર ૭- ૧૨ )માં ચાલુ હોય છે.

નિલેશ વી ત્રિવેદી (એડવોકેટ)

Share :
Share :
source: નવગુજરાત સમય.

Leave A Reply

Share :