તમારી પ્રોપર્ટીનો સત્તાપ્રકાર કેવો છે? તેની તમને જાણકારી છે ખરી?

0

    rera 42_549963370re-ll property, low

   આજના સમયમાં કોઇપણ પ્રકારની પ્રોપર્ટી ધારણ કરવી એ માત્ર સ્ટેટસ કે પ્રાઇડનો નહીં પણ એક પ્રકારના એેડવાન્ટેજ અને પ્રોસ્પરિટીનો મામલો છે. એક દિવસ એવો સમય આવશે કે જમીન કે મકાન કે કોઇપણ પ્રકારની પ્રોપર્ટી ધરાવનારની જુદી જ પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ-સુખાકારી હશે. એટલે હાલમાં તમારી જે કોઇ નાની-મોટી પ્રોપર્ટી છે, તેનું યોગ્ય રીતે સંવર્ધન-રખોપું-સાચવણી કરવી અનિવાર્ય છે. એ માટે સૌથી પ્રાથમિક બાબત એ છે કે તમારી પ્રોપર્ટી કેવી કેટેગરીની છે એની પૂરતી અને લેટેસ્ટ જાણકારી તમારી પાસે હોવી જરૂરી છે.

   દરેક વ્યક્તિ પોતપોતાની જમીન મિલકતની સ્થળ પરિસ્થિતિ સિટી સર્વે રેકર્ડમાં કયા સત્તાપ્રકારે ધારણ કરે છે તે મતલબની ચોક્કસ વિગતો જાણી શકાય તેવી જાણકારી આપવાનો અગાઉના બે લેખોમાં પ્રયાસ કરાયો છે. તમારી પ્રોપર્ટીનો સરકારી રેકર્ડ શું છે તે જાણવું અનિવાર્ય છે. હાલમાં સરકારી રેકર્ડ મુજબ ઘણી જમીન-મિલકતો રેવન્યુ રેકર્ડ એટલે કે ગામના નમુના નંબર ૭-૧૨ માં પણ દર્શાવેલો હોય છે. હવે તેનો સિટી સર્વે રેકર્ડમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી જમીન-મિલકત ધારણ કરનાર વ્યક્તિ સિટી સર્વે રેકર્ડ સાથે રેવન્યુ રેકોર્ડ પણ ચકાસી લેવો જોઈએ. રેવન્યુ રેકર્ડમાંથી જયારે સિટીસર્વે ટ્રાન્સફર થયેલ હોય તો તે અંગે પોતપોતાનાં નામ, માલિકી, કબજેદાર, ક્ષેત્રફળ, સત્તાપ્રકાર વગેરેની વિગતો અને જો તેમાં વિસંગતતા હોય તો તે પણ જોઈ તપાસી લેવી જરૂરી બને છે.

   અગાઉના લેખમાં આપણે સત્તા પ્રકાર A થી C સુધીની માહિતી મેળવી. હવે પછી સિટી સર્વે દફતર તૈયાર કરવામાં આવે ત્યારે સિટી સર્વે રેકર્ડ માં જમીન મિલકતના સત્તાપ્રકાર ઉપરથી કેવા પ્રકારની જમીન છે? કોની જમીન છે? કોના મારફતે અપાયેલી છે? અને જાત-હક્ક ફેરફારોની સંપૂર્ણ માહિતી જાણી શકાય છે.

   રાજ્યમાં શહેર, નગર અને ગામની આવેલી સ્થાવર મિલકત ( જમીન + બાંધકામ) રેવન્યુ રેકર્ડમાંથી જ્યારે સિટી સર્વે વિસ્તારમાં સમાવિષ્ટ થાય છે ત્યારે રેવન્યુ રેકર્ડ બંધ કરીને સિટી સર્વેમાં જુદા-જુદા ચાર કોલમ આપવામાં આવે છે, જેમાં પ્રથમ કોલમ સર્વે નંબરનો હોય છે. બીજી કોલમ વિસ્તારની હોય છે. ત્રીજી કોલમ જમીન રાખવાના સત્તા પ્રકાર અને ચોથી કોલમ સરકારને ચૂકવેલા ભાડા તથા આકારણી અંગેની વિગતો અને તેની ફેરતપાસનો હુકમ દર્શાવેલો હોય છે, જેને સિટી સર્વે કાર્ડ (પ્રોપર્ટીકાર્ડ) તરીકે ઓળખવામાં આવે છે.

   સિટી સર્વે કાર્ડ બનાવતાં પહેલાં રેવન્યુ રેકોર્ડ તથા ગ્રામ પંચાયતોમાં ચાલતી મિલકતો સરકાર તરફથી તેના ઠરાવો કરીને સિટી સર્વેમાં સમાવેશ કરી રેવન્યુ રેકર્ડ બંધ કરીને સિટી સર્વે કાર્ડ દરેક મિલકતની માલિકી-કબજેદાર મુજબ તૈયાર કરવામાં આવે છે. જે કોલમમાં સત્તાપ્રકારના આધારે કેવા પ્રકારની મિલકત આવેલી છે અથવા તો મિલકતમાં કોનો હક્ક આવેલો છે તેની સંજ્ઞા દર્શાવે છે. મિલકત ઉપર સરકારી બોજો કયા પ્રકારનો છે? નવી શરતની મિલકત છે કે પ્રીમિયમ પાત્ર અથવા તો વેચાણપાત્ર છે તે અંગેની ટૂંકી સંજ્ઞા દર્શાવેલી હોય છે. આ અંગે અગાઉ સત્તાપ્રકાર ૧ થી ૧૧ ની વિગતો ગયા સોમવારે આપણે મેળવી હતી. હવે તેનાથી આગળના ક્રમની વિગતો નીચે મુજબ છે:.

૧૨. સત્તા પ્રકાર ‘ડી’ દર્શાવેલ હોય તો તે મિલકત જમીન મહેસૂલના નિયત મુજબ જાહેર હેતુઓ માટે મહેસૂલ માફીથી અપાયેલી છે તેવી જમીનો.

૧૩. સત્તાપ્રકાર ‘ડી-૧’ દર્શાવેલ હોય તો તે મિલકત બિન-નફાકારક હેતુઓ માટે મ્યુનિસિપાલિટી, નગરપાલિકા, નગર પંચાયત દ્વારા ધારણ કરવામાં આવેલી છે તેવી જમીનો.

૧૪. સત્તાપ્રકાર ‘ડી-૨’ દર્શાવેલ હોય તો તે જમીનો તાલુકા અને જિલ્લા પંચાયતોને બિન-નફાકારક જાહેર હેતુઓના ઉપયોગ માટે અપાયેલી છે તેવી જમીનો.

૧૫. સત્તાપ્રકાર ‘ઇ-૧’ દર્શાવેલ હોય તો તે જમીનો લેન્ડ રેવન્યુ કોડની કલમ- ૪૫ તથા 52 હેઠળ મહેસૂલ ભરવાપાત્ર હોય તેવી જમીનો. મ્યુનિસિપાલિટી, નગર પંચાયત, ગ્રામ પંચાયતને વેચાણ આપેલી હોય તેવી જમીન.

૧૬. સત્તાપ્રકાર ‘ઇ-૨’ દર્શાવેલ હોય તો તે જમીનો નગરપંચાયત અગર તો મ્યુનિસિપાલિટીએ ભાડાપટ્ટે આપેલી જમીન, જે ભાડું અગર વિશેષ ભરવાપાત્ર થાય છે તેવી જમીન.

૧૭. સત્તાપ્રકાર ‘એફ’ દર્શાવેલ હોય તો તે જમીનો ધર્માદા -વકફ- ધાર્મિક અગર ઇતર ધર્માદા સંસ્થાઓ માટે અપાયેલ છે તેવી જમીનો.

૧૮. સત્તાપ્રકાર ‘જી’ દર્શાવેલ હોય તો તે જમીનો સરકારી જમીનો છે, એટલે કે સરકાર હસ્તક જેનો વહીવટ ચાલે છે તેવી જમીનો.

૧૯. સત્તાપ્રકાર ‘જી-૧’ દર્શાવેલ હોય તો તે જમીનો સરકારી જમીનો, જે સરકારશ્રીના ખાતા હસ્તક છે તેવી જમીનો.

૨૦. સત્તાપ્રકાર ‘જી-૨’ દર્શાવેલ હોય તો તે જમીનો કેન્દ્ર સરકાર હસ્તકની છે તેવી જમીનો.

૨૧. સત્તાપ્રકાર ‘એચ’ દર્શાવેલ હોય તો તે જમીન ચરિયાણ, સ્મશાન જેવા ખાસ હેતુઓ માટે નિમ કરાયેલ છે તેવી જમીનો.

૨૨. સત્તાપ્રકાર ‘આઇ’ દર્શાવેલ હોય તો તે જમીનો વાડા સહિતા હેઠળ વાડાની ખુલ્લી જમીનો આવેલી છે તેવી જમીનો.

૨૩. સત્તાપ્રકાર ‘આઇ-૧’ દર્શાવેલ હોય તો તે જમીનો બિનતબદિલ સત્તા પ્રકારની એટલે કે પ્રીમિયમ પાત્ર રહેણાંકના હેતુ માટે ધારણ કરેલી છે તેવી જમીનો.

૨૪. સત્તાપ્રકાર ‘જે’ દર્શાવેલ હોય તો તે જમીનો ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ તથા ગંદા વસવાટ નાબૂદી બોર્ડ, એલ.આઇ.સી., જીઆઇડીસી વગેરેએ ધારણ કરેલી છે તેવી જમીનો.

૨૫. સત્તાપ્રકાર ‘જે-૧’ દર્શાવેલ હોય તો તે જમીનો ગુજરાત હાઉસિંગ બોર્ડ એલ.આઇ.સી., જીઆઈડીસીને ભાડે આપેલી છે તેવી જમીનો.

૨૬. સત્તાપ્રકાર ‘કે’ દર્શાવેલ હોય તો તે જમીનો સગર હક્કથી અથવા તો નવી અને અવિભાજ્ય સત્તા પ્રકારની સને ૧૯૫૦ પહેલાં ગામતળની જમીનો ગ્રાન્ડ કરેલ છે અને બીજા હક્કમાં બિનખેતીને આકારને પાત્ર છે તેવી જમીનો.

૨૭. સત્તાપ્રકાર ‘કે-૧’ દર્શાવેલ હોય તો તે જમીનો નવી અને અવિભાજ્ય સત્તા પ્રકારની જમીનો સને ૧950 પછી ગામતળની ગ્રાન્ટ કરેલ છે તેવી જમીનો. જેના કબજા હક્ક બિનખેતીને આકારને પાત્ર છે તેવી જમીનો.

૨૮. સત્તાપ્રકાર ‘કે-૨’ દર્શાવેલ હોય તો તે જમીનો જમીનવિહોણા મજૂરોને શરતોને આધીન રહેણાંક માટે ગામતળમાં પ્લોટ પાડીને મફત આપેલી છે તેવી જમીનો.

૨૯. જ્યારે કોઇપણ મિલકતના સિટી સર્વે રેકર્ડના ધારણકર્તાના નામથી અન્યના નામે ફેરફાર કરવા માટે વિલ, વારસાઈ, વેચાણ, દસ્તાવેજ, બક્ષિસ, દસ્તાવેજ, રિલીઝ, ટ્રાન્સફર, ભાડાપટ્ટો કે અન્ય પ્રકારના ટ્રાન્સફરના દસ્તાવેજોના આધારે ફેરફાર કરવા માટે પક્ષકારોએ અરજી, પુરાવાઓ સિટી સર્વે કચેરીમાં રજૂ કરી જરૂરી કાર્યવાહીઓ કરવાની રહે છે તથા પડેલ ફેરફાર નોંધ કાયદા-નિયમ મુજબ ૩૦ દિવસ બાદ મંજૂર કે નામંજૂર કે રદ કરવાનો નિર્ણય સિટીસર્વે અધિકારીશ્રી કરે છે. ફેરફાર નોંધ રદ અગર નામંજૂરીનો નિર્ણય થાય ત્યારે તેવા નિર્ણય સામે ડેપ્યુટી કલેકટરશ્રી સમક્ષ અપીલ કરવાની રહે છે.

   હાલમાં ગુજરાત સરકારશ્રીએ સિટીસર્વે કાર્ડ online મૂકેલ છે, જેથી મિલકત ધારણકર્તાને પોતાની મિલકત નાના ફેરફાર અને હક અંગે જાણ થઇ શકે. પરંતુ સિટી સર્વેના કમ્પ્યુટરાઇઝ્ડ રેકર્ડમાં ભૂલથી ઘણાખરા કિસ્સાઓમાં જુના ફેરફારોની સાચી અસર આપવામાં આવેલી નથી. પક્ષકારોએ સુધારા રજૂ કરીને સાચી હકીકતના હક્ક ફેરફારો કરવા જરૂરી બને છે. જે હક્કના જુના ફેરફારો સહિતની ઉપલબ્ધ ‘ચેકચાકવાળી નકલ’ અરજી સાથે રજૂ કરીને સિટીસર્વે રેકર્ડમાં મિલકતના માલિક-કબજેદારો-ધારણકર્તાઓ દ્વારા સુધારો પણ કરાવી શકાય છે. જેની વધુ વિગતો હવે પછી આપીશું.

Share :
Share :
source: નવગુજરાત સમય.

Leave A Reply

Share :