જાણીએ, ઈમ્પેકટ ફીની આંટીઘુંટી

0

     સરકાર દ્વારા ફરી એકવાર ગેરકાયદે બાંધકામને નિયમિત કરવા ઈમ્પેકટ ફી માટેની અરજી કરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઈમ્પેકટ ફી શું છે? અને તેની ગણતરી કઈ રીતે થાય? તેની વિગતો અહિં વિસ્તૃત રીતે પ્રસ્તૃત છે.

     ઈમ્પેકટ ફી એટલે ગેરકાયદેસર બાંધકામ નિયમિત કરી આપવાનો કાયદો. આ રીતે નિયમિત કરી આપવાની પ્રક્રિયા દક્ષિણ ભારતના અમુક રાજ્યોમાં ચાલી આવેલ હતી.

     તેમાંથી પ્રેરણા લઈને ગુજરાત સરકાર સન ૨૦૦૨માં આ કાયદો અમલમાં લાવી. ગેરકાયદેસર બાંધકામ થવાનું મુખ્ય કારણ વસતી વધારો, જમીન મિલકતોના અકલપ્ય  ભાવ-વધારો , પ્લાન પાસિંગની અટપટી લાંબી વિધિ, માનવીનો સ્વાર્થીં સ્વભાવ, લાલચ, ઓફિસરોની આંખ આડા કાન કરવાની વૃત્તિ વગેરે છે. ગમે તેટલી કડકાઈ રાખવામાં આવે તો પણ ગેરકાયદેસર બાંધકામો થવાની સંભાવના છે, અને એક વખત બાંધકામ થઈ ગયા બાદ તેને તોડવા અઘરુ કામ છે. અને જો ગેરકાયદેસર બાંધકામો તોડી નાંખવા ફરજ પાડવામાં આવે તો તે રાષ્ટ્રીય બરબાદી ગણાશે. આથી આવી મિલ્કતોને ઉચ્ચક રકમ લઈ કાયદેસર કરી નાખવામાં આવે છે.

     ૧૦ વર્ષ પહેલા ઈમ્પેકટ ફીનો કાયદો આવેલ હતો ત્યારે ઘણા મિલ્કતદારોએ તેનો લાભ લીધો હતો અને સુમારે ૧૦ વર્ષ પછી ફરી આ કાયદો ૨૦૧૨ માં લાવવામાં આવ્યો અને તેમાં ૨૮/૩/૨૦૧૧ પહેલાના ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરી આપવાની જોગવાઈ છે.

     આ અંગે અગાઉ અરજી કરવાની મુદત ૧૯/૮/૨૦૧૨ ઠરાવેલ હતી. ત્યારબાદ અરજી બાબતે યોગ્ય પ્રતિસાદ ન મળતાં તેને ૧૯/૨/૨૦૧૩ સુધી લંબાવી આપવામાં આવેલી. હાલની મુદત ૧૯/૮/૨૦૧૩ સુધી લંબાવવામાં આવેલ છે. દરેક વખતે મુદત આપવાની સાથે સાથે ઈમ્પેકટ ફીના દરો પણ ઘટાડવામાં આવ્યા છે અને આ વખતે પણ ઈમ્પેકટ ફીનાં દરમાં ખાસ્સો ઘટાડો કરવામાં આવ્યો છે. આથી ગેરકાયદેસર બાંધકામના મિલકતદારોએ હવે તેનો ચોકકસ લાભ લેવો જોઈએ કારણ કે હવે પછી કાયદો આવવાની શકયતા નહિવત છે. કારણ કે હાઈકોર્ટે ઈમ્પેકટ ફીનો કાયદો વારંવાર લાવવા બાબતે સરકારને ઠપકો આપેલ છે અને જો આવી પ્રથા પડી જાય તો લોકોને ગેરકાયદેસર બાંધકામનુ પ્રોત્સાહન મળે જે યોગ્ય નથી.

     આ જ કારણસર ત્રણ વખત વધારવામાં આવેલી મુદતને કારણે ઈમ્પેકટ ફીમાં કરવામાં આવેલા ખાસા ઘટાડાને કારણે અનિયમિત બાંધકામોને નિયમિત કરાવવા લોકો રસ લે તેવી સરકારને આશા છે.

કયા પ્રકારના બાધંકામોને ઈમ્પેકટ ફીના કાયદાનો લાભ મળશે :

1. પ્લાનથી વિરુધ્ધનું / વધારાનુ બાંધકામ.

2. પ્લાન મંજૂર કરાવ્યા વિનાનું બાંધકામ.

3. મારર્જીનમાં બાંધકામ.

4. સી.ઓ.પીમાં બાંધકામ.

5. બાલ્કની કવર.

6. માળ વધારાનુ બાંધકામ / એફ.એસ.આઈ માં વધારો.

7. હેતુ ફેર વાળુ બાંધકામ.

8. પાર્કિંગ છોડયા વિનાનું બાંધકામ.

9. પાર્કિંગમાં ફલેટ/ મકાન/ દુકાન બાંધેલ હોય તો બિલ્ડીંગની ઉંચાઈમાં વધારો કરેલ હોય તેવું બાંધકામ.

કયા પ્રકારના બાધંકામોને નિયમિત નહિ કરાય :

1. કાચા મકાનો.

2. રસ્તા પર આવતા બાંધકામો.

3. ટી.પી. ના રસ્તા પર આવતા બાંધકામો.

4. રીર્ઝવેશનવાળી જગ્યામાં આવતા બાંધકામો.

5. સરકારી જગ્યામાં દબાણ કરીને કરવામાં આવેલ બાંધકામો.

6. પોતાના પ્લોટની હદ બહારનુ બાંધકામ.

7. પાણીની લાઈન, ગટરલાઈન, વીજળીના દોરડા કે ગેસ લાઈન વિગેરેની ઉપર બાંધકામ.

8. જોખમકારક બિલ્ડીંગો.

9. સ્મશાન, કબ્રસ્તાન વિગેરેના ઉપયોગ માટે ફળવાયેલ જમીન પરનુ બાંધકામ.

10. જે મિલ્કતો બાબતે ર્કોટ કેસ ચાલતા હોય તેવી મિલ્કતોનુ બાંધકામ.

11. સંપાદન હેઠળ આવતી જમીનમાં બાંધકામ.

ઈમ્પેકટ ફી ના નવા દરો :

અ. પાર્કિંગ સિવાયના રેસીડેન્સ બાંધકામ માટે :

૧. ૫૦ ચોરસ મીટર સુધીનુ ગેરકાયદેસર બાંધકામ માટે રૂ. ૨૦૦૦/- ફી નિયત કરાઈ છે.

૨. જો કુલ ગેરકાયદેસર બાંધકામનું ક્ષેત્રફળ ૫૦ ચોરસ મીટરથી ૧૦૦ ચોરસ મીટર સુધીનું હોય તો રૂ. ૪૦૦૦/-

૩. જો કુલ ગેરકાયદેસર બાંધકામનું ક્ષેત્રફળ ૧૦૦ ચોરસ મીટરથી ૨૦૦ ચોરસ મીટર સુધીનું હોય તો રૂ. ૮૦૦૦/-

૪. જો કુલ ગેરકાયદેસર બાંધકામનું ક્ષેત્રફળ ૨૦૦ ચોરસ મીટરથી ૩૦૦ ચોરસ મીટર સુધીનું હોય તો રૂ.૧૨૦૦૦/-

૫. જો કુલ ગેરકાયદેસર બાંધકામનું ક્ષેત્રફળ ૩૦૦ ચોરસ મીટરથી વધુ હોય તો રૂ.૧૨૦૦૦+ (૩૦૦ ચોરસ મીટરથી ઉપરના દરેક ચોરસ મીટર બાંધકામ દીઠ રૂ.૧૦૦ લેખે)

નોંધ :

૧. ઉપરોકત બાંધકામમાં કુલ બાંધકામ એટલે ગ્રાઉન્ડ ફલોર + બધા માળોના બાંધકામનો સમાવેશ કરવાનો છે.

૨. ઉપરોકત દરો બિન-ધંધાકીય અને બિન ઔધોગિક વપરાશ માટેના છે.

૩. ધંધાકીય અને ઔધોગિક વપરાશ માટેના દરો ઉપરોકત દર્શાવેલ એરિયા માટે બે ગણા રહેશે.

૪. કોમન પ્લોટમાં બાંધકામ માટે ઉપર નોંધમાં જણાવેલ અનુક્રમ નં ૧ અને ૨ લાગુ પડશે પરંતુ તે માટે સી.ઓ.પી.ની જમીનના માલિક કે સી.ઓ.પી.માં હિત ધરાવતા માલિકોની સંમતિની જરુર રહેશે.

૫. સેનીટેશન ની સુવિધા નહિ પુરી પડાયેલ હોયતો ઉપરોકત દરો સિવાય ૫૦૦૦ વધારાની ઉચ્ચક રકમ ભરવાની રહેશે.

બ. પાર્કિંગ માટે :

૧. ગેરકાયદેસરના કે વધારાના બાંધકામ માટે જરુરિયાત મુજબ પાર્કિંગ નહિ હોય તો જંત્રીના ૧૦ટકા ખૂટતા પાર્કિંગ એરિયા માટે (રેસીડેન્સ).

૨. ગેરકાયદેસરના કે વધારાના બાંધકામ માટે જરુરિયાત મુજબ પાર્કિંગ નહિ હોય તો જંત્રીના ૨૫ટકા ખૂટતા પાર્કિંગ એરિયા માટે (રેસીડેન્સ સિવાય)

Share :
Share :
source: પ્રોપર્ટી બઝ.

Leave A Reply

Share :