કોર્ટે પક્ષકારને મિલકતની કાયદેસરતાના હકોનું રક્ષણ આપવું જોઈએ

0

property

ઘણાં કિસ્સાઓમાં પક્ષકારોને કાયદાકીય અજ્ઞાાનતાને કારણે પોતાની જમીન/ મિલકતો અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહીઓ કરવા બાબતની યા પોતાની જમીનો/ મિલકતો અંગે થયેલ કોઈ કોર્ટ યા કચેરીના હુકમોને પડકારવા અંગેની કાર્યવાહીઓ કરવાની જાણ હોતી નથી અને તેના કારણે પક્ષકારોને પોતાની જમીન/ મિલકતો અંગે થયેલ હુકમો કે જે ખરેખર કાયદાની ભાષામાં ખોટા હોવા છતાં તેને નહીં પડકારવાને કારણે ઘણું મોટું નુકસાન પણ ભોગવવું પડતું હોય છે, પરંતુ જરૂરી અને કાયદેસરની કાર્યવાહીઓથી અજાણ હોવાને કારણે યા કાયદાકીય અજ્ઞાાનતા હોવા છતાં દરેક પક્ષકાર/ નાગરિક હર-હંમેશ પોતાની મિલકતનું રક્ષણ કરવા હકદાર છે અને પક્ષકારોને કાયદાકીય અજ્ઞાાનતાના કિસ્સામાં કોર્ટે ફરજિયાત તેવા પક્ષકારોને રાહત આપવી જ જોઈએ. આ મુજબનો સિદ્ધાંત નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રબારી પીરાભાઈ વાલાભાઈ અને બીજા વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત અને બીજા, સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં. ૧૪૩૨૭/૧૯૯૩ના કામે તા. ૦૧-૦૮-૨૦૦૧ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. (૨૦૦૨-૧ જી.એલ.આર. ૪૫૭) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.

 

નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ હાલની પિટિશન, ગુજરાત મહેસૂલ વિભાગના તા. ૨૯/૦૪/૧૯૯૩ના રોજના હુકમ વિરુદ્ધ અને પાલનપુર ડેપ્યુટી કલેક્ટરના સિલિંગ અપીલના કેસમાં થયેલ તા. ૦૪/૦૫/૧૯૯૦ના રોજના હુકમ વિરુદ્ધ અને મામલતદાર કૃષિપંચના સિલિંગ કેસમાં થયેલ તા. ૧૫/૧૦/૧૯૮૧ના રોજના હુકમો વિરુદ્ધ હાલની પિટિશન દાખલ કરવામાં આવેલ છે.

 

ગુજરાત એગ્રિકલ્ચર લેન્ડ સિલિંગ એક્ટ-૧૯૬૦ અંગેની કાર્યવાહી અંગેના કેસ નં. ૧૯૪૧/૧૯૭૬ના કામે એવું માલૂમ પડેલ કે પિટિશનર નં. ૨નાઓ પોતાના નામે ૫૨-એકર અને ૨૨-ગુંઠા જેટલી જમીન ધારણ કરે છે તેમજ પિટિશનર નં. ૨ અને તેઓની બહેનો ૧૧-એકર અને ૩૭-ગુંઠા જમીનો ધારણ કરે છે. આથી પિટિશનર નં. ૨ ૬૪-એકર અને ૧૯-ગુંઠા જેટલી ખેતીની જમીન ધારણ કરતા હતા. આથી સિલિંગ એક્ટની કલમ-૧૬ મુજબની તપાસ દરમિયાન ડીસાના મામલતદાર કૃષિપંચ દ્વારા ૧૯-એકર અને ૧૯-ગુંઠા જમીન સરપ્લસ યાને વધારાની જમીન ધારણ કરતા હોવાનું જણાવી સામાવાળા નં. ૨નાઓને નોટિસ ઈશ્યૂ કરેલ, પરંતુ પિટિશનર નં. ૨ દ્વારા તે અંગે કોઈ જવાબ રજૂ કરવામાં આવેલ નહીં. આથી મામલતદારશ્રીએ પોતાના તા. ૧૫/૧૦/૧૯૮૧ના રોજના હુકમથી જાહેર કરેલ કે પિટિશનર નં. ૨ ૧૯-એકર અને ૧૯-ગુંઠા જમીન વધારાની જમીન તરીકે ધારણ કરે છે અને તેટલી જમીન તમામ બોજા રહિત સરકાર હસ્તક દાખલ કરવા હુકમ ફરમાવેલ.

 

જે મામલતદારના હુકમ વિરુદ્ધ પિટિશનર નં. ૧ દ્વારા પાલનપુરના ડેપ્યુટી કલેક્ટર સમક્ષ અપીલ દાખલ કરવામાં આવેલ, પરંતુ ડેપ્યુટી કલેક્ટર સાહેબે ફરીથી કેસ મામલતદારને રિમાન્ડ કરવા તા. ૦૪/૦૫/૧૯૯૦ના રોજ હુકમ ફરમાવેલ. આથી મામલતદારે ફરીથી રિમાન્ડ કેસ ચલાવી તા. ૧૨/૦૬/૧૯૯૦ના રોજના હુકમથી વધારાની જમીન હોવાનું ફરીથી ઠરાવેલ. આથી તેનાથી નારાજ થઈ સામાવાળા નં. ૨થી ૪નાઓએ ડેપ્યુટી કલેક્ટર સમક્ષ સિલિંગ અપીલ દાખલ કરેલ જે તા. ૦૭/૧૨/૧૯૯૦ના રોજથી મંજૂર કરવામાં આવેલ. જેની વિરુદ્ધ મહેસૂલ પંચ સમક્ષ ફેરતપાસ અરજી નં. ૧૯૦/૧૯૯૧ પેન્ડિંગ છે, પરંતુ પિટિશનર નં. ૧ દ્વારા ડેપ્યુટી કલેક્ટર સમક્ષ પણ કોઈ અપીલ દાખલ કરવામાં આવેલ નહીં કે મહેસૂલ પંચ સમક્ષ પણ કોઈ ફેરતપાસ અરજી દાખલ કરવામાં આવેલ નહીં. જોકે સામાવાળા નં. ૨ દ્વારા મહેસૂલ પંચ સમક્ષ ફેરતપાસ અરજી નં. ૧૮૯/૧૯૯૧ દાખલ કરવામાં આવેલ. જ્યારે ગુજરાત મહેસૂલ પંચ સમક્ષ દાખલ ફેરતપાસ અરજી પણ તા. ૨૯/૦૪/૧૯૯૩ના રોજથી ડિસમિસ કરવામાં આવેલ. આથી મામલતદારના તથા ડેપ્યુટી કલેક્ટરના તથા મહેસૂલ પંચના હુકમો વિરુદ્ધ એક સાથે પિટિશનરે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ હાલની આ અરજી દાખલ કરેલી.

 

જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ એવા તારણ ઉપર આવેલ કે કોઈ પણ હુકમ બંધારણ દ્વારા આપવામાં આવેલ સત્તા કે અધિકારથી ઉપરવટનો હોય અથવા ગેરકાયદેસરનો હોય તો તે અંગે ઉપલી કોર્ટ પોતાની આંખો બંધ રાખી શકે નહીં અને પક્ષકારોને ન્યાય અપાવવો જ પડે. કોઈ પક્ષકાર પોતાની જમીન મિલકતો અંગે જરૂરી અને કાયદેસરની કાર્યવાહીઓથી અજાણ હોવાને કારણે યા કાયદાકીય અજ્ઞાાનતા હોવા છતાં દરેક પક્ષકાર પોતાની મિલકતનું રક્ષણ કરવા હકદાર છે અને પક્ષકારોની કાયદાકીય અજ્ઞાાનતાના કિસ્સામાં કોર્ટે ફરજિયાત તેવા પક્ષકારોને રાહત આપવી જ જોઈએ.

 

આથી નામદાર ગુજરાત હાઈકોર્ટે હાલની અરજી મંજૂર કરેલ અને મામલતદારના તથા ડેપ્યુટી કલેક્ટરના તથા મહેસૂલ પંચના એમ તમામ હુકમોને રદ જાહેર કરેલ અને પક્ષકારોને સુનાવણીની અને પુરાવાઓ રજૂ કરવાની તક આપી નવેસરથી નિર્ણય કરવા મામલતદારને કેસ રિમાન્ડ કરવામાં આવેલ.

 

ઉપરોક્ત કેસ ઉપરથી ફલિત થાય છે કે, ઘણાં કિસ્સાઓમાં પક્ષકારોને કાયદાકીય અજ્ઞાાનતાને કારણે પોતાની જમીન/ મિલકતો અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહીઓ કરવા બાબતની યા પોતાની જમીનો/ મિલકતો અંગે થયેલા કોઈ કોર્ટ યા કચેરીના હુકમોને પડકારવા અંગેની કાર્યવાહીઓ કરવાની જાણ હોતી નથી અને તેના કારણે પક્ષકારોને પોતાની જમીન/ મિલકતો અંગે થયેલ હુકમો કે જે ખરેખર કાયદાની ભાષામાં ખોટા હોવા છતાં તેને નહીં પડકારવાને કારણે ઘણું મોટું નુકસાન પણ ભોગવવું પડતું હોય છે, પરંતુ જરૂરી અને કાયદેસરની કાર્યવાહીઓથી અજાણ હોવાને કારણે યા કાયદાકીય અજ્ઞાાનતા હોવા છતાં દરેક પક્ષકાર/ નાગરિક હર-હંમેશ પોતાની મિલકતનું રક્ષણ કરવા હકદાર છે અને પક્ષકારોની કાયદાકીય અજ્ઞાાનતાના કિસ્સામાં કોર્ટે ફરજિયાત તેવા પક્ષકારોને રાહત આપવી જ જોઈએ.

Share :
Share :
source: સંદેશ.

Leave A Reply

Share :