કુલમુખત્યારનામું (પાવર ઓફ એર્ટની) જોખમી ખરૂં ?

0

     કુલમુખત્યારનામાંના(પાવર ઓફ એટર્ની) આધારે તે ધારણ કરનાર કુલમુખત્યાર અન્યને કુલમુખત્યારનામું આપી શકે? કુલમુખત્યારનામું એટલે મિલકતનો માલિક તેના હક્ક-અધિકારનો  ઉપયોગ કરવા માટેનો અધિકારપત્ર (ઓથોરીટી લેટર) તેનો પ્રતિનિધિ(એજન્ટ)ને આપે તે મિલકતના હક્ક-અધિકારના હસ્તાંતરણ-ટ્રાન્સફર કરવા માટેના આ લેખનો ઉપયોગ હાલમાં દરેક વહેવારને ચોપડે, સરકારી દફતરે કે અન્ય રીતે જાહેર કરવામાંથી બચવા માટે થાય છે. કુલમુખત્યારનામું  એટલે જમીન મિલકતને એન્ડ્રોસ કરતો ‘બેરર ચેક’ જેનો દૂર-ઉપયોગ થવાની સંભાવના ખૂબ હોય છે.

     કુલમુખત્યારનામાંના  લેખમાં જણાવ્યા મુજબના કાર્યો કરવાની સત્તા એક માલિક તેના પ્રતિનિધિને સોંપતો હોય છે. આ સંજોગોમાં પ્રતિનિધિ કાયમ પ્રતિનિધિ યાને એજન્ટ જ હોય છે. તે ખુદ માલિક તરીકેના હક્ક કે અધિકાર ભોગવી નહિ શકે.

     મિલકતના વેચાણ વહેવાર માટે  કુલમુખત્યારનામાંનો લેખ ખરીદનાર વ્યક્તિને કે લાભકર્તાના નામે કે લાભકર્તા કહે તેના નામે ત્યારે જ કરી આપવો જ્યારે મિલકતની નક્કી થયેલી વેચાણ અવેજની સંપૂર્ણ રકમ તેના માલિકને કે લખી આપનારને મળી હોય. અન્યથા આવા કિસ્સામાં છેતરાવવાનો ચાન્સ લગભગ હોય.

     કુલમુખત્યારનામાંના આધારે અન્યને કુલમુખત્યારનામું  મોટા ભાગે આપી શકાય તેમ નથી છતાંય આ બાબતે ઘણા મત-મતાંતર છે. મૂળ કુલમુખત્યારનામાંના લેખમાં આવા સબ એજન્ટ યા કો-એર્ટોની નિમવાની શરત લખેલી હોય તો મુખ્ય કુલમુખત્યાર તેને મળેલી સત્તા ને આધિન અન્યને આ જવાબદારી સોંપી શકે ત્યાં તે બાબતોના લખાણો કરી શકે. અહીં એ વાત સૂચક છે કે (માં જ તેના બાળકને પોષણ આપી શકે માસી નહિ) આ પ્રકારના લખાણોને કાયદેસરતાનો  બાધ નડતો હોય છે. આ પ્રકારના વહેવારોને કારણે મોટા ભાગે કાયદાકીય પ્રકરણો ઉપસ્થિત થતા હોય છે.

     મોટાભાગે કુલમુખત્યારને વેચાણ માટે સહી સંમતી કે મત્તુ કરવાની સત્તા આપવામાં આવતી હોય છે. જેના આધારે તે વેચાણ દસ્તાવજો કે તેવા પ્રકારના હસ્તાંતરણના લેખો સહી કરીને સરકારી સબ રજીસ્ટ્રાર કચેરીમાં રજુ કરી નોંધણી કરાવતા હોય છે. પણ તેના અવેજ-વેચાણ કિંમતના વહેવારોનો તેમાં ઉલ્લેખ હોય છે. તે નાણાં કોને, કોણે, કયારે આપ્યા તે ચોખવટ હોતી નથી તેના કારણે કુલમુખત્યારે વેચાણ કરેલા વહેવારોનો અવેજ તેના મૂળ માલિકને પહોંચેલો હોવો આવશ્યક હોય છે. અન્યથા આવા વહેવારોમાં મૂળ માલિક તેના એજન્ટને નાણાં વગરનો વહેવાર કરેલાનો આક્ષેપ કરી શકે છે.

     ટૂંકમાં સહી ભલે કુલમુખત્યાર કરે પણ નાણાં રોકડા કે ચેકથી તેના મૂળ માલિકને મળ્યા હોય તેવી રસીદ કે પહોંચ મેળવી લેવી આવશ્યક છે. અન્યથા કાનુની દાવપેચની તથા કાયદાકીય પ્રકરણનો સામનો કરવાની તૈયારી રાખવી.(ચેતતો નર સદા સુખી).

     ઉપર જણાવ્યા મુજબનો કુલમુખત્યારનામાનો ઉપયોગ સામાન્યત: રોજીંદા મિલકતના વહેવારોમાં થતો હોય છે. આ ઉપરાંત સ્પેશ્યિલ પાવર ઓફ એટર્ની પણ આપવામાં આવતો હોય છે. જે કુલમુખત્યારનામાંના લેખમાં જણાવ્યા મુજબના જ કૃત્યો કરવાની સત્તા આપવામાં આવતી હોય તેમજ જે તે કૃત્ય કે કાર્ય થઈ જાય એટલે તે કુલમુખત્યારનામાંના લેખનો અંત આપો આપ આવી ગયેલો ગણાય.

     કોઈ પણ કુલમુખત્યારનામાંના લેખમાં તે લેખ જેના નામનો કરી આપવામાં આવતો હોય તે વ્યક્તિએ તેનો સ્વીકાર કરી તેની સહી કરવી આવશ્યક છે. જેથી તેનો ઉપયોગ કરતી વખતે તે વ્યક્તિ તથા તેની સહી-ઓળખ યોગ્ય રીતે કરી શકાય અન્યથા કોઈ પણ વ્યક્તિ તે નામની સહી કરીને તેનો દુર ઉપયોગ કરી શકે. કુલમુખત્યારનામાંનો લેખ લખી આપ્યા પછી રદ કરતા ઘણા કાયદાકીય ગુંચવાડા ઉપસ્થિત થાય છે. આ બધામાંથી બચવા માટે આવા ઈન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ ખૂબ જ જરૂરી હોય તો અથવા ના છુટકે કરવો, જેથી નાહકની જફામાંથી છૂટકારો મેળવી શકાય કે તેનાથી દુર રહી શકાય.

Share :
Share :
source: પ્રોપર્ટી બઝ.

Leave A Reply

Share :