GST ઇફેક્ટઃ બાંધકામ કોન્ટ્રાક્ટરો દ્વારા અચોક્કસ મુદ્તની હડતાલનું એલાન

0

GST

    જીએસટી અમલી બનતા હાલના ચાલુ પ્રોજેક્ટ્સમાં ઇનપુટ ક્રેડિટને બાદ કરતા સરેરાશ 10થી 12% ભાવવધારો લાગુ પડે છે. જેમાં રાહત આપવામાં આવે.બાંધકામમાં વપરાતી ચીજવસ્તુઓના રોયલ્ટી દર ભાવવધારો પાછો ખેંચવા અને પરમિટમાં પ્રીમિયમ, ઇસી અને માઇનિંગ પ્લાન્ટની જોગવાઇ દૂર કરો.

   દેશભરમાં વિવિધ ક્ષેત્રના વેપારીઓ અને ઔદ્યોગિક એકમો દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)નો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ગુજરાતભરના બાંધકામ ક્ષેત્રના પાંચ હજારથી વધુ કોન્ટ્રાક્ટરોએ રવિવારથી અચોક્કસ મુદતની હડતાલનું એલાન કર્યું છે. GSTના લીધે ચાલુ કામોમાં થનારી અસર, રોયલ્ટી દર અને પરમિટમાં થયેલા અસહ્ય ભાવવધારા ઉપરાંત પડતર પ્રશ્નોનો સરકારે યોગ્ય નિકાલ ના કરતા ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિયેશનના નેજા હેઠળ કોન્ટ્રાક્ટરોએ હડતાલ જાહેર કરી છે.

   એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરતા એસોસિયેશનના આગેવાનોએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી સરકાર અમારા પ્રશ્નોનો નિકાલ નહીં કરે ત્યાં સુધી મેટ્રો રેલ, હાઇવે જેવા પ્રોજેક્ટ્સ ઉપરાંત વિવિધ મનપાના રોડ, બિલ્ડિંગ, બ્રિજ, પાણી-પુરવઠા અને સિંચાઇ સહિતના કામકાજો સ્થગિત રહેશે. અત્યારે રૂ. 50 હજાર કરોડના પ્રોજેક્ટ GSTના લીધે અટવાઇ પડ્યા છે.

    સમગ્ર રાજ્યના જિલ્લા કલેક્ટરોને જિલ્લા કોન્ટ્રાક્ટર્સ એસોસિયેશન દ્વારા વિવિધ મુદ્દાઓની રજૂઆત સાથે આવેદન પત્ર પણ અપાયા છે. એસોસિયેશનના પ્રમુખ અરવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ 30મી જૂને અમદાવાદ ખાતે મળેલા મહાસંમેલનમાં નક્કી થયા મુજબ 1લી જુલાઇથી સમગ્ર દેશમાં લાગુ થયેલા GSTના અમલનો ચાલુ કામોમાં વિરોધ, રોયલ્ટી દર અને પરમિટમાં થયેલા અસહ્ય ભાવ વધારો અને અન્ય પડતર પ્રશ્નોની રજૂઆત સરકારને 4થી જુલાઇએ કરી હતી.

   મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ખાણ અને ખનીજ મંત્રી રોહિતભાઇ પટેલ અને GSTના રાજ્યના કમિશનર ડો. પી.ડી. વાઘેલાને અમારું પ્રતિનિધિ મંડળ મળ્યું હતું. સરકારે અમને હૈયાધારણ અપાઇ હતી કે 15મી જુલાઇ સુધી તમામ પ્રશ્નોના  નિરાકરણ આવી જશે. જો કે તેમ ન થતાં 15મી જુલાઇની મધ્યરાત્રિથી રાજ્યમાં ચાલતા તમામ સરકારી કામકાજો બંધ કરી દેવાયા છે.

   આ હડતાલની સીધી અસરરૂપે એક લાખથી વધુ કારીગરો, શ્રમિકો બેકાર થશે અને આશરે રૂ. 50 હજાર કરોડના કામકાજ ખોરંભે ચઢશે. જેમાં બિલ્ડિંગ, રોડ, બ્રિજ, સિચાઇ, રાજ્યના તમામ પંચાયત, નગરપાલિકા અને મનપા, શહેરી વિકાસ સત્તામંડળ, GEB, પોલીસ હાઉસિંગ, રેલવેના કામો બંધ થશે. તે ઉપરાંત કેન્દ્ર સરકારના રાજ્યમાં ચાલતા PWD, નેશનલ હાઇવે અને મેટ્રો રેલના કામો પણ અટવાઇ પડશે. આ હડતાલને ગુજરાત રેલવે કોન્ટ્રાક્ટર્સ એસો. અમદાવાદ, મહારાષ્ટ્ર સ્ટેટ કોન્ટ્રાક્ટર્સ એસો. મહારાષ્ટ્ર, ઓલ રાજસ્થાન કોન્ટ્રાક્ટર્સ એસો., પંજાબ કોન્ટ્રાક્ટર્સ એસો. દ્વારા ટેકો જાહેર કરાયો છે.

Share :
Share :

About Author

Leave A Reply

Share :