GIDCના ૩૦૦૦ મીટર સુધીના પ્લોટની કિંમતમાં ૫૦ ટકા રાહત

0

   ગુજરાતમાં સુક્ષ્મ, લઘુ અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા તથા રોજગારીનું પ્રમાણ વધે તેવા હેતુથી જીઆઇડીસી દ્વારા અપાતા ૩૦૦૦ મીટર સુધીનાં પ્લોટમાં ૫૦ ટકા ઓછી કિંમતે આપવાનો મહત્ત્વનો નિર્ણય મંત્રી મંડળની બેઠકમાં લેવાયો છે. આવા ઉદ્યોગો દ્વારા વધુને વધુ રોજગારી ઉભી થાય તેમજ જે મોટા ઉદ્યોગો ચાલી રહ્યા છે. તેને અનુરૃપ આનુષાંગિક ઉદ્યોગો સ્થપાય તો રાજ્યના ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ વધારો થાય તેવી ગણતરી છે.

   નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જીઆઇડીસી સંકુલો વિવિધ સ્થળોએ ઉભા કરાયા છે. તેમજ વધુ નવી જીઆઇડીસીની સ્થાપના કરવાની કાર્યવાહી ચાલી રહી છે જેમાં જીઆઇડીસીને સરકાર જમીન આપે છે. જીઆઇડીસીની જમીનની કિંમત કરવાની હાલની જે પદ્ધતિ છે તે મુજબ વેચાણ કિંમત કરાતા કેટલીક જગ્યાએ જીઆઇડીસીને વધુ ઉંચી કિંમત ચૂકવવી પડતી હતી. જેને કારણે નાના ઉદ્યોગ સાહસિકોને રોકાણ- ખર્ચ વધી જતા હતા.

   નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, હવે જીઆઇડીસી દ્વારા અપાતી જમીનની કિંમત અને પદ્ધતિમાં ઘરખમ ફેરફાર કરાયો છે હવેથી જીઆઇડીસીને જે જમીન ફાળવાશે તે જમીનમાંથી ૩૦૦૦ મીટર સુધીના પ્લોટ વધુ નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને ફાળવાશે તેમાં ૫૦ ટકા ઓછી કિંમત લેવાશે.

   પરંતુ ૩૦૦૦ મીટરથી વધુ પ્લોટ જે ઉદ્યોગોને અપાશે તેની ૧૦૦ ટકા કિંમત ભરપાઈ કરવાની રહેશે. આમ, નાના ઉદ્યોગોને સસ્તા ભાવથી જમીન મળવાથી નાના ઉદ્યોગોને સસતા ભાવથી જમીન મળવાથી મોટા પ્રમાણમાં ઉદ્યોગો નખાશે જેને કારણે રોજગારીમાં પણ નોંધપાત્ર વધારો થશે.

Share :
Share :
source: ગુજરાત સમાચાર.

Leave A Reply

Share :