સાંગાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓફિસ સહિત 40 સ્થળોઅે ITના દરોડા

0

   આઈટી વિભાગે જાણીતા બિલ્ડર ગ્રૂપ શાલીગ્રામ અને સાંગાણી ગ્રૂપની ઓફિસો, કન્સ્ટ્રક્શન સાઈટ સહિત 40 સ્થળે દરોડા પાડ્યા છે. સાંગાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અમદાવાદ તથા વડોદરામાં વિવિધ સ્કીમો અને કન્સ્ટ્રક્શન સાઈટ તથા ઓફિસો પર મંગળવારે વહેલી સવારથી 200 જેટલા આઈટી અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સર્ચ ઓપરેશનમાં આર્થિક વ્યવહારો દર્શાવતા હિસાબી ચોપડા, ડિજિટલ ડેટા, વિવિધ પાર્ટીઓ સાથેના સોદા અને વ્યવહારોની વિગતો ધરાવતા રેકર્ડ જપ્ત કરાયા છે .

   સૂત્રોના જણાવ્યાનુસાર, અમદાવાદ, વડોદરા અને બેંગ્લોરમાં રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પ્રખ્યાત શાલીગ્રામ અને સાંગાણી ગ્રૂપ આવકવેરાની ઝપટમાં આવી ગયું છે. ચાલુ નાણાં વર્ષ પૂરું થવા આડે 25 જેટલા દિવસ બાકી રહ્યા છે ત્યારે આયકર વિભાગ સક્રિય બન્યો છે. ચાલુ વર્ષ માટે આઈ.ટી. વિભાગ, ગુજરાતને અપાયેલ ટાર્ગેટમાં રૂ. 1 હજાર કરોડના વધારા સાથે રૂ. 48,868 કરોડનો સુધારેલો લક્ષ્યાંક હાંસલ કરવા આઈટી વિભાગે સર્ચ, સરવે અને દરોડાની કાર્યવાહી માટે કવાયત હાથ ધરી છે. સાંગાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઓફિસો, કન્સ્ટ્રક્શન સાઈટ સહિત 40 સ્થળે દરોડા અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. અમદાવાદ ઉપરાંત રાજકોટના પણ ઈન્કમટેક્સ અધિકારીઓ આ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે.

   સાંગાણી ગ્રૂપ પર પાડેલા દરોડમાં બેંકિંગ તથા આર્થિક વ્યવહારો, જમીન અને મકાનના ખરીદ- વેચાણના દસ્તાવેજો, કાચી નોંધ, ડાયરી, સી.ડી., પેન ડ્રાઈવ સહિત ડિજિટલ ડેટા જપ્ત કરાયો છે. તપાસને અંતે જંગી કરચોરી પકડાય તેવી શક્યતા છે. સાંગાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રૂપ 1987થી ગુજરાતમાં કાર્યરત છે. સાંગાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અમદાવાદ ઉપરાંત વડોદરા અને બેંગ્લોરમાં રિઅલ એસ્ટેટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સમાં આ કંપની સંકળાયેલ છે.

આ સ્થળો પર આઈટીની કાર્યવાહી હાથ ધરાઈ

   સાંગાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અમદાવાદમાં નારોલમાં સંઘાણી સ્ક્વેર, સંઘાણી સમૃદ્ધિ એન્ડ રેસિડેન્સી, અસલાલી રોડ પર સાંગાણી ઉપવન બંગલો, વટવામાં સાંગાણી વ્રજભૂમિની 3 બીએચકે અને 4 બીએચકે સ્કીમ, એસ. જી. હાઈવે પર વૈષ્ણોદેવી સર્કલ પાસે શાલીગ્રામ લેક વ્યૂ, પ્રહલાદનગર નજીક સાંગાણી દેવ એલિગન્સની સ્કીમ, શો રૂમ અને ઓફિસ પર દરોડા પાડ્યા છે. વડોદરામાં ભાયાણી વિસ્તારમાં સાંગાણી સ્કાઇઝ અને આજવા રોડ પર સાંગાણી ડેવ-ડેક રેસિડેન્સી સ્કીમ પર આઈટી અધિકારીઓ ત્રાટક્યા હતા.

Share :
Share :
source: દિવ્યભાસ્કર, અમદાવાદ.

Leave A Reply

Share :