શેડ, ઓટલા, લારી-ગલ્લા સહિતનાં દબાણો ફરી થાય તો હવે પેનલ્ટી

0

shade

   મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રપ મોડલ રોડ સહિતના ટીપીરોડ પરનાં દબાણ હટાવીને જે તે રોડને ટ્રાફિકની સરળ અવરજવર માટે ખુલ્લા કરવાની ઝુંબેશ હાઇકોર્ટની તાકીદના પગલે ગત ઓગસ્ટ મહિનાના પ્રારંભમાં શરૂ કરાઇ હતી.

   તંત્રની આ દબાણ હટાવો ઝુંબેશમાં કડક પોલીસ બંદોબસ્ત હેઠળ શહેરભરમાં વ્યાપક કામગીરી કરાતાં તેને નાગરિકોએ પણ ઉમકળાભેર આવકારી હતી, પરંતુ સત્તાવાળાઓની તોડફોડ સામે ભેદભાવના આક્ષેપ ઊઠતાં ખુદ મ્યુનિ. કમિશનર દ્વારા સામાન્ય લોકો હેરાન ન થાય તેવી અધિકારીઓને તાકીદ કરાતાં બાર દિવસમાં ઝુંબેશ સ્થગિત થઇ હતી.

   હવે રોડ પરનાં દબાણ હટાવતી વખતે ફરીથી દબાણ કરાયું તેવું તંત્રના ધ્યાનમાં આવશે તો રોડ પરના કાચા-પાકા શેડ સહિતના બાંધકામ તેમજ લારી-ગલ્લાના દબાણને દૂર તો કરાશે, પરંતુ આ મામલે જે તે દબાણકાર પાસેથી પેનલ્ટી પણ વસૂલવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.

    મ્યુનિસિપલ સત્તાવાળાઓની હાઇકોર્ટની લાલ આંખના પગલે આરંભાયેલી ટીપી રોડ પરની દબાણ હટાવો ઝુબેશના પ્રથમ રાઉન્ડમાં ૬ર૦૦થી વધુ ઓટલા, પર૮૦થી વધુ કોમર્શિયલ શેડ, રપ૬થી વધુ પાકાં બાંધકામ, પ૦૦૦થી વધારે પરચૂરણ દબાણ સહિત ૧૯પ૦૦થી વધુ દબાણ દૂર કરીને ૪૮૦૦૦ ચોરસ મીટરથી વધુ જગ્યાને ખુલ્લી કરાઇ હતી.

   આ ઉપરાંત પોલીસ સત્તાવાળાઓ દ્વારા મ્યુનિસિપલતંત્રને ગેરકાયદે દબાણ હટાવતી વખતે સલામતી માટે અનેક વાર બંદોબસ્ત ફાળવી ન શકાતો હોઇ રાજ્ય સરકારે બે એસઆરપીની ટુકડી પણ ફાળવી છે.

   મ્યુનિસિપલ સત્તાવળાઓની દોઢ વર્ષ જૂની એસઆરપીની માગણીનો રાજ્ય સરકારે શહેરભરમાં ચાલેલી દબાણ હટાવો ઝુંબેશને વધુ અસરકારક બનાવવા સ્વીકાર કર્યો હતો, જે દરમ્યાન શાસકોએ કોઇની પણ શેહશરમ રાખ્યા વગર સમગ્ર ઝુંબેશ યથાવત્ રહેશે તેવી જાહેરાત કરતાં દબાણકારોમાં રીતસરનો ફફડાટ ફેલાઇ ગયો હતો. સરખેજ-જુહાપુરામાં પણ તંત્રે સપાટો બોલાવ્યો હતો.

   જોકે ઝુંબેશના બાર જ દિવસમાં તંત્ર સામે ભેદભાવના આક્ષેપ ઊઠતાં મામલો ગરમાયો હતો. ખુદ કમિશનર વિજય નેહરાને નાના લોકોને હેરાન કરવાનું બંધ કરવાની તમામ ડેપ્યુટી કમિશનરને કડક તાકીદ કરવી પડી હતી.

   દબાણ હટાવો ઝુંબેશ વખતે અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારનો ઓફિસનો વધારાનો શેડ, મ્યુનિસિપલ કોંગ્રેસના નેતા દિનેશ શર્માના કોમ્પ્લેક્સનો કેટલોક ભાગ તોડી પાડનાર તંત્ર સામે જજીસ બંગલા રોડ પર પૂર્વ કોર્પોરેટર દશરથ પટેલના ગેરકાયદે બાંધકામ સહિતના બાંધકામ સામે આંખ આડા કાન કરવા કે પછી ‘રોકડી’ કરવાને લગતી હપ્તા ખાઉ સિસ્ટમ ઝુંબેશમાં પણ યથાવત્ રહેવા પામવી જેવા વિવાદો ઊઠ્યા હતા.

   બીજી તરફ હાઇકોર્ટની ફટકાર બાદ તંત્રની રોડ પરના દબાણને હટાવવાની કામગીરીને અચાનક બ્રેક લાગતાં દબાણકારોને ભાવતંુ જડી ગયું હતું. અસારવાના ધારાસભ્યની ઓફિસનો તોડાયેલો શેડ ફરીથી ઊભો કરી દેવાયો હતો. રસ્તા પર ઠેર ઠેર દબાણો પૂર્વવત્ થઇ ગયાં હતાં, જેના કારણે રોડ પરના દબાણોના કારણે ટ્રાફિક જામની સમસ્યા પુનઃ સર્જાતાં નાગરિકો પાછા પરેશાન થવા લાગ્યા.

   પરિણામે તંત્ર દ્વારા ગત તા.પ ઓક્ટોબરથી દબાણ હટાવો ઝુંબેશનો બીજો રાઉન્ડ શરૂ કરાયો છે. બીજા અર્થમાં દોઢ મહિનાના વિરામ બાદ તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગ્યું છે. મ્યુનિસિપલ સત્તાવાળાઓની બીજા રાઉન્ડની ઝુંબેશ શહેરભરમાં હાથ ધરાઇ હોઇ કાચાં-પાકાં બાંધકામ, લારી-ગલ્લાનાં દબાણને પુનઃ જોશભેર દૂર કરાઇ રહ્યાં છે.

   પહેલા દિવસે પ૦૦ દબાણ હટાવાતાં દબાણકારો દોડતા થઇ ગયા હતા, જ્યારે ગત તા.૬ ઓક્ટોબરના બીજા દિવસે ર૬ લારી-ગલ્લા, ૩૦ ખુરશી, પ કાઉન્ટર, ૬૯૧ ઓટલા, ૧૬૧ કોમર્શિયલ શેડ, ૪૮ પાકાં બાંધકામ, રર૪ ક્રોસ વોલ સહિત ૧૪૦૦ દબાણને દૂર કરીને ર૪ર૧ ચોરસ મીટર જગ્યાને ખુલ્લી કરાઇ હતી. ગઇ કાલે રવિવાર રજા હતી, પરંતુ આજથી દબાણ હટાવો ઝુંબેશ યથાવત્ રહેશે.

   જોકે શહેરમાં એક વખત દબાણ હટાવો ઝુંબેશ જો કોઇ કારણસર સ્થગિત થઇ જાય તો પછી પાછાં દબાણોના રાફડેરાફડા ફાટી નીકળે છે. તંત્રની તાજેતર ની બીજા રાઉન્ડની ઝુંબેશ આ પૂર્વવત્ થયેલા દબાણો સામેની કાર્યવાહીનો જ એક ભાગરૂપ હોઇ અાનાથી નાગરિકોમાં પણ સ્વાભાવિકપણે નારાજગી ફેલાઇ છે.

   ખાસ કરીને એસ્ટેટ ખાતાની હપ્તા ખાઉ રીતરસમથી ટીપી રસ્તા તો છોડો, પરંતુ અંતરિયાળ રોડ પર ખાણી-પીણીની લારી, કાપડ બજાર, ચંપલ બજાર તેમજ શાકમાર્કેટ ધમધમે છે. આ બાબતે મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટને પૂછતાં તેઓ કહે છે, રોડ પર એક વખત દબાણ દૂર કરાયા બાદ પૂર્વવત્ થતાં દબાણનો મામલો ગંભીર છે.

   આમાં અત્યાર સુધી કસૂરવાર દબાણકર્તાના દબાણને ફરીથી તોડી નાખવા સિવાય કોઇ દંડાત્મક કાર્યવાહી થતી ન હતી, જોકે હવે તેમ નહીં થાય કેમ કે કમિશનર વિજય નેહરા સાથે આ સમસ્યાના કાયમી નિરાકરણ હેતુ મેં બેઠક યોજી હતી, જેમાં ફરીથી દબાણ થશે તો જે તે દબાણકાર સામે તંત્ર પેનલ્ટી પણ ફટકારશે. પેનલ્ટીની રકમ અંગે ચર્ચા’ વિચારણા ચાલે છે.

Share :
Share :
source: સમભાવ ન્યુઝ.

Leave A Reply

Share :