રાજ્યમાં પેન્ડિંગ ૪૨૫ ટીપી સ્કીમ ઝડપથી બનાવવા તાકીદ

0

   મુખ્યમંત્રી વિજય રૂપાણી જેઓ પોતે શહેરી વિકાસ વિભાગ સંભાળે છે, તેમણે ટાઉન પ્લાનિંગની કામગીરી સંદર્ભે ઉચ્ચકક્ષાની બેઠક યોજી એવો નિર્ણય લીધો હતો કે, રાજ્યમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર્સ પાસેથી જે પડતર ૪૨૫ જેટલી ટી.પી. સ્કીમ છે, તેના ઝડપી નિકાલ માટે ઝુંબેશ ચલાવવામાં આવશે. એમણે ટીપી બનાવવાની પ્રક્રિયા પારદર્શી અને ભ્રષ્ટાચાર રહિત કરવા તાકીદ કરી હતી.

   અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરોની પડતર ટીપી સ્કીમના ઝડપી નિકાલ માટે સિનિયર ટાઉન પ્લાનર કક્ષાના અધિકારી નિયુક્ત કરવાનો પણ બેઠકમાં નિર્ણય લેવાયો હતો. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ટીપી સ્કીમમાં લાંબા સમય સુધી રજૂઆતોને કારણે જે વિલંબ થાય છે, તે નિવારવા માટે ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ હવેથી એક જ માસમાં આવેલા વાંધા-સૂચનો ધ્યાને લેવાશે.

   નગર નિયોજન- આયોજનની કામગીરીને વધુ પારદર્શી અને ઝડપી બનાવવા સૂચના આપતાં મુખ્યમંત્રીએ એવી પણ તાકીદ કરી હતી કે, વિવિધ તબક્કે બેવડાતી કામગીરી રોકવામાં આવે.  બેઠકમાં એવો પણ નિર્ણય લેવાયો હતો કે, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને મહેસાણા ખાતેની પ્રાદેશિક કચેરીઓના કર્મચારી મહેકમની બદલીઓ કરી રાજ્ય કક્ષાએ તેમની સેવાઓ ઉપયોગમાં લેવાશે.  મુખ્યમંત્રીએ મહાનગરપાલિકાઓ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઓ તથા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીઓને ટીપી પરામર્શ માટે સમયમર્યાદા નક્કી કરી વિલંબ નિવારવા પણ સૂચના આપી હતી.

Share :
Share :
source: સંદેશ.

Leave A Reply

Share :