રાજ્યમાં કુલ ૪.૭૨ કરોડ ચોરસ મીટર ગૌચરની જમીન પર દબાણ

0

   ગુજરાતના ૩૧ જિલ્લાઓમાં ગૌચરની ૪.૭૨ કરોડ ચોરસ મીટર જમીનમાં દબાણો થયા છે. એકલા રાજકોટ જિલ્લામાં જ ૧ કરોડ ૭૫ લાખ ચોરસ મીટર ગૌચર જમીનમાં ગેરકાયદે દબાણ થયેલાં છે. ગીર અભ્યારણ્યની વાત કરીએ તો ૫૭.૫૩૫૮ હેક્ટર વિસ્તારમાં દબાણ થયેલા છે, ત્રણ દાયકા પછીયે ગીરમાંથી દબાણો દૂર થઈ શક્યા નથી. રાજ્યમાં એકંદરે મોટા ભાગની જમીન પર હજુ સુધી દબાણો દૂર થઈ શક્યા નથી. ગુજરાત વિધાનસભા ગૃહમાં વિરોધ પક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા સવાલના જવાબમાં આ માહિતી બહાર આવી છે.

   કોંગ્રેસે ગૌચર જમીન અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું છે કે, ભાજપે ચૂંટણીમાં ગાયના નામે મતો મેળવ્યા હતા પરંતુ ભાજપ સરકારના રાજમાં પશુઓના ચરિયાણા માટે ગૌચરની જમીનમાં જ મોટા પાયે ગેરકાયદે દબાણો થયા છે, સરકાર ગૌચરની રક્ષા કરી શકી નથી.

અમદાવાદ-ગાંધીનગરમાં ૨૨.૮૯ લાખ ચો.મી. ગૌચરમાં દબાણ

   અમદાવાદ જિલ્લામાં ગૌચરની ૧૩,૩૫,૯૭૨ ચોરસ મીટર ગૌચર જમીનો પર ગેરકાયદે દબાણ થયેલું છે. જ્યારે ગાંધીનગર જિલ્લામાં ૯,૫૩,૧૫૦ ચો.મી. જમીન પર દબાણ હેઠળ છે. કચ્છમાં ૧૭.૧૯ લાખ, આણંદ ૧૧.૦૯ લાખ, જૂનાગઢ ૧૨.૯૬ લાખ, પોરબંદર ૧૩.૨૪ લાખ, બનાસકાંઠા ૧૧.૨૯ લાખ અને બોટાદ જિલ્લામાં ૧૨.૧૧ લાખ ચોરસ મીટર જમીન પર દબાણ થયા છે.

   અભ્યારણ્ય અંગે સરકારનું કહેવું છે કે, અહીં ૫૭.૫૩૫૮ હેક્ટર પૈકી ખેતીના ૫૬.૧૭૫૭ હેક્ટર અને ર્ધાિમક જગ્યાના ૧.૩૬૦૧ હેક્ટર વિસ્તારમાં દબાણો થયા છે. રાજ્યના ૩૧ જિલ્લાની વાત કરીએ તો દબાણ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું સરકારનું કહેવું છે. કેટલાક કિસ્સાઓમાં કોર્ટમાં દાવા ચાલી રહ્યા છે. દબાણો દૂર કરવા માટે સમયાંતરે બેઠકો યોજવામાં આવે છે. ગૌચર દબાણો દૂર કરવાની જવાબદારી ગ્રામ પંચાયતના શિરે છે.

ટોચના પાંચ જિલ્લા

જિલ્લો              દબાણ (ચો.મી.)

રાજકોટ              ૧.૭૫ કરોડ

ભાવનગર         ૪૯.૯૬ લાખ

મહેસાણા         ૪૩.૬૦ લાખ

ગીરસોમનાથ    ૪૧.૯૪ લાખ

પાટણ             ૨૬.૮૧ લાખ

Share :
Share :
source: દિવ્યભાસ્કર.

Leave A Reply

Share :