જીઆઈડીસી ૩,૦૦૦ મીટર સુધીના જમીનના પ્લોટ ૫૦ ટકા કિંમતે આપશે

0

   રાજ્ય સરકારે સૂક્ષ્મ, લઘુ અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે જીઆઈડીસી દ્વારા ૩,૦૦૦ ચોરસ મીટર સુધીના જમીનના પ્લોટ ૫૦ ટકા કિંમતે આપવાનો ફેંસલો લીધો છે. જોકે, તેમાં શરત એવી નક્કી કરાઈ છે કે, સરકાર દ્વારા જીઆઈડીસીને જે પ્લોટ અપાય તેના ૭૦ ટકા પ્લોટ સૂક્ષ્મ, લઘુ, નાના પ્રકારના ઉદ્યોગોને જ ફાળવવામાં આવશે.

   નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણયને લીલીઝંડી આપવામાં આવી છે. રાજ્યમાં સૂક્ષ્મ, નાના અને લઘુ પ્રકારના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે, તેના દ્વારા રોજગારીનું સર્જન થાય, જે મોટા ઉદ્યોગો સ્થપાય છે તેમને આનુષાંગિક (એન્સીલરી) ઉદ્યોગો પણ આવા નાના પ્લોટ્સમાં સ્થપાય, તેમને તે માટેની સરળતા મળી રહે તેવો ધ્યેય છે.

   નીતિનભાઈએ કહ્યું હતું કે, રાજ્યમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (જીઆઈડીસી) દ્વારા વિવિધ સ્થળોએ જીઆઈડીસી સંકુલો ઊભો કરવામાં આવ્યા છે. હજુ વધુ નવી ૨૫ જીઆઈડીસી ઊભી કરવાનું આયોજન છે. આવા સંકુલ ઊભા કરવા માટે રાજ્ય સરકાર દ્વારા જીઆઈડીસીને વેચાણથી જમીન આપવામાં આવે છે.

   જીઆઈડીસીને આવી જમીન આપવા માટે, તેની કિંમત નક્કી કરવાની ચોક્કસ પદ્ધતિ અમલમાં છે. તે પદ્ધતિ મુજબ હાલમાં જીઆઈડીસીને કેટલીક જગ્યાએ જમીનની ઊંચી કિંમત ચૂકવવી પડે છે. તેના કારણે આવી જીઆઈડીસીમાં જે એકમો કે ઉદ્યોગો સ્થપાય તેને પણ જમીન-પ્લોટની ઊંચી કિંમત ચૂકવવી પડે છે. પરિણામ સ્વરૂપ, નાના ઉદ્યોગ સાહસિકોને તેમના કારખાના કે ફેક્ટરીઓ સ્થાપવા માટેનું ખર્ચ કે મૂડીરોકાણ વધી જાય છે.

    આ બાબતે સરકાર સમક્ષ અનકે રજૂઆતો થઈ હતી. જેના અનુસંધાને રાજ્ય સરકારે, જીઆઈડીસીને વેચાણથી અપાતી જમીન તથા તેની કિંમત નક્કી કરવાની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. હવેથી, રાજ્ય સરકાર દ્વારા જીઆઈડીસીને જે જમીન ફાળવવામાં આવશે અને તે જમીન જો, નાના, લઘુ, સૂક્ષ્મ પ્રકારના ઉદ્યોગોને તેમના એકમોની સ્થાપના માટે ૩,૦૦૦ મીટર સુધીની મર્યાદામાં ફાળવવામાં આવશે તો, તેવી જમીન તેની કિંમત કરતાં ૫૦ ટકા ઓછી કિંમતે આપવામાં આવશે એટલે કે આવા પ્રકારના ઉદ્યોગ સાહસિકોને રાજ્ય સરકાર જમીન-પ્લોટની ખરીદીમાં ૫૦ ટકા રાહત આપશે. .

   તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે જો, જીઆઈડીસી વિસ્તારમાં ૩,૦૦૦ મીટરથી વધુ એટલે કે મોટા પ્લોટ ફાળવવામાં આવશે તો સરકાર દ્વારા ૫૦ ટકાની રાહત અપાશે નહીં. એટલે આવા મોટા પ્લોટ તેની મૂળ કિંમતે જ અપાશે, તેમાં ૧૦૦ ટકા રકમ વસૂલવામાં આવશે.

- જીઆઈડીસીને સરકાર, નાના, લઘુ, સૂક્ષ્મ ઉદ્યોગો માટે જમીન કિંમતમાં ૫૦ ટકાની રાહત આપશે.

 

- જીઆઈડીસીને આવી જમીનમાં ૭૦ ટકા પ્લોટ, નાના, લઘુ, સૂક્ષ્મ ઉદ્યોગોને ફાળવવા પડશે.

 

- જીઆઈડીસી પાસેથી ૩,૦૦૦ મીટર સુધીની મર્યાદામાં પ્લોટ ખરીદાય તો જ યોજનાનો લાભ મળશે.

 

- જીઆઈડીસી પાસથી ૩,૦૦૦ મીટરથી મોટા પ્લોટ ખરીદાશે તો ૧૦૦ ટકા કિંમત વસૂલાશે.

Share :
Share :
source: નવગુજરાત સમય.

Leave A Reply

Share :