છ માસમાં 425 ટીપી સ્કીમ પૂર્ણ કરી દેવા CMની તાકીદ

0

townplan

   દેશમાં ગુજરાત એક સમૃદ્ધ અને સૌથી વધુ શહેરીકરણ પામતુ રાજ્ય છે. અહીંની ૪૩ ટકા વસતિ શહેરોમાં વસે છે ત્યારે શહેરી વિસ્તારોનો આયોજનબદ્ધ રીતે વિકાસ થાય તે અત્યંત આવશ્યક હોવાથી ખુદ મુખ્યમંત્રીએ આ વિભાગ પોતાના હસ્તક રાખ્યો છે. જેના અનુસંધાને મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ટાઉન પ્લાનિંગ સ્કીમો અંગે એક મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રીએ ટીપી સ્કીમો અંગે માત્ર એક મહિના સુધી રજૂઆતો સાંભળીને અટવાયેલી ટીપી સ્કીમો ઝડપભેર આખરી કરવાનું અલ્ટીમેટમ આપી દીધું છે. તેમણે રાજ્યની પ્રગતિ હેઠળની ૪૨૫ ટાઉન પ્લાનિંગ સ્કીમોને ઝૂંબેશ સ્વરુપે લઈને માત્ર છ માસમાં પૂર્ણ કરવાનો પણ આદેશ આપ્યો છે. એવી જ રીતે તેમણે મહાનગરોમાં સિનિયર ટાઉન પ્લાનર કક્ષના અધિકારીઓ નીમવા, ૭૦ જુનિયર ટાઉન પ્લાનર નિમણૂકની પ્રક્રિયા પૂરી કરવા તથા પ્રાદેશિક કચેરીઓના મહેકમને રાજ્ય કક્ષાએ તબદીલ કરવા જેવા મહત્ત્વપૂર્ણ નિર્ણયો જાહેર કરી દીધા છે.

   આગામી માર્ચ-એપ્રિલ-૨૦૧૯માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કોઇપણ શહેરી વિસ્તારમાંથી ટાઉન પ્લાનિંગ અંગે કોઈ ફરિયાદ બાકી ન રહે તે માટે મુખ્યમંત્રીએ જાતે જ આ વિભાગની ટીપી સ્કીમો તથા તેના અધિકારીઓ, તેમને પડતી સમસ્યાઓ તથા તેના ઉકેલના બાબતોની સીધેસીધી હાથ પર લીધી છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મંગળવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં જેમણે ઉપસ્થિત અધિકારીઓની રજૂઆતો સાંભળ્યા બાદ સ્પષ્ટપણે કહી દીધું હતું કે, શહેરી વિકાસ વિભાગ હસ્તક અત્યારે ૪૨૫ ટીપી સ્કીમો પ્રગતિ હેઠળ છે. જેને તાકીદના ધોરણે માત્ર છ માસમાં જ પૂરી કરો.

   દરમ્યાનમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા મહાનગરોમાં ટાઉન પ્લાનરોની અછત કે ઘટની બાબતને ઉકેલવા તેમણે આવા મહાનગરોમાં ત્વરિત નિર્ણાયકતા આવે તે માટે સિનિયર ટાઉન પ્લાનર કક્ષાના સિનિયર અધિકારીઓને નિમવાનો આદેશ આપ્યો છે.

   કેટલાક શહેરોમાં ટીપી સ્કીમો અટકાવાઈ હોવાના કારણોમાં તેના વાંધાની સુનાવણી બાબત સામે આવતાં તેમણે કહ્યું હતું કે, ટાઉન પ્લાનિંગની કાયદાની જોગવાઈ મુજબ કોઈપણ ટીપી સ્કીમ માટે માત્ર એક માસ સુધી જ રજૂઆતો સાંભળી શકાશે. તે મુજબઆ સમયાવધિમાં વાંધા-સૂચનો મેળવીને કે રજૂઆતો સાંભળીને ટીપી સ્કીમોને આખરી કરી દેવાશે.

   અમદાવાદ, વડોદરા, રાજકોટ, મહેસાણા ખાતેની પ્રાદેશિક કચેરીઓના કર્મચારીઓ (મહેકમ)ને તબદીલ કરીને રાજ્યકક્ષાએ તેમની સેવાઓ ઉપયોગમાં લેવાશે એમ પણ તેમણે જાહેર કર્યું હતું. તેઓ રાજ્યમાં ટાઉન પ્લાનિંગ વિભાગને વધુમાં વધુ મેનપાવર આપીને સજ્જ કરવા માંગે છે અને એટલે તેમણે ૭૦ જુનિયર ટાઉન પ્લાનરની નિમણૂકની પ્રક્રિયાને ઝડપભેર પૂરી કરવા તેમજ સીધી ભરતીથી ૨૦ જુનિયર ટાઉન પ્લાનરને તાત્કાલિક નીમી દેવાની પણ સૂચના આપી હતી

મુખ્યમંત્રીના મુખ્ય આદેશો ક્યા ?

-  ટીપી અંગે એક માસ સુધી જ વાંધા-સૂચનો સાંભળીને ટીપીને આખરી કરો.

-  પ્રગતિ હેઠળની ૪૨૫ ટીપી સ્કીમોને આગામી છ મહિનામાં પૂર્ણ કરવા ઝૂંબેશ ચલાવો.

- અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા મહાનગરોમાં સિનિયર ટાઉન પ્લાનર કક્ષાના સિનિયરો અધિકારીઓ નીમો.

- અમદાવાદ, વડોદરા, રાજકોટ, મહેસાણાની પ્રદેશિક કચેરીઓના મહેકમને તબદીલ કરીને રાજ્ય કક્ષાએ સેવાઓ લો.

- ૭૦ જુનિયર ટાઉન પ્લાનરની નિમણૂકની પ્રક્રિયા ઝડપભેર પૂરી કરો.

- ૨૦ જુનિયર ટાઉન પ્લાનરોની તાત્કાલિક સીધી ભરતીથી નિમણૂક કરો.

- મહાનગરો, અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી, એરિયા ડેવલપમેમન્ટ ઓથોરિટી, ટીપીના પરામર્શ માટે સમય મર્યાદા નક્કી કરે.

Share :
Share :
source: ઇકોનોમિક ટાઈમ્સ.

Leave A Reply

Share :