એક્સપ્રેસ વે તથા બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન સામે તલાસરીમાં ખેડૂતોનો મોરચો

0

વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવે તથા બુલેટ ટ્રેન શરૂ કરવા માટે ખેડૂતોની હજારો હેકટર ફળદ્રુપ જમીનોનું સંપાદન કરવા સરકારે હાથ ધરેલી કવાયતના વિરોધમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોએ સંયુક્ત રીતે લડત હાથ ધરી છે. જે અંતર્ગત બુધવારે ઓગષ્ટ ક્રાંતિ દિને ખેડૂતોના ૧૧ જેટલા સંગઠનો દ્વારા મહારાષ્ટ્રના તલાસરી ગામે યોજાયેલા મહાસંમેલનમાં બંને રાજ્યોમાંથી ૪૦ હજારથી વધુ ખેડૂતો ઊમટી પડયા હતા. જ્યારે દ.ગુજરાતમાંથી ૧૨ હજારથી વધુ ખેડૂતોએ સંમેલનમાં ભાગ લીધો હતો.

 

તલાસરી ખાતે એસ.ટી. ડેપો પાસેના મેદાનમાં બુધવારે બપોરે યોજાયેલા મહાસંમેલનમાં મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાંથી ૪૦,૦૦૦થી વધુ ખેડૂતો ઊમટી પડયા હતા અને સૂચિત વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવે, બુલેટ ટ્રેન, ઉપરાંત નારગોલ બંદરનો પ્રચંડ વિરોધ કરીને સરકાર સામે બાંયો ચઢાવી છે.

 

ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે, દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર (ડીએમઆઇસી) માટે ગુજરાત સરકારે વર્ષ ૨૦૦૯માં એલ.આઇ.આર. એક્ટ બનાવ્યો હતો. જેના ભાગરૃપે જ વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવે તથા બુલેટ ટ્રેન બની રહી છે. ૨૬૬ કિ.મી. લાંબા વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવેમાં વડોદરા, ભરૃચ,સુરત, નવસારી અને વલસાડ, દાદરા નગરહવેલીના મળી કુલ ૧૬૩ ગામોની ૩૨૨૯.૮૭ હેકટર જમીન સંપાદિત થવાની છે. જે પૈકીની ૯૦ ટકા જમીન ખેતીની સિંચાઇવાળી ફળદ્રુપ, બાગાયતી ઉપજાઉ જમીન છે.

 

આ ઉપરાંત બુલેટ ટ્રેનનો ગુજરાતમાં રૃટ ૩૫૦ કિ.મી. લાંબો છે. જેનાથી ૩૫૦૦ હેકટર ખેતીની, ફળદ્રુપ બાગાયતી જમીનનો નાશ થશે. દ.ગુજરાતની સાંકડી પટ્ટીમાંથી હાલ ઇસ્ટર્ન એક્સપ્રેસ વે, ને.હા. અને અમદાવાદ-મુંબઇ રેલવે લાઇન ચાલુ છે ત્યારે નવા એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેનના નામે જમીનોનું સંપાદન શા માટે ? ડી.એમ.આઇ.સી.ના ભાગરૃપે જ મહારાષ્ટ્રમાં વાધવાણ અને ગુજરાતમાં નારગોલ બંદર વિકસાવવાનું આયોજન કરાઇ રહ્યુ છે. નારગોલ બંદરનું આધુનિકીકરણ કરી આ વિસ્તારમાંથી સેંકડો હેકટર ખેતીની જમીન જશે. સાથે-સાથે હજારો માછીમારોની આજીવિકા છીનવાઇ જશે.

Share :
Share :
source: સંદેશ

Leave A Reply

Share :