અમદાવાદ અને વડોદરા કરતા રાજકોટમાં કાર્પેટની ઓછી આકારણી

0

17_1520545979

   રાજ્યના ચાર મહાનગરોમાં કાર્પેટ એરિયા મુજબ મિલકત વેરાની આકારણીમાં રાજકોટમાં અમલ સૌથી છેલ્લે થવાનો છે. અમદાવાદ, વડોદરા અને સુરતની સરખામણી કરીએ એકમાત્ર સુરત શહેરમાં રહેણાકના દરને બાદ કરતા તમામમાં રાજકોટની આકારણી સૌથી ઓછી છે. કાર્પેટ એરિયા મુજબ સૌથી પહેલો અમલ અમદાવાદ મહાનગરપાલિકાએ 2001માં કર્યો હતો. ત્યારબાદ વડોદરામાં 2003થી અને સુરતમાં 2008થી કાર્પેટ એરિયા મુજબ મિલકત વેરાની આકારણી કરી વેરો વસૂલ કરવામાં આવે છે. રાજકોટમાં એપ્રિલ-2018થી નવી આકારણી મુજબ વેરો વસૂલવામાં આવશે.

4,57,000 મિલકતધારકોમાંથી 85 ટકા લોકોને થશે ફાયદો

   શહેરમાં ચાર દાયકા જૂની વેરા પધ્ધતિમાં ધરમૂળથી ફેરફાર કરી કાર્પેટ એરિયા મુજબ વેરાની વસૂલાત કરવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરીની મહોર મારતા હવે જનરલ બોર્ડમાં મંજૂરી આપ્યા બાદ સરકારમાં મોકલવામાં આવશે. કાર્પેટ એરિયા મુજબ વેરાની વસૂલાતથી શહેરની 85 ટકા મિલકતોના વેરામાં ઘટાડો થવાનો અંદાજ છે. આમ છતાં રાજકોટ મહાનગરપાલિકાની આવકમાં ઘટાડો થશે નહીં. કાર્પેટ એરિયા મુજબ વેરાની વસૂલાત માટે મિલકતનું લોકેશન (જંત્રી દર), મિલકતની ઉંમર, બાંધકામનો પ્રકાર અને વપરાશના પ્રકારના ભારાંક નક્કી કરવામાં આવ્યા છે. જેના આધારે લોકો પોતાની જાતે વેરાની ગણતરી કરી શકશે.

   સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, લાંબી કસરત બાદ કાર્પેટ એરિયા મુજબ વેરાની વસૂલાત માટે ભારાંક નક્કી કરવામાં આવ્યા છે. શહેરના તમામ વર્ગના લોકોને ધ્યાનમાં રાખી ભારાંક નક્કી કરવામાં આવ્યા છે. શહેરની 2011માં જાહેર થયેલી જંત્રીના આધારે શહેરને ચાર કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યું છે. સૌથી ઊંચી જંત્રીને પોશ વિસ્તાર જેનો ભારાંક કમિશનરે 2.75 સૂચવ્યો હતો તેમાં વધારો કરી 3.25 કર્યો છે. સારા વિસ્તાર માટે 2.5 સૂચવ્યો હતો તે યથાવત રાખ્યો છે. મધ્યમ વિસ્તાર માટે 2 સૂચવ્યો હતો તેમાં ઘટાડો કરી 1.75 અને પછાત વિસ્તારનો ભારાંક 1.25 સૂચવ્યો હતો તે યથાવત રાખવામાં આવ્યો છે.

   મિલકતની ઉંમરનું પરિબળ ધ્યાને લઇ ભારાંક નક્કી કરવામાં આવ્યું છે. તેમાં 10 વર્ષ સુધીની મિલકતો માટે કમિશનરે 1 ભારાંક સૂચવ્યો હતો તેમાં વધારો કરી 1.20 કર્યો છે. જેના કારણે 10 વર્ષથી ઓછી ઉંમરની મિલકતોના વેરામાં ખાસ ઘટાડો નહીં થાય. 10થી 20 વર્ષ સુધીની જૂની મિલકતો માટે 0.80 ભારાંક યથાવત રાખ્યો છે. 20થી 30 વર્ષની મિલકતમાં ભારાંક 0.6 થી ઘટાડી 0.5 તથા 30 વર્ષથી વધુ જૂની તમામ મિલકતો પરનો ભારાંક 0.60થી ઘટાડી 0.25 મુજબ રાખવાનો નિર્ણય લેતા જૂની મિલકત ધારકોના વેરામાં મોટો ઘટાડો થશે.

   આરસીસી બાંધકામ માટે ભારાંક 1 સૂચવ્યો હતો તેમાં વધારો કરી 1.50 કર્યો છે, જ્યારે કાચા મકાનો માટે 0.50 ભારાંક સૂચવ્યો છે જે 1 કરવામાં આવ્યો છે. તેમાં શાસકોએ અનેક ફેરફાર કર્યા છે. શાસકોએ ખાનગી મેરેજ હોલ, હોસ્પિટલ કોમ્યુનિટી હોલ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્ટેલ, સિનેમા હોલ, મોલના માલિકોને લાભ થાય તે પ્રકારે ભારાંકમાં ઘટાડો કર્યો છે, જ્યારે ચેરિટેબલ ટ્રસ્ટ, પાર્ટી પ્લોટ, મોબાઇલ ટાવરના ભારાંકમાં વધારો કરતા તેમનો વેરામાં વધારો થશે.

આ ત્રણ કિસ્સાથી સમજો કોને કેટલો ફાયદો

1. 4, વિષ્ણુવિહાર સોસાયટી રૂડાનગર-2ની બાજુમાં શ્રી આશાપુરા કૃપા મકાન ધારક જાડેજા જોગેન્દ્રસિંહનું 107.25 ચોરસ મીટરના મકાનમાં અત્યાર સુધી 7994 રૂપિયા વેરો આવતો હતો. આ મિલકત 10 વર્ષ જૂની છે. કાર્પેટ એરિયા મુજબ વેરાની વસૂલાતમાં આ મિલકતધારકને 9 ટકા (રૂ.682) વેરામાં રાહત થશે અને રૂ.7312 વેરો ભરવો પડશે.

2. નાનામવા મેઇન રોડ, જયપાર્ક પાસે વિવિધ કર્મચારી સોસાયટીમાં રહેતા એલ.પી. પટેલનું મકાન 57.04 ચોરસ ફૂટનું બાંધકામ ધરાવે છે. આ મિલકતમાં અત્યાર સુધી રૂ.5051 વેરા આવતો હતો. આ મિલકત છ વર્ષ જૂની હોવાથી નવી પધ્ધતિ મુજબ 14 ટકા વેરામાં ઘટાડો (રૂ.740) થઇ 4311 રૂપિયા ભરવો પડશે.

3. યાજ્ઞિક રોડ પર ટોપાઝ આર્કેડમાં ચોથા માળે આવેલી ઓફિસ નં.304 પારસ જોષીને અત્યાર સુધી દર વર્ષે 4142 રૂપિયા વેરો આવતો હતો. આ મિલકત 17 વર્ષ જૂની હોવાથી વેરામાં 24 ટકા (રૂ.1034)નો ઘટાડો થઇ 3108 રૂપિયા વેરો ભરવો પડશે.

ભારાંક એટલે શું :

    કાર્પેટ એરિયા મુજબ વેરાની વસૂલાતમાં ભારાંક મહત્ત્વની બાબત છે. મિલકતના ચોરસ મીટરનો ગુણાકાર ભારાંકથી કરવામાં આવે એટલે કાર્પેટ એરિયાનો વેરો કેટલો તે નક્કી થશે. દરેક પરિબળોના ભારાંક અલગ અલગ રાખવામાં આવ્યા છે. જેમાં સ્થળ પરિબળ, કેટલા વર્ષ જૂની મિલકત છે, મકાનનું પરિબળ (કાચું કે પાકું), વપરાશનો હેતુ (માલિક કે ભાડૂઆત)ના ભારાંક અલગ અલગ રાખવામાં આવ્યા છે. આ ભારાંકનો ગુણાકાર મિલકતના ચોરસ મીટર સાથે કરવાથી કાર્પેટ એરિયા મુજબ કેટલો વેરો થશે તે રકમ આવશે.

A-172583086-large

Share :
Share :
source: દિવ્યભાસ્કર.

Leave A Reply

Share :