અમદાવાદઃ હવે સાત માળની ઇમારતમાં પણ ફાયર લિફ્ટ ફરજિયાત, બે મીટર પહોળી સીડી

0

Vardan-tower-naranpura

   રાજ્ય સરકારે અમલી બનાવેલા કોમન જીડીસીઆરમાં ફાયર સેફ્ટીની કડક જોગવાઇ અમલી બનાવી છે. પહેલાં જુના જીડીસીઆરમાં ૪૦ મીટરથી ઊંચાઇની હાઇરાઇઝ ઇમારતોમાં જ ફાયર લિફ્ટની જોગવાઇ હતી પણ હવે નવા કોમન જીડીસીઆરમાં ફાયર લિફ્ટ ૨૫ મીટરની ઊંચાઇની ઇમારતોમાં પણ કરી દેવાઇ છે. નવા જીડીસીઆરની જોગવાઇ મુજબ, ૨૫ મીટરની ઊંચાઇ હોય તેવી એટલે કે, અંદાજે સાતથી આઠ માળની ઇમારતમાં પણ ૨૦થી વધારે યુનિટ હોય તો ફાયર લીફ્ટ ફરજિયાત કરી દેવાઇ છે.

   શહેરમાં રહેણાંક અને વાણિજ્ય ઇમારતોમાં આગની ઘટનાઓ વધી છે. રાજ્ય સરકારે ડિસેમ્બર ૨૦૧૪માં અમદાવાદમાં જીડીસીઆર અમલી બનાવ્યો હતો જેમાં જુદી-જુદી કેટેગરીમાં ઇમારતો વહેંચીને તેના પ્રમાણે ફાયર સેફ્ટીના સાધનો લગાડવાની જોગવાઇ કરાઇ હતી જ્યારે દરેક હાઇરાઇઝ ઇમારતોમાં દર વર્ષે ફાયર એનઓસી મેળવવાની જોગવાઇ કરી દેવાઇ હતી સાથે ફાયર સેફ્ટી સિસ્ટમની દર વર્ષે ચકાસણી કરવા માટે ફાયર કન્સલટન્ટ નિમવાની જોગવાઇ કરવામાં આવી હતી સાથે ઇમારતના પ્રકાર પ્રમાણે ફાયરમેન, ફાયર ઇન્સપેક્ટર અને ફાયર કન્સલટન્ટ નિમવાની જોગવાઇ કરવામાં આવી હતી.

   રાજ્ય સરકારે જુના જીડીસીઆરની મહત્વની જોગવાઇઓ યથાવત રાખી નવા કોમન જીડીસીઆરમાં ફાયરની કેટલીક મહત્વની જોગવાઇઓ ઉમેરી છે જેમાં ફાયરની ઘટના વેળાએ ૨૫ મીટરથી ઊંચી ઇમારતમાં એક સાથે વધારે લોકો સીડીથી ઉતરી શકે તે માટે બાંધકામમાં સીડીની પહોળાઇ દોઢ મીટરથી વધારી બે મીટર કરી દેવાઇ છે સાથે ફાયર લીફ્ટની જોગવાઇનો કડક અમલ કરાવવામાં આવ્યો છે. પહેલા ૪૦ મીટરથી ઊંચી ઇમારતોમાં ફાયર લીફ્ટની જોગવાઇ હતી એટલે કે, એક રેગ્યુલર લિફ્ટની સાથે એક ફાયર લિફ્ટ મુકવી પડતી હતી પણ હવે નવા કોમન જીડીસીઆરમાં સુધારો કરવામાં આવ્યો છે.

   નવા જીડીસીઆર પ્રમાણે ૨૫ મીટરની હાઇટ થતી હોય તેવી ઇમારતોમાં જો ૨૦ યુનિટથી વધારે યુનિટ બાંધવામાં આવતાં હોય તો રેગ્યુલર લિફ્ટની સાથે વધારાની એક ફાયર લિફ્ટ પણ મુકવી ફરજિયાત કરી દેવાઇ છે. આમ સાત કે આઠ માળની ઇમારત બાંધવામાં આવે તો તેમાં ફાયર લિફ્ટ વિના બીયુ પરમીશન મળી શકે નહીં કે, પ્લાન પાસ થઇ શકે નહી.

   બીજી તરફ સુત્રો કહે છે કે, માત્ર ફાયર લિફ્ટની જોગવાઇ કરવાથી આગના બનાવો વખતે સહાયતા રૂપ થશે તેમ માનવું પણ અતિશયોક્તિ છે. આ સિવાય પણ ૨૫ મીટરથી વધુ ઊંચાઇની ઇમારતોમાં ફાયરના સાધનો મુકવાની પણ જોગવાઇ કરી શકાઇ હોત જોકે, એ જીડીસીઆરમાં દેખાતુ નથી.

Share :
Share :
source: સંદેશ, અમદાવાદ.

Leave A Reply

Share :