જમીનનું વળતર નહીં ચુકવાતાં કોર્ટે જપ્તી વોરંટ કાઢ્યું

0

2018_8$large_RNB_(3)

   મહેસાણાનાં બાયપાસ હાઈવે માટે સંપાદિત કરેલી જમીનનું વળતર ચુકવવા માટે સિવિલ કોર્ટે એક વર્ષ અગાઉ ચુકાદો આપ્યો હોવા છતાં પણ પાંચોટ ગામનાં ૧૧૯ ખેડૂતોને રૂપિયા ૫.૪૧ કરોડ નહી ચુકવવામાં આવતાં કોર્ટે માર્ગ અને મકાન વિભાગની કચેરી અને ખાસ જમીન સંપાદન અધિકારીની કચેરીનું જપ્તી વોરંટ કાઢ્યું હતું.કોર્ટનાં બેલીફ તેમજ વકીલ સાથે ખેડૂતોએ મિલકત જપ્તી કરવાની કાર્યવાહી કરતાં માર્ગ અને મકાન વિભાગે ૬૦ દિવસમાં વળતર ભરપાઈ કરવાની બાહેંધરી આપતાં ખેડૂતો જપ્તી કરવાનું ટાળ્યું હતું.

   બાયપાસ હાઈવે માટે પાંચોટ ગામનાં ૧૧૯ ખેડૂતોની સંપાદિત કરેલી જમીનનું વળતર ચુકવવા માટે મહેસાણાની સિવિલ કોર્ટે એક વર્ષ પહેલાં ચુકાદો આપ્યો હોવા છતાં વળતર નહી ચુકવવામાં ખેડૂતોએ કોર્ટમાં ધા નાંખી હતી.તેથી કોર્ટે ખાસ જમીન સંપાદન કચેરી અને માર્ગ અને મકાન વિભાગ વિભાગની કચેરીનું જપ્તી વોરંટ કાઢ્યુ હતું.કોર્ટનાં બેલીફ ભરતભાઈ અને ખેડૂતોનાં વકીલ લક્ષ્મણસિંહ રાણા સાથે ખેડૂતો જપ્તી વોરંટ લઈને માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં પહોંચ્યા હતા.

   જ્યાંથી ખેડૂતો તેમજ વકીલે કચેરીની ખુરશીઓ, એસી, ટેબલ, કોમ્પ્યુટર જેવી વસ્તુઓની જપ્તી કરીને કચેરીને સીલ કરવાનો આગ્રહ રાખતાં માર્ગ અને મકાન વિભાગનાં કાર્યપાલક ઈજનેરે આ કેસ હાઈકોર્ટમાં હોવાથી હાઈકોર્ટનો આદેશ મળ્યેથી તેમજ સરકારમાંથી ગ્રાન્ટ મળ્યેથી ૬૦ દિવસમાં વળતર ભરપાઈ કરી દેવાની લેખિત ખાતરી આપતાં ખેડૂતોએ જપ્તી કરવાનું ટાળ્યું હતું. જ્યારે ખાસ જમીન સંપાદન અધિકારીની કચેરીએ પણ માર્ગ અને મકાન વિભાગની માફક બે માસમાં વળતરની કાર્યવાહી કરવાની ખાતરી આપતાં ખેડૂતો જપ્તી કર્યા વગર પરત ફર્યા હતા. જો કે સરકાર ૬૦ દિવસમાં વળતર ચુંકવે છે કે કેમ તે જોવું રહ્યુ.

60 દિવસમાં ભરપાઈની ખાતરી આપી

   આ અંગે આર એન્ડ બી નાં કાર્યપાલક ઈજનેર તુષાર પટેલે કહ્યું હતું કે જે તે સમયે સરકારે રોડ ટચ જમીન માટે રૂપિયા ૧૧૮ અને અન્ય જમીન માટે રૂપિયા ૯૧ નું વળતર આપી દીધું હતું.પરંતુ ખેડૂતોએ સિવિલ કોર્ટમાં દાવો કરતાં સિવિલ કોર્ટે વધારે વળતર આપવાનો ચુકાદો આપતાં અમે હાઈકોર્ટમાં ગયા છીએ.હાઈકોર્ટનો જે આદેશ આવે તે પ્રમાણે અને ગાંધીનગર કચેરી ખાતેથી ગ્રાન્ટ મળ્યેથી દિન-૬૦ માં વળતર ભરપાઈ કરી દેવાની ખેડૂતોને બાહેંધરી આપી છે.

બે ગામનાં વળતર અંગે નિર્ણય લેવાયો છે

   મહેસાણાનાં બાયપાસ હાઈવે માટે સરકાર દ્વારા ૯ ગામનાં ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી હતી.જે પૈકી સુખપુરડા અને પાલાવાસણા ગામનાં ખેડૂતોનાં વળતરનો હાઈકોર્ટમાં નિર્ણય કરાયો છે.જ્યારે નુગર, ગીલોસણ, પાંચોટ, દેદીયાસણ, વડોસણ, હેડુવા(રાજગર) અને પાલોદર ગામ અંગે નિર્ણય લેવાનો બાકી છે.

શું હતો સમગ્ર મામલો ?

   બાયપાસ હાઈવે માટે પાંચોટ ગામનાં ખેડૂતોની જમીન સંપાદિત કરી સરકારે રોડ ટચની જમીન માટે પ્રતિ ચો.મી. રૂપિયા ૧૧૮ અને અન્ય જમીનો માટે રૂપિયા ૯૧ નાં ભાવે વળતર ચુકવ્યુ હતુ.ખેડૂતોએ વર્ષ ૨૦૧૧ માં સિવિલ કોર્ટમાં વધારે વળતર માટે દાવો કર્યો હતો.કોર્ટે ૩૧-૭-૨૦૧૭ નાં રોજ  ખેડૂતોને રોડ ટચની જમીન માટે પ્રતિ ચો.મી. રૂપિયા ૨૭૦૭ અને અન્ય જમીન માટે રૂપિયા ૨૦૮૮ વળતર ચુકવવાનો આદેશ કર્યો હતો.પરંતુ સરકારે ખેડૂતોને વળતર ચુકવી આપવાના બદલે હાઈકોર્ટમાં જવાથી રૂપિયા ૫,૪૧,૧૭,૨૯૫ વળતર ચુકવાયું નથી.

હાઈવે અબજો રૂપિયામા પડે તેવી સંભાવના

   મહેસાણાની સિવિલ કોર્ટે કરેલાં આદેશ પ્રમાણે ખેડૂતોને વળતર ચુકવવામાં આવે તો પાંચોટનાં ખેડૂતોને રૂપિયા ૧૬૦ કરોડ ચુકવવાનાં નીકળે તેમ છે.સુખપુરડા અને પાલાવાસણાને બાદ કરતાં બાકીનાં ૭ ગામનાં ખેડૂતોની જમીનનું વળતર પાંચોટ પેટર્ન મુજબ થાય તો રૂપિયા ૨૦૦ કરોડનો બાયપાસ હાઈવે સરકારને અબજો રૂપિયામાં પડે તેવી શક્યતા છે.

Share :
Share :
source: નવગુજરાત સમય.

Leave A Reply

Share :