પાંચ કરોડનો જમીન મહેસુલ વેરો વસુલવા તંત્રએ લાલ આંખ કરી

0

   તરસમીયા-સીટીના સરવે નંબર-૯૩-૯૪ પૈકી ૧ અને ૨, સુમેરૂ ટાઉનશીપ, ઘોઘારોડના રહીશોને જાણ કરવાની કે રહેણાંકના પ્લોટની તળીયાની જમીનની જમીન મહેસુલ અને શિક્ષણ ઉપકરની બાકી વસુલાત માટે સીટી મામલતદાર કચેરીના મહેસુલી તલાટીઓ તા.૨૩ અને શુક્રવારના રોજ સવારે ૧૧ કલાકથી કોમન પ્લોટ ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેશે. સુમેરૂ ટાઉનશીપના તમામ પ્લોટ ધારકોએ હાજર રહી જમીન મહેસુલનો વેરો ભરી સ્થળ પર જ પહોંચ મેળવી લેવા સીટી મામલતદારે જણાવ્યુ હતું.

   અંદાજે ૫ કરોડનો વેરો બાકી હોવાનું જાણવા મળ્યુ હતું. લોકોમાં આ અંગે પુરતી જાગૃતિ નથી તેના લીધે સેકડો આસામીઓ મહેસુલ ભરતા નથી. તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી. જમીન મહેસુલ કાયદો-૧૮૭૯ અન્વયે તમામ જમીનો સરકાર હસ્તક ગણાય છે. જે-તે વ્યક્તિને માત્ર ભોગવટો કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે અને ભોગવટા માટે તેણે મહેસુલ ભરવું અનિવાર્ય છે. આ કાયદાની કલમ ૧૩૬ મુજબ જમીન મહેસુલ એ જમીન પરનો પ્રથમ બોજો ગણવામાં આવેલ છે. આ મહેસુલ ભરવામાંથી કલેક્ટર મંજુરી સિવાય કોઇને મુક્તિ આપવામાં આવતી નથી.

   જમીનનો શું ઉપયોગ થઇ રહ્યો છે ? તેના આધારે જમીન મહેસુલની રકમ નક્કી થાય છે. જેમ કે ખેતી માટે ઉપયોગ અથવા રહેણાક-વ્યવસાય-ઉદ્યોગ વગેરે માટે. ખેતીની જમીનના બિનખેતી હેતુ ઉપયોગ માટે તે જમીન મહેસુલના દરો અલગ-અલગ નક્કી થયેલા છે. જેમ કે રહેણાંકના પ્લોટની રકમ ગણવા માટે પ્રતિ ચોરસમીટરના રૂ.૦.૨૫ પૈસા લેખે મહેસુલ અને એ મુજબ તેની ઉપર લોકલ ફંડ અને શિક્ષણ ઉપકર વસુલ લેવામાં આવે છે.

   આ મહેસુલની રકમ પ્રતિ વર્ષ ૧ ઓગષ્ટથી ગણાય છે. અને મહેસુલી વર્ષ ૧ ઓગષ્ટથી ૩૧ જુલાઇ મુજબ ગણવામાં આવે છે. પ્રતિ વર્ષ નિયમિત જમીન મહેસુલ ભરવાની તમામ કબજેદારોની ફરજ છે. જો આ રકમ ન ભરવામાં આવે તો ? જમીન મહેસુલ કાયદાની કલમ ૧૫૨ હેઠળ નોટીસ આપવામાં આવે છે. પ્લોટ ધારકે આ રકમ દસ દિવસમાં ભરી આપવાની રહે છે અને આ વિષયે ઉદાસીનતા દાખવવાથી સખ્તાઇના ઇલાજો હાથ ધરવાની જોગવાઇ છે. જેમા જંગમ મિલકતની જપ્તી અથવા સ્થાવર મિલકતની જપ્તી કરી, આવી મિલકતોની હરાજી કરીને જમીન મહેસુલ વસુલ કરવાની જોગવાઇ છે.

   ભાવનગર શહેરની આજુબાજુના ગામોની સીમાડાની જમીનો બિનખેતી થઇ ત્યાં સોસાયટીઓ બનેલ છે અને વ્યવસાય કે ઉદ્યોગો પણ શરૂ થયેલ છે. આ તમામ જમીન ધારણ કરનારાઓએ સીટી મામલતદાર કચેરી ખાતે મહેસુલી તલાટીને મળીને રકમ ભરવાની રહે છે. તેમજ તરસમીયા, ફુલસર, ચિત્રા વગેરે વિસ્તારોમાં કેમ્પ પણ યોજવામાં આવે છે.

   શહેરની ઘણીબધી સોસાયટીમાં હજી બાંધકામ થયા વગરના ખુલ્લા પ્લોટ મળી આવે છે, આ પ્લોટના શરતભંગ અને જમીન મહેસુલ વગેરેનું મોટુ ડીમાંડ બાકી છે. આથી ખુલ્લા પ્લોટ પર બોજો ઉભો કરવાનું અને જરૂર જણાયે આવા પ્લોટની સરકાર હસ્તક લઇને હરાજી કરીને પણ જમીન મહેસુલ અને શરતભંગનું ડીમાંડ આવનારા દિવસોમાં વસુલવામાં આવનાર છે. શહેરમાં આવેલી સોસાયટીના પ્રમુખો પણ આ મહેસુલી રકમ ભરવામાં સહકાર આપતા નથી. આથી તેઓ સામે પણ આવનારા દિવસોમાં મહેસુલી રાહે કડક કામગીરી કરવામાં આવનાર છે અને આવી સોસાયટીઓના રહીશોએ જાગૃત થવાની અપીલ કરવામાં આવી હતી.

Share :
Share :
source: ગુજરાત સમાચાર, ભાવનગર.

Leave A Reply

Share :