વડોદરામાં બોગસ પાવરથી જમીનોના દસ્તાવેજ કરનારા કોંગી નેતા પકડાયા

0

    પાદરાના સાધી ગામની જમીનનો બોગસ સહીના આધારે વેચાણ દસ્તાવેજ કરનાર કોંગી આગેવાન પ્રવિણ પટેલની પોલીસે ધરપકડ કરી છે. ૧૫.૮૦ લાખમાં જમીન ખરીદનાર અમદાવાદના સખશ સહિત અન્ય ત્રણની પોલીસે તપાસ હાથ ધરી છે.

   છાણીમાં બાલાજી બંગલોમાં રહેતા કોંગી આગેવાન પ્રવિણ શંકરભાઈ પટેલે ૧૮ વર્ષ પહેલાં સાધી ગામની જમીન પચાવી લેવા માટે ચંદુભાઈ સોલંકીની બોગસ સહીથી પાવર ઓફ એટર્ની બનાવી હતી. બોગસ પાવર ઓફ એટર્નીને આધારે પ્રવિણ પટેલે આ જમીનનો ૧૫.૮૦ લાખમાં સોદો કર્યો હતો. પ્રવિણ પટેલે ૧૦ ફેબ્રુ.,૨૦૦૯ના રોજ મહેશ છગનભાઈ પટેલ (રહે.શિવદર્શન સોસાયટી, અમદાવાદ)ને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. આ વેચાણ દસ્તાવેજમાં મહેશ પ્રાગજીભાઈ પટેલ (રહે.સાધી) અને પ્રકાશ સોમાભાઈ દેસાઈ (રહે.વાઘોડિયા રોડ)એ સાક્ષી તરીકે સહી કરી હતી. ત્યારબાદ સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી થઈ અને વેચાણ દસ્તાવેજને આધારે રેવન્યૂ રેકર્ડમાં કાચી નોંધ થઈ હતી.

    આ નોંધ જે તે સમયના નાયબ મામલતદારે પ્રમાણિત કરી હતી. જમીન માલિક ચંદુભાઈ સોલંકીનું ૩૧ મે, ૨૦૦૦ના રોજ મૈયત થયું હતું. ત્યારબાદ વારસદાર તરીકે જમીન પોતાના નામ પર ગયેલાં મૃતકના પુત્ર કિરીટભાઈને આ સમગ્ર પ્રકરણ અંગે જાણ થઈ હતી. પ્રવિણ પટેલે બે વર્ષ ગલ્લા-તલ્લા કર્યા બાદ ૨૦૧૪માં કિરીટ સોલંકીએ પાદરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. અરજીને આધારે પોલીસે સહીના નમૂના એફએસએલમાં મોકલ્યાં હતાં. રિપોર્ટમાં સહી બોગસ હોવાનું બહાર આવતાં પાદરા પોલીસે પ્રવિણ પટેલ સહિત ચાર સામે વિશ્વાસઘાત અને પૂર્વ આયોજીત કાવતરાનો ગુનો દાખલ કર્યો હતો.

કાચી નોંધ પ્રમાણિત કરનાર નાયબ મામલદાર પણ શંકાના ઘેરામાં !

   બોગસ પાવર ઓફ એટર્નીને આધારે થયેલા વેચાણ દસ્તાવેજ અંગે કાચી નોંધ પ્રમાણિત કરનાર નાયબ મામલતદાર પણ શંકાના ઘેરામાં છે. જોકે, તપાસ દરમિયાન ના.મામલતદાર અંગે પુરાવા મળશે તો પોલીસ તેની પણ ધરપકડ કરે તેવી શક્યતા છે.

Share :
Share :
source: સંદેશ, વડોદરા.

Leave A Reply

Share :