બહુચર્ચિત બિલ્ડર જયંતી પંચાલે કૌભાંડોની એક પછી એક હારમાળા સર્જી છે

0

   વડોદરાના કપુરાઇની જમીન એનએ કરવાના મુદ્દે બિલ્ડર જયંતી પંચાલને રૃા.૧.૯૧ કરોડનો દંડ અને ૪૦ ટકા જમીન કપાત કરવા રાજ્યના ચીફ ટાઉન પ્લાનરે જયંતી પંચાલને ફટકાર લગાવી દીધી છે, ત્યારે જયંતી પંચાલનું નામ અગાઉ વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની સંજયનગર વારસિયા આવાસ યોજનામાં રૃા.૨૦૦૦ કરોડના કૌભાંડમાં ઉછળ્યું હતું.

કૌભાંડોમાં વિવાદિત બન્યા હોવા છતાં જયંતી પંચાલનો સંજયનગરનો કોન્ટ્રાકટ ચાલુ રખાયો

   સંજયનગર ઝૂંપડપટ્ટી તોડી કોર્પોરેશને લોકભાગીદારીથી કામગીરી બિલ્ડર જયંતી પંચાલની મે.નારાયણ રિઅલ્ટી અને સાંઇરૃચિ એન્ડ ડીએમસી ઇન્ફ્રાના જોઇન્ટ વેન્ચરને સોંપી હતી. બાંધકામ સાઇટ નજીક પસાર થતા વરસાદી કાંસ પર સ્લેબ બનાવવાનું કામ બિલ્ડરોએ પોતે કરવાને બદલે કોર્પોરેશનના ખર્ચે જ થાય તેવી પેરવી કરી હતી. બિલ્ડરને સાવ મફતના ભાવે જમીન ઝૂંપડપટ્ટીના રહીશો માટે મકાનો મફતમાં બાંધવાના નામે અપાતા રૃા.૨૦૦૦ કરોડના કૌભાંડનો ધડાકો થયો હતો. આ મુદ્દો છેક મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હતો. જેમાં સરકારે ગત જાન્યુઆરીમાં એડિશનલ ચીફ સેક્રેટરી (હેલ્થ) પૂનમ પરમારને તપાસ સોંપી ૭ દિવસમાં રિપોર્ટ સુપરત કરવા સૂચના અપાઇ હતી.

   નારાયણ રિઅલ્ટી અને સાંઇરૃચિનું ટેન્ડર જે તે સમયે મંજૂર થયું જેમાં કરાર મુજબ ૫૧ ટકા હિસ્સો નારાયણનો ૪૯ ટકા સાંઇરૃચિનો હતો. ટેન્ડર મંજૂર થયા બાદ વર્ક ઓર્ડર આપ્યો તે પછી અઠવાડિયામાં જ જોઇન્ટ વેન્ચરના હિસ્સામાં ફેરફાર કરી નારાયણને ૧૫ ટકા અને સાંઇરૃચિને ૮૫ ટકા ફાળવણી કરવાનો નવો કરારપત્ર રજૂ કર્યો હતો. જે ગેરકાયદે હતો. ટેન્ડર મંજૂર થયા બાદ આ રીતે ફેરફાર કરવાના પ્રયાસે રૃા.૨૦૦૦ કરોડના કૌભાંડને ઓર ભડકાવ્યું હતું.

   આ મુદ્દે સુપ્રીમકોર્ટના નિવૃત જસ્ટીસને માર્ગદર્શન આપવા અનુરોધ કરતા તેમની કાયદાકીય સલાહ લઇને બિલ્ડરને જુનો સમજૂતી કરાર જ ગ્રાહ્ય રાખવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થઇ હતી. બીજી બાજુ તપાસ સમિતિએ તેનો પ્રાથમિક હેવાલ સરકારને આપી દીધો હતો. નારાયણનો ૫૧ ટકા અને સાંઇરૃચિનો ૪૯ ટકા મુજબ જે જૂનો સમજૂતી કરાર હતો તે જ સ્થાયી સમિતિએ માન્ય રાખ્યો હતો. આમ, રૃા.૨૦૦૦ કરોડના કથિત કૌભાંડ છતાં કોર્પોરેશને બિલ્ડર જયંતી પંચાલનો કોન્ટ્રાકટ ચાલુ રાખ્યો છે.

   વીસ વર્ષ અગાઉ આઇપીસીએલ દહેજના ટાઉનશિપના કૌભાંડમાં જયંતી પંચાલ સીબીઆઇના સકંજામાં ફસાયા હતા. આ ઉપરાંત વડોદરાના બહુચર્ચિત લક્કડપીઠાની જમીનના કૌભાંડમાં ચમકેલા જયંતી પંચાલે કૌભાંડોની પરંપરા સર્જી છે.

Share :
Share :
source: ગુજરાત સમાચાર.

Leave A Reply

Share :