સાયન્સ સીટી વિસ્તારમાં ગરીબ આવાસ યોજના ઠપ

0

   શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં ગરીબ આવાસ યોજના સાકાર થઇ રહી છે, પરંતુ સોલા સાયન્સ સિટી વિસ્તારમાં બિલ્ડરો પાસેથી ચૂંટણી ફંડ લીધુ હોવાથી ગરીબ આવાસ યોજનાનો અમલ કરાતો નથી તેવો આક્ષેપ મ્યુનિ. કોંગ્રેસ પક્ષ નેતાએ કરતાં મ્યુનિ.બોર્ડમાં ઉગ્રતા વ્યાપી હતી.

   મ્યુનિ. બોર્ડ બેઠકમાં શૂન્યકાળ દરમિયાન વિપક્ષ નેતા દિનેશ શર્માએ શહેરી ગરીબો માટે આવાસ યોજનાની જાહેરાત કરી ૬,૩૪૯ મકાનો બનાવવા ટેન્ડર મંજૂર કરી દેવાયાં અને કામો શરૂ થઇ ગયાં બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે ૨,૫૪૮ મકાનોનો જ ડ્રો કરાયો તેવી માહિતી આપતાં એવો સવાલ કર્યો કે, બાકીનાં મકાનોનાં ડ્રો કેમ ન કર્યા.

   જેનો મેયર કે કમિશનર તરફથી કોઇ જવાબ નહિ મળતાં તેમણે રજૂઆત આગળ ધપાવતાં કહ્યું કે, થલતેજ-સોલા સાયન્સ સિટી વિસ્તારમાં પાંચ પ્લોટમાં ગરીબ આવાસ યોજનાનાં ટેન્ડર બહાર પાડી દેવાયા બાદ કોન્ટ્રાકટરને વર્કઓર્ડર પણ આપી દેવાયો હોવા છતાં આજ દિન સુધી ખાડો ખોદવામાં આવ્યો નથી. શું કોન્ટ્રાકટર કામ શરૂ નથી કરતો તો તેને શો કોઝ નોટિસ આપવા સહિતની કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તેવો સવાલ કરતાં અચાનક વિપક્ષ નેતાએ બોર્ડમાં હું આક્ષેપ કરૂ છું કે, આ ગરીબ આવાસ યોજનાઓની આસપાસ જમીન ધરાવતાં બિલ્ડરોનાં દબાણથી અને તેમની પાસેથી ચૂંટણી ફંડ લીધુ હોવાથી ગરીબ આવાસ યોજનાનુ કામ શરૂ કરાવવામાં આવતુ નથી.

   કોંગ્રેસનાં આક્ષેપો સાંભળીને ભાજપનાં કોર્પોરેટરોનાં મોઢા સિવાઇ ગયાં હતા, પરંતુ કયાંકથી ઇશારો થતાં હાઉસિંગ કમિટી ચેરમેન કે સ્ટે. કમિટી ચેરમેને વળતો જવાબ આપવાને બદલે હેલ્થ કમિટી ચેરમેન બચાવ કરવા ઉભા થયા ત્યારે પણ વિપક્ષી નેતાએ ગરીબ આવાસ યોજનાનાં ફોર્મ બહાર પાડયા અને લોકોએ સાયન્સ સિટી વિસ્તારમાં રહેવા માટે ફોર્મ ભર્યા તેમ છતાં ત્યાં મકાનોની કામગીરી અટકાવી દેવાઇ છે જે ગરીબવર્ગ સાથે છેતરપિંડી સમાન છે તેમ સુણાવ્યું હતું.

   હેલ્થ કમિટી ચેરમેને એવો બચાવ કર્યો કે, ત્યાં આસપાસ રહેતાં લોકોએ તેનો વિરોધ કર્યો અને ગાંધીનગર સુધી રજૂઆત કરી છે તેથી કામ અટકાવવામાં આવ્યુ છે, આ સાંભળી વિપક્ષનેતાએ વળતો પ્રહાર કર્યો કે, કોઇ લોકોનો વિરોધ નથી, આ તો બિલ્ડરોની જમીન અને સ્કીમોનાં ભાવ ગગડી ન જાય એટલે કામ શરૂ કરાવતા નથી.

   સાયન્સ સિટી વિસ્તારમાં ગરીબ આવાસ યોજનાનુ કામ અટકાવી દેવાનાં મામલે પછી તો કેટલાક ચેરમેન અને કોર્પોરેટરો ઉભા થઇ જાતજાતની દલીલો અને કોંગ્રેસ ઉપર આક્ષેપો કરવા માંડતાં બોર્ડમાં ઘોંઘાટ છવાઇ ગયો હતો અને સામસામા આક્ષેપોને પગલે એક તબક્કે બોર્ડ ખોરવાઇ જાય તેવી ઉગ્રતા વ્યાપી હતી.

   સાયન્સ સિટી વિસ્તારમાં ગરીબ આવાસ યોજનાનુ કામ અટકાવાયુ હોવાની વાત હોવા છતાં શાસક ભાજપ તરફથી અમે આટલા આવાસ બનાવ્યા અને કોંગ્રેસે કશુ નથી કર્યુ તેવી વાતો કરી હતી. એક તબક્કે મેયર અને વિપક્ષનેતા વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી થઇ હતી અને વિપક્ષનેતાએ તમારે બોર્ડ પૂરૂ કરવુ હોય તો કરી દો તેવા ઉચ્ચારણો કરતાં ભાજપી કોર્પોરેટરોએ ઉભા થઇ હોહા મચાવી મુકતાં કોંગ્રેસનાં કોર્પોરેટરો પણ વિપક્ષનેતા પાછળ આવી ઉભા રહી ગયાં હતા. જોકે છેવટે મેયર અને વિપક્ષનેતાએ પોતપોતાનાં કોર્પોરેટરોને શાંત પાડયા હતા. આટઆટલી દલીલો અને આક્ષેપો પછી પણ મ્યુનિ. બોર્ડમાં સાયન્સ સિટી વિસ્તારમાં ગરીબ આવાસ યોજનાનાં કામો કેમ અટકાવી દેવાયાં તેનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહોતો.

Share :
Share :
source: નવગુજરાત સમય, અમદાવાદ.

Leave A Reply

Share :