શહેરમાં વિવાદ જગાવનારા વર્ષા ફલેટનાં મુદ્દે સ્ટે.કમિટીમાં ચર્ચા નહીં કરવા આદેશ

0

   સમગ્ર શહેરમા ચકચાર જગાવનારા પાલડી વિસ્તારનાં વર્ષા ફલેટનાં રિડેવલપમેન્ટ અંગે મ્યુનિ.તંત્રની કાર્યવાહી અંગે ચર્ચા કરવા માંગતાં સ્ટેન્ડીંગ કમિટી સભ્યને મ્યુનિ.હોદ્દેદારોએ જ પરવાનગી નહિ આપતાં ભાજપનાં કોર્પોરેટરોમાં રોષની લાગણી ફેલાવા પામી હતી.

   પ્રાપ્ત માહિતી અનુસાર, પાલડી વોર્ડનાં કોર્પોરેટર અને સ્ટે.કમિટીનાં સભ્ય ડો.સુજય મહેતા પીટી ઠક્કર કોલેજ રોડ ઉપર આવેલાં વર્ષા ફલેટનાં રિડેવલપમેન્ટને લઇ સર્જાયેલાં વિવાદ અંગે મ્યુનિ.ની કાર્યવાહી અંગે ચર્ચાવિચારણા કરવા માંગતા હતા. પરંતુ તેમણે આ મુદ્દે ચર્ચાવિચારણા માટે ભાજપની એજન્ડા મિટીંગમાં વાત મુકતા મ્યુનિ.હોદ્દેદારોએ તેમને કલેકટર કચેરી દ્વારા કાર્યવાહી થઇ રહી છે અને આપણે પણ કાર્યવાહી કરી રહયાં છીએ તેથી આ મુદ્દો સ્ટે.કમિટીમાં ઉઠાવવાની જરૂર નથી તેવુ કહી દીધુ હતું.

   આ વાત ભાજપ કાર્યાલયમાં કોર્પોરેટરો સુધી પહોંચતાં જ કોર્પોરેટરોમાં ઉગ્ર ચર્ચા ચાલી હતી અને કેટલાક કોર્પોરેટરોએ તો મ્યુનિ.ની પણ ભૂલ છે તેને છાવરવાને બદલે સ્ટે.કમિટીમાં ખુલ્લી ચર્ચા થવા દેવી જોઇતી હતી અને આ કિસ્સા ઉપરથી બોધપાઠ લઇ હવે મ્યુનિ.તંત્ર દ્વારા ભવિષ્યમાં આવા સંવેદનશીલ અને અશાંતધારા લાગુ પડે છે તેવા વિસ્તારોમાં કોઇ પણ ફલેટનાં પ્લાન કે રિડેવલપમેન્ટ સ્કીમ મંજૂર કરતાં પહેલાં ચકાસણી કરે તેવા કોઇ નિયમો કે નિયમોમાં સુધારા કરવાની વાત કરવાની હતી.

   કોર્પોરેટરોએ કહયું કે, વર્ષા ફલેટમાં જે રીતે ઉતાવળે નિયમોનુ મનઘડંત અર્થઘટન કરી એક બિલ્ડીંગને બીયુ આપી દેવાઇ કે અપાવી દેવાઇ તે બિલ્ડીંગમાં લોકો રહેવા આવી ગયાં છે તો હવે કેટલી માથાકુટ થશે તે સમજી શકાય તેમ છે. જોકે ભાવનાબેનની વારંવારની રજૂઆત અને અન્ય સભ્યોના સમર્થનને પગલે સ્ટે.કમિટી ચેરમેન પ્રવીણભાઇ પટેલે ડીએલપીનાં રોડ રિસરફેસ નહિ કરનારા ત્રણ કોન્ટ્રાકટરો આકાશ ઇન્ફ્રા, જી.પી.ચૌધરી અને અગ્રવાલને આજીવન બ્લેકલિસ્ટ કરી દેવાની દરખાસ્ત તૈયાર કરી સ્ટે.કમિટીમાં રજૂ કરવા કમિશનરને સૂચના આપી હતી.

   જોકે મ્યુનિ.સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આ ત્રણ કોન્ટ્રાકટરોને હાલ ૩ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરાયાં છે, પરંતુ તેમની ગાંધીનગર સુધીની વગનાં કારણે ૩ વર્ષનો સમયગાળો ઘટાડવા અથવા તો તેમને પેનલ્ટી વગેરે કરી બ્લેકલિસ્ટમાંથી મુક્તિ આપવાની હિલચાલ ચાલી રહી છે ત્યારે આજીવન બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત મુકાય તે વાત ગળે ઉતરે તેમ નથી

Share :
Share :
source: નવગુજરાત સમય.

Leave A Reply

Share :