શહેરમાં જમીન ફાળવણીનો પ્રશ્ન કોંગ્રેસના 20 ધારાસભ્યે પૂછ્યો

0

   ગાંધીનગર જિલ્લાના ચારે તાલુકામાં છેલ્લા એક વર્ષ દરમિયાન સરકારી, પડતર, ગૌચર અને ખરાબાની કેટલી જમીન, કોને, શું ભાવથી અને ક્યા હેતુથી ફાળવવામાં આવી તેની માહિતી રાજ્યના વિવિધ મત વિસ્તારના 20 ધારાસભ્ય દ્વારા એક જ પ્રકારના પ્રશ્ન કરીને વિધાનસભા પ્રશ્નોત્તરીમાં પૂછવામાં આવી છે. આ જમીનની કેટલા ક્ષેત્રફળની માગણી કરવામાં આવી અને કેટલી ફાળવવામાં આવી તે પણ પૂછવામાં આવ્યુ હતું. મહેસૂલ મંત્રી તરફથી આ સંબંધમાં વિગતવારનો જવાબ અપાયો છે. જેમાં તમામ જમીન ફાળવણી સરકારી સંસ્થાઓને વિવિધ હેતુથી કરાયાનું જણાવાયું છે. તેમાં માત્ર ગાંધીનગર તાલુકામાં જ જમીન ફાળવાઇ હોવાનું પણ જણાવાયું છે.

   મહેસૂલ મંત્રીએ આપેલી સત્તાવાર માહિતી પ્રમાણે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રમત ગમતના મેદાન માટે 4047 ચોરસ મીટર 1 રૂપિયાના ટોકનથી તથા પ્રાથમિક શાળાના ઓરડા માટે 502 ચોરસ મીટર જમીન વિના મૂલ્યે જુન 2011માં અપાઇ હતી. ઘન કચરાના નિકાલ સંબંધે લેન્ડ ફીલ સાઇટ માટે પેથાપુર નગર પાલિકાના ચીફ ઓફિસરને ફેબ્રુઆરી 2016માં અને માર્ચ 2017માં આ હેતુ માટે જ મ્યુનિસિપલ કમિશનરને ફાળવવામાં આવી છે. શેરથા ગ્રામ પંચાયત સરપંચને તળાવની જમીન મૃત પશુઓના નિકાલ માટે અને નાયબ વન સંરક્ષકને ઇકોલોજીકલ પાર્ક માટે 684221 ચોરસ મીટર સરકારી પડતર જમીન ફાળવાઇ છે. જ્યારે દહેગામ, કલોલ અને માણસા તાલુકામાં કોઇ પ્રકારે જમીનની ફાળવણી કરવામાં આવી નથી.

ક્યા 20 ધારાસભ્યએ આ પ્રશ્ન કર્યો હતો

   પેટલાદ, મોડાસા, બાપુનગર, ધ્રાંગધ્રા, માંડવી, સિદ્ધપુર, જામનગર ગ્રામ્ય, જમાલપુર, લીંબડી, સોમનાથ, દાંતા, બાયડ, કપડવંજ, ખેડબ્રહ્મા, વાવ, વિસાવદર, સોજીત્રા, રાજુલા, માણસા અને જુનાગઢ મત વિસ્તારના ધારાસભ્ય દ્વારા ઉપરોક્ત એક જ પ્રશ્ન વિધાનસભા પ્રશ્નોત્તરીમાં પૂછવામાં આવ્યો છે.જેના જવાબમાં એક વર્ષની માહિતી અાપવામા આવી હતી.

Share :
Share :
source: દિવ્યભાસ્કર, ગાંધીનગર.

Leave A Reply

Share :