વસ્ત્રાપુર ગામના રોડને પહોળો કરવાનું અંતે ચાલુ કરાયું : ૧૨ દુકાનો તોડી પડાઈ

0

   અમદાવાદ મ્યુનિ. દ્વારા કરોડો રૃપિયાના ખર્ચે બ્રિજ બનાવ્યા બાદ તેને જોડતા રોડ-રસ્તાના દબાણો હટાવીને રોડ પહોળો નહીં કરતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા ઠેરની ઠેર આવીને ઉભી રહી જાય છે. અંધજન મંડળ ચાર રસ્તા પર બ્રિજ બનાવીને ખૂલ્લો મુકી દીધા બાદ વસ્ત્રાપુર ગામના વર્ષો જૂના સાંકડા રોડને પહોળો કરવાની દરકાર નહીં કરાતા ચાર રસ્તાના ટ્રાફિક જામની સમસ્યા ખસીને વસ્ત્રાપુર ગામ તરફ આવી હતી. હવે મ્યુનિ. તંત્રને બ્રહ્મજ્ઞાાન લાધતા વસ્ત્રાપુરનો રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરી છે.

   નવા પશ્ચિમ ઝોનના ટીડીઓના કાફલાએ આજે નાની મોટી ૧૨ જેટલી દુકાનો તોડી હતી. જયારે એક વર્ષો જુના કોમ્પ્લેક્ષની ૧૧ જેટલી દુકાનો અને પહેલા માળનું બાંધકામ તેના માલિકે પોતે જ ગયા અઠવાડિયાથી તોડવાનું ચાલુ કર્યું છે. અત્યારે રોડ વાંકોચુંકો છે અને કયાંક ૮ મીટર તો ક્યાંક ૯ મીટરની પહોળાઈ છે. જે વધીને ટીપી સ્કીમ મુજબ ૩૬ મીટર કરવાની છે. જો કે હાલના તબક્કે ૨૧ મીટર પહોળાઈ રાખવાનું નક્કી થયું છે.

   રોડ લાઇનમાં ચારેક ધર્મસ્થાનો સહિત ૧૨૯ જેટલાં બાંધકામો કપાતમાં જશે. જેની નિશાની પણ ત્યાંના રહીશોને કરી આપવામાં આવી છે. કેટલાક મિલકત ધારકોએ સામેથી પોતાના મકાનો તોડવાની તૈયારી બતાવી છે. અંધજન મંડળ બ્રિજ ઉતરતાની સાથે જ રોડ સાંકડો થઈ જતાં દિવસભર ટ્રાફિક જામ રહેતો હતો. એમાં પણ બસ કે ટ્રક જેવું મોટું વાહન વચ્ચે આવી જાય કે સાઇડમાં કોઇ કાર પાર્ક કરીને જતું રહે તો બંને તરફનો ટ્રાફિક ગુંચવાઇ જતો હતો.

   આલ્ફા મોલ, હવેલી, વસ્ત્રાપુર લેકમાં બાળકોના મનોરંજનના સાધનો વગેરે ચાલુ થયા બાદ ટ્રાફિક જામની સમસ્યામાં વધારો થયો હતો. લોકોની રોડ પહોળો કરવાની માગણી લાંબા સમયની હતી, પણ ત્યાંના કેટલાકનો વિરોધ અને ઉપર ચૂંટણીઓ વારંવાર આવતી હોવાથી મતો બગડવાની બીકે ભાજપના સત્તાવાળા હિંમત કરતા ના હતા. તેઓપોઝીટીવ વિચારતા ના હતા કે રોડ પહોળો થવાથી સુવિધા વધતા મતો વધશે. હવે અમલ નજરે દેખાવા માંડતા વાહનચાલકોએ રાહત અનુભવી છે.

   ઉપરાંત સિંધુ ભવન રોડ પરના વિવાદાસ્પદ કેનવી મેટ હુક્કાબાર અને કોફી બારનું માર્જીનનું ગેરકાયદે આરસીસી બાંધકામ આજે તોડી પડાયું છે. બીજી તરફ એસજી હાઇવે અને સર્વિસ રોડ વચ્ચેના માર્જીનમાં ખામીપીણીના કાચાપાકા ટેન્ટ જેવા સ્ટ્રકચર ઉભા થવા માંડયા છે. જુહાપુરા, ગોતા, શાહવાજી સહિત અનેક વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો થઇ રહ્યાં છે.

Share :
Share :
source: ગુજરાત સમાચાર, અમદાવાદ.

Leave A Reply

Share :