વરદાન ટાવરમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં હજુ પણ મ્યુનિ.ના ઠાગાઠૈયા

0

   વરદાન ટાવરમાં ચાર વ્યક્તિઓના મૃત્યુ પછી પણ મ્યુનિ.તંંત્ર અહીં ગેરકાયદેસર દબાણોને હટાવવામાં પાછીપાની કરી રહી છે. કોમર્શિયલ દુકાનમાં જ રહેણાંકનું દબાણ ઊભું કરવાની ભૂલથી ચારેય લોકો મોતને ભેટ્યા હતા. છતાં હજુ ટાવરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં મ્યુનિ.ઠાગાઠૈયા કરે છે.

   ટાવર ગેરકાયદે હતું ત્યારે ઈમ્પેકટ ફી હેઠળ જરૂરી ફી ભરીને કાયદેસરતા પ્રાપ્ત કરી હતી. આ પછી કોમર્શિયલ એકમોમાં ગેરકાયદે દબાણો ઊભા થયા છે. આ દબાણો દૂર કરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશોએ હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે.

   સ્થાનિક રહીશોએ મુખ્યમંત્રી સમક્ષ કરેલી રજૂઆતમાં કહ્યું કે, ટાવરમાં આવેલી તમામ દુકાનોમાં દબાણ છે. કોમ્પ્લેક્સનો પાર્કિંગનો ભાગ તેમજ આવવા-જવાનો રસ્તા પર પણ ગેરકાયદે દબાણ ઊભું કરી દેવામાં આવ્યું છે. ફાયરના સાધનો પણ દબાણ હેઠળ હોવાના કારણે આગ લાગે તેવા સંજોગોમાં ઉપયોગ કરી શકાય તેમ નથી. મ્યુનિ.ના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, અમે આ પ્રકારના દબાણો અને દુકાનોમાં રહેણાંક બનાવી દીધા હોય તેનો સરવે શરૂ કર્યો છે. આ ઘટનામાં પણ આગનું સ્પષ્ટ કારણ પછી જરૂરી કાર્યવાહી કરાશે.

Share :
Share :
source: દિવ્યભાસ્કર, અમદાવાદ.

Leave A Reply

Share :