રાજવી એરપ્લાઇન સ્કીમની રજાચિઠ્ઠી રદ, રિઝર્વ પ્લોટના બાંધકામ તોડાયાં

0

1-63

   AMC તંત્રની નાક નીચે બે વર્ષથી શહેરના મેમનગરના ૧૩૨ ફૂટના રિંગ રોડ ઉપર વાળીનાથ ચોકથી એઇસી બ્રિજ તરફ જતાં પેટ્રોલ પંપની બાજુમાં રિઝર્વ પ્લોટ ઉપર શિવમ બિલ્ડર પ્રા.લિ. દ્વારા રાજવી એરપ્લાઇન સ્કીમ ઊભી કરાઈ રહી હતી પણ એકપણ અધિકારીએ તેની સામે કાર્યવાહીની હિમંત દાખવી ન હતી. બિલ્ડર દ્વારા મૂળ પ્લાનને બદલે રિવાઇઝડ પ્લાન મુકાયા હતા પણ તેને ક્યારેય મંજૂરી મળી ન હતી છતાં બિલ્ડર દ્વારા રિવાઇઝડ પ્લાન પ્રમાણે બાંધકામ કરાઈ રહ્યું હતું જેમાં રિઝર્વ પ્લોટમાં પણ ગેરકાયદે બાંધકામ ચણી દેવાયું હતું

   AMCના ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા આજે બપોરના સમયે રાજવી એરપ્લાઇન સ્કીમના રિઝર્વ પ્લોટમાં થયેલા ગેરકાયદે બાંધકામને દૂર કરવાની કાર્યાવાહી શરૂ કરી હતી જેમાં ૭ જેટલા કોલમ દૂર કરાયા છે. સૂત્રો કહે છે કે, રિવાઇઝડ પ્લાનને મંજૂરી મળી નથી તો આખી સ્કીમ જ ગેરકાયદે કહેવાય ત્યારે આખી સ્કીમને તોડી પાડવાને બદલે માત્ર ૧૯૦ ચો.મી. જેટલું બાંધકામ તોડી સેટિંગ પાડવાની ફિરાક ચાલી રહી છે.

   નારણપુરાની ગ્રીનબેલ્ટની જમીનમાં ટીપી ૨૯નો ડ્રાફ્ટ બન્યો હતો તે વખતે અંદાજે બે વર્ષ પહેલાં FP ૬૩૦માં સેલ ફોર કોમર્શિયલ અને FP ૬૨૦ સેલ ફોર રેસિડેન્સિયલનું રિઝર્વેશન મુકાયું હતું વખતે અહીં અડીને આવેલા ફાઇનલ પ્લોટમાં પ્રેરણા રાજવી એરપ્લાઇન નામની બાંધકામ સ્કીમના પ્લાન મંજૂર કરાયા હતા પણ પાછળથી બિલ્ડર દ્વારા રિવાઇઝડ પ્લાનની દરખાસ્ત મૂકી હતી તે વખતે તત્કાલીન ડે. ટીડીઓ તરીકે ચૈતન્ય શાહ હતા તેમણે ફાઇનલ પ્લોટના કબજા કરાર સહિતના દસ્તાવેજોની માગણી કરી હતી જેમાં કબજા સોંપાણીના દસ્તાવેજોમાં તેમના અનુગામી તત્કાલીન ઇન્ચાર્જ ડે.ટીડીઓ એચ.આર. શાહ (હાલ નિવૃત્ત)ની સહી પણ હતી અન્ય સર્વેયર સહિત કોઈ અધિકારીની સહી હતી નહીં. જેથી તે વખતે મુકાયેલાં રિવાઇઝડ પ્લાનને નામંજૂર કરાયાં હતા પણ બિલ્ડર દ્વારા રિવાઇઝડ પ્લાન પ્રમાણે સ્થળ ઉપર બાંધકામ શરૂ કરાયું હતું જેમાં SFCના હેતુવાળા FP ૬૩૦માં પણ બાંધકામ શરૂ કરી દેવાયું હતું તે વખતે કોઈપણ અધિકારીએ બિલ્ડર સામે કાર્યવાહી કરવાની હિંમત દાખવી ન હતી એ પછી તો એક ડઝનથી વધુ અધિકારીઓ એવા હતા કે, જેઓને બે વર્ષ સુધી અહીં ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું છે તેવું જાણમાં હોવા છતાં કાર્યવાહી કરી ન હતી.

   આખરે કૌભાંડ ખૂલ્યું હતું જેથી આજે ઉત્તર-પશ્ચિમ ઝોનના અધિકારીઓએ કાર્યવાહી શરૂ કરી હતી જેમાં હાલમાં રિઝર્વ પ્લોટમાંથી બાંધકામ દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ છે. મ્યુનિ.ના ડે.મ્યુનિ.કમિશનર વિપુલ મહેતાએ જણાવ્યું હતું કે, રાજવી એરપ્લાઇન સ્કીમની રજાચિઠ્ઠી રદ કરી દેવામાં આવી છે. અહીં રિઝર્વ પ્લોટમાં થયેલા ૧૯૦ ચો.મી. જેટલા બાંધકામને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પહેલી પ્રાથમિકતા રિઝર્વ પ્લોટમાં થયેલા બાંધકામને દૂર કરવાની છે. પછીના અન્ય બાંધકામ અંગે અગામી દિવસોમાં નિર્ણય લેવાશે.

TPO બિલ્ડરના ફાયદા માટે નૈતિકતા નેવે મૂકી દીધી, SFCનો હેતુ બદલી ગાર્ડન કર્યો

   AMC તંત્ર દ્વારા ટીપી ૨૯ના ફાઇનલ પ્લોટ નંબર ૬૩૦ના રિઝર્વ પ્લોટમાં ગેરકાયદે સ્કીમના બાંધકામને તોડવાની કાર્યવાહી કરાઈ રહી છે જ્યારે બિલ્ડરના ફાયદા માટે પ્રર્વર નગર નિયોજક ટી.સી. દેવસ્ય તથા ટીપીઓ યાદવે મ્યુનિ.ના ટાઉન પ્લાનિંગ ખાતા પાસે પરાર્મશ માગ્યો છે જેમાં રિઝર્વ પ્લોટના સ્થળ ફેરફાર કરવાની દરખાસ્ત કરાઈ છે જેમાં એક પ્લોટમાંથી રિઝર્વેશન હટાવવાની જ્યારે એક પ્લોટ હેતુ સેલ ફોર કોમર્શિયલમાંથી બદલી ગાર્ડન કરી દેવાનો પરાર્મશ મગાયો છે.

રિઝર્વ પ્લોટમાં બંગલો પણ તે તોડવાની તસ્દી નહીં

   અમદાવાદ મ્યુનિ. દ્વારા ટીપી ૨૯ના અન્ય એક રિઝર્વ પ્લોટમાં બંગલા પ્રકારનું બાંધકામ કરી દેવાનું સામે આવ્યું છે પણ ઉત્તર પશ્ચિમ ઝોનના અધિકારીઓએ તે બાંધકામ પશ્ચિમ ઝોનમાં આવતું હોવાનું કહી હાથ ઊંચા કરી રહ્યાં છે.

Share :
Share :
source: સંદેશ.

Leave A Reply

Share :