પૂર્વ-પશ્ચિમમાં 131 કરોડના ખર્ચે બે ફ્લાય ઓવરબ્રિજ બનાવાશે

0

   વિધાનસભા ચૂંટણી ટાણે જ મ્યુનિ. ભાજપે પૂર્વ અને પશ્ચિમમાં ૧૩૧ કરોડનાં જંગી ખર્ચે બે ફલાય ઓવર બનાવવાની દરખાસ્ત ઉતાવળે મંજૂર કરી નાખી છે. તેમાં પૂર્વ માટે તો માનીતા કોન્ટ્રાકટરને કામ આપવા માટે સિંગલ ટેન્ડર પણ મંજૂર કરી દેવાતાં વિવાદ છેડાયો છે.

   મ્યુનિ. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠક બાદ ચેરમેન જતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, પૂર્વ વિસ્તારમાં અત્યારે હાટકેશ્વર સર્કલ અને બાપુનગર ચાર રસ્તા ખાતે ફલાય ઓવરની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે ત્યારે મેમ્કોથી ગુરૂજી બ્રિજ વાળા ૧૩૨ ફૂટનાં રોડ ઉપર અજીત મિલ જંકશન ખાતે ફોરલેન ફલાય ઓવર બનાવવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. તેમાં રણજીત બિલ્ડકોનનુ ૩૬.૩૯ ટકા ઊંચુ ટેન્ડર આવતાં તેમની સાથે વાટાઘાટો કરી ભાવ ઘટાડવા જણાવાતાં કોન્ટ્રાકટરે છેલ્લે ૨૨ ટકા ઊંચા ભાવે કામ કરવાની સંમતિ આપતાં તેમનુ ૫૦.૩૬ કરોડનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે.

   મ્યુનિ. ઇજનેર ખાતાનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર, અજીત મિલ જંકશન ખાતેનું ટેન્ડર મ્યુનિ.નાં અંદાજ કરતાં ૩૬ ટકા ઊંચુ આવે તે માન્યામાં આવે તેમ નથી. જો કોન્ટ્રાકટર સાચા હોય તો મ્યુનિ.નાં બ્રિજ પ્રોજેકટનાં અધિકારીઓ તથા કહેવાતા કન્સલ્ટન્ટની ગણતરી ખોટી પૂરવાર થાય છે. એટલુ જ નહિ આ કોન્ટ્રાકટરને મોડલ રોડમાં ડિફેકટ લાયેબિલીટી નિભાવવા રોડ પ્રોજેકટ ખાતાએ પત્ર પાઠવ્યો હતો અને તેમણે તે કામ કર્યુ કે નહિ તે જાણવા મળ્યું નથી.

   સૌથી મહત્વની વાત એ છે કે, રણજીત બિલ્ડકોન નામનાં કોન્ટ્રાકટર ભાજપનાં માનીતા છે અને છેક ગાંધીનગર સુધી વગ ધરાવે છે. આશ્ચર્યજનક રીતે પશ્ચિમનાં ફલાય ઓવર માટે વધુ ટેન્ડર આવે અને પૂર્વનાં ફલાયઓવર માટે એક જ ટેન્ડર આવે તે ગળે ઉતરે તેવી વાત નથી. અજીતમિલ જંકશનનાં ફલાય ઓવર માટે રણજીત બિલ્ડકોનનુ સિંગલ ટેન્ડર હોવા છતાં રિટેન્ડર કરવાને બદલે ભાજપ નેતાગીરીની સૂચનાથી નિયમો નેવે મુકી સિંગલ ટેન્ડર ચૂપચાપ મંજૂર કરી દેવાયુ છે. આ ટેન્ડર બાદ મ્યુનિ. બ્રિજ પ્રોજેકટ ખાતાએ ૬૩.૧૯ કરોડનો રિવાઇઝ અંદાજ મંજૂર કરાવ્યો છે.

   તેવી જ રીતે નવા પશ્ચિમ ઝોનમાં સોલા વિસ્તારમાં સીમ્સ હોસ્પિટલ રોડથી હેબતપુર જતાં રોડ ઉપર રેલ્વે લાઇનનાં ક્રોસિંગનાં કારણે ટ્રાફિકજામ તથા વાહનચાલકોને પડતી હાલાકીને ધ્યાને લઇ રેલ્વે ક્રોસિંગ ઉપર રેલ્વે ઓવરબ્રિજ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. તેમાં રાજકમલ નામનાં કોન્ટ્રાકટરે મ્યુનિ. બ્રિજ પ્રોજેકટ ખાતાના અંદાજ કરતાં ૧૯.૭૦ ટકા ઉંચા ભાવ ભર્યા હતા.

   વાતચીત બાદ કોન્ટ્રાકટરે એક ટકો ઓછો કરી આપતાં તેનાં ૫૯.૦૪ કરોડનાં ટેન્ડરને મંજૂરી આપવામાં આવી હતી. ઊંચા ભાવને પગલે બ્રિજ પ્રોજેકટ ખાતાને ૭૦.૮૯ કરોડનાં રિવાઇઝ અંદાજ મુકવાની ફરજ પડી હતી.

Share :
Share :
source: નવગુજરાત સમય.

Leave A Reply

Share :