જિલ્લામાં ગૌચરની 9. 53 લાખ ચોરસ મીટર જમીન પર દબાણ

0

   ગૌચરની જમીનમાં દબાણની સમસ્યાથી રાજ્યના દરેક જિલ્લાની જેમ ગાંધીનગર પણ બાકાત રહ્યું નથી. વસતી અને વિસ્તારની દષ્ટિએ સરખામણી કરવામાં આવે તો અહીં અમદાવાદ જિલ્લા કરતા પણ વધુ ગૌચરની જમીન દબાવી દેવામાં આવી છે. વિધાનસભા પ્રશ્નોત્તરીમાં રાજ્યના પંચાયત મંત્રીએ ગાંધીનગર જિલ્લામાં 9.53 લાખ ચોરસ મીટર ગૌચરની જમીન પર દબાણ થયાની સત્તાવાર માહિતી કપડવંજના ધારાસભ્ય કાળાભાઇ ડાભીના પ્રશ્નના જવાબમાં આપી છે.

દહેગામ તાલુકામાં સૌથી વધુ અને ગાંધીનગરમાં સૌથી ઓછા દબાણ

   તેમના જણાવ્યા પ્રમાણે જિલ્લામાં ચાર તાલુકા પૈકી દહેગામ તાલુકામાં સૌથી વધુ અને ગાંધીનગર તાલુકામાં સૌથી ઓછા દબાણ ગૌચરની જમીન પર થયા છે. જો કે મંત્રીએ જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષ દરમિયાન 3. 88 લાખ ચોરસ મીટર ગૌચરની જમીન પરના દબાણ ખસેડવામાં આવ્યા છે.

   મંત્રીએ જણાવ્યા પ્રમાણે જિલ્લામાં દહેગામ તાલુકામાં 4. 26 લાખ ચોરસ મીટર ગૌચરમાં, માણસા તાલુકામાં 1. 88 લાખ ચોરસ મીટર, કલોલ તાલુકામાં 1.74 લાખ ચોરસ મીટર અને ગાંધીનગર તાલુકામાં 1. 64 લાખ ચોરસ મીટર ગૌચર જમીન વિસ્તારમાં દબાણ થયેલા છે. વધુમાં જણાવ્યું છે કે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 105ની જોગવાઇ મુજબ ગૌચરની જમીન પરના દબાણ દુર કરવાની જવાબદારી ગ્રામ પંચાયતની છે. તેના કારણે જ સમયાંતરે જિલ્લા વિકાસ અધિકારી કક્ષાએથી સમયાંતરે આ મુદ્દે સમિક્ષા પણ કરવામાં આવે છે.

  દરમિયાન છેલ્લા વર્ષ 2016માં 1. 93 લાખ ચોરસ મીટર અને વર્ષ 2017માં 1.15 લાખ ચોરસ મીટર ગૌચર જમીન પર કરવામા આવેલા દબાણ દુર કરવામાં આવ્યા હતાં.

ગ્રામ પંચાયતોએ 63.67 કરોડ સામે 42.96 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો

   ગાંધીનગર જિલ્લામાં દહેગામ તાલુકાની 93 ગ્રામ પચાયતને છેલ્લા 3 વર્ષમાં 15.26 કરોડ, ગાંધીનગર તાલુકાની 73 પંચાયતને 20.43 કરોડ, કલોલ તાલુકાની 69 પંચાયતને 15.42 કરોડ અને માણસા તાલુકાની 67 ગ્રામ પંચાયતને 12.55 કરોડની ગ્રાન્ટ મળીને કુલ 63.67 કરોડની રકમ ફાળવવામાં આવી હતી. તેની સામે માત્ર 42.96 કરોડનો જ ખર્ચ કરવામાં આવ્યો હોવાનું પંચાયત મંત્રીએદહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોરના પ્રશ્નના જવાબમાં જણાવતા ઉમેર્યું છે કે દહેગામ તાલુકામાં 10.28 કરોડ, ગાંધીનગર તાલુકામાં 10.75 કરોડ, કલોલ તાલુકામાં 11.92 કરોડ અને માણસા તાલુકામાં 10 કરોડનો ખર્ચ કરાયો હતો.

Share :
Share :
source: દિવ્યભાસ્કર, ગાંધીનગર.

Leave A Reply

Share :