ચાંદખેડા-ઝુંડાલમાં ૧૦૦થી ૨૦૨ ચો.મી.ના પ્લોટોમાં શૂન્ય કપાત !

0

Plots

   રાજ્ય સરકારના ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન, ડા કે અન્ય સત્તામંડળો ટીપી સ્કીમના ડ્રાફ્ટ બનાવે તો નિયમ મુજબ, ૪૦ ટકા કપાતનું ધોરણ નિર્ધારિત કરવામાં આવ્યું છે પણ ટીપી સ્કીમ બનાવતી વેળાએ કેટલાંક હિતેચ્છુઓને સાચવવા માટે મનફાવે તેવા કપાતના ધોરણો અજમાવી કપાત લેવાય છે. સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લાગી રહ્યો છે.

   શહેરના ચાંદખેડા-ઝુંડાલની ટીપી સ્કીમ નંબર ૭૪માં મોટા પ્રમાણમાં સરકારે સંપાદિત કરેલી જમીનો આવેલી છે. સરકારે નર્મદા કેનાલના હેતુ માટે સંપાદિત કરેલી જમીનનો તે હેતુ માટે ઉપયોગ થયો નથી તો કેટલીક જમીનો ઓએનજીસી માટે સંપાદિત કરાયેલી છે. હવે મ્યુનિ.એ આ ટીપી સ્કીમમાં કપાતનું અજીબો-ગરીબ માપદંડ અમલી બનાવ્યો છે.

    મ્યુનિ. અને ટીપીઓએ આ ટીપી સ્કીમમાં ૯૯ ચો.મી. સુધીની જમીન હોય તો ૧૦૦ ટકા કપાત, ૧૦૦થી ૨૦૨ ચો.મી. સુધીની જમીન હોય તો જીરો કપાત જ્યારે ૨૦૨થી વધુ ચો.મી. જમીન હોય તો ૪૦ ટકા કપાત લેવાનું નક્કી કર્યું છે. આમ ક્યાંકને ક્યાંક કરોડો રૂપિયાની જમીનમાં જીરો કપાત કરી ગોઠવણ પાડવા માટે આ નીતિ લાગુ કરાઇ હોવાની ચર્ચા છે. અમદાવાદ મ્યુનિ.ના સૂત્રો જણાવે છે કે, ડાએ ચાંદખેડા-ઝુંડાલની ટીપી સ્કીમનો ડ્રાફ્ટ બનાવ્યો હતો. તા.૨૯-૧૨-૧૦ના રોજ ટીપી સ્કીમના ડાફ્ટને સરકારમાં મંજૂરી માટે મૂકવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે તા.૧૮-૯-૨૦૧૨ના રોજ ટીપી સ્કીમનો ડ્રાફ્ટ મંજૂર કર્યો હતો પછી ટીપીઓની નિમણૂક કરવામાં આવી હતી.

   ટીપી સ્કીમ નંબર ૭૪માં સરદાર સરોવર નિગમ દ્વારા નર્મદા કેનાલ માટે જમીન સંપાદન કરવામા આવી હતી અહીં ક્યારેય કેનાલની કામગીરી થઇ ન હતી જે હેતુ માટે જમીન સંપાદિત કરાઇ હતી તે હેતુ ક્યારેય ઉપયોગ થઇ શક્યો ન હતો હવે આ જમીન પરત મેળવવા માટે જમીનધારકો ધક્કા ખાઇ રહ્યાં છે.

   બીજી તરફ ટીપી સ્કીમ નંબર ૭૪માં સરદાર સરોવર નિગમ દ્વારા સંપાદિત કરાયેલી જમીનમાં ચાંદખેડાની ૧૪ હજાર ચો.મી. જમીન આવે છે તો ઝુંડાલ ગામની સીમની ૩૪ હજાર ચો.મી. જમીન આવે છે. હવે સરદાર સરોવર નિગમ દ્વારા જે જમીનો સંપાદિત કરવામાં આવી છે જેના લીધે કેટલીય જમીનોના નાના ટુકડા થઇ ગયા છે જેથી નાના પ્લોટમાં કેટલી કપાત લેવી તેની એક નીતિ બનાવી છે જેમાં ૧૦૦થી ૨૦૨ ચો.મી. જમીનમાં એક પણ ચો.મી. કપાત નહીં લેવાનો મ્યુનિ.-ટીપીઓએ નિર્ણય લીધો છે.

   હવે ચાંદખેડા-ઝુંડાલની ટીપી સ્કીમ નંબર ૭૪માં નાના પ્લોટમાં કપાત જીરો લેવાની નીતિ એકમાત્ર ટીપી સ્કીમ માટે કયા નિયમો હેઠળ બનાવવામાં આવી છે તે અંગે મ્યુનિ.ના ટાઉન પ્લાનિંગ ખાતા દ્વારા કોઇ ચોખવટ કરવામાં આવતી નથી પણ એવું કહેવાય છે કે, કેટલાંક પ્લોટમાં કપાત છોડી દેવાઇ છે જ્યારે સંપાદિત કરાયેલી જમીનમાં ૪૦ ટકા કપાત લેવાઇ છે. આ પ્રકારની નીતિ અન્ય ટીપી સ્કીમોમાં લાગુ પડી શકે કેમ તે અંગે મ્યુનિ.ના ટાઉન પ્લાનરો ચોખવટ કરી રહ્યાં નથી.

   ઉલ્લેખનીય છે કે, ચાંદખેડા અને ઝુંડાલની ટીપી સ્કીમ નંબર ૭૪માં મોટાભાગની જમીનોનો વિકાસ થઇ ચૂક્યો છે. અમદાવાદ મ્યુનિ.એ ચૂપચાપ એક પ્લોટનો અદલો બદલો પણ કર્યો છે. આ ટીપી સ્કીમ નંબરમાં એક ફાઇનલ પ્લોટને ખસેડી બારોબાર બીઆરટીએસવાળા મુખ્ય રોડ ઉપર ખસેડાયો છે જેનો હેતુ પાણીના સમ્પ માટેનો કહેવાયો છે પણ વાસ્તવિકતા એ છે કે, જ્યારે જુનો પ્લોટ રિઝર્વ હતો તે પ્લોટને ખસેડવા માટે ગોઠવણ પાડવામાં આવી છે સાથે કેટલીક નવી સોસાયટીઓને જલદીથી પાણીની સુવિધા મળે તે માટે  માટે ફાઇનલ પ્લોટને રિઝર્વ કરી મુખ્ય રોડ ઉપર ખસેડાયો છે જેને લઇને વિવાદ ઉભા થાય તેમ છે.

હવે બધી ટીપી સ્કીમોમાં ૧૦૦ થી ૨૦૨ ચો.મી.ના પ્લોટમાં જીરો કપાત થઇ શકે !

   અમદાવાદ મ્યુનિ.ના ટાઉન પ્લાનિંગ ખાતા દ્વારા ચાર વર્ષ પહેલાં એક વિવાદાસ્પદ પરિપત્ર કર્યો હતો. મ્યુનિ.એ પરિપત્ર કરી ટીપી સ્કીમોમાં ૫૦૦ ચો.મી.થી નાના પ્લોટ હોય તેવા સંજોગોમાં કપાત નહીં લેવાનું નક્કી કર્યું હતું જેમાં ૫૦૦ ચો.મી.થી નાના પ્લોટમાં જેટલી કપાત જતી હોય તે જમીનના બદલામાં જંત્રી આધારે રૂપિયા વસુલાત કરવાનું ઠેરવ્યું હતુ એક વર્ષ માટે અમલી બનાવેલા પરિપત્રમાં કેટલાક મળતિયાને જંત્રી આધારે રૂપિયા લઇ કપાત છોડવાનો ખેલ થયો હતો. જોકે, હવે ટીપી સ્કીમ નંબર ૭૪માં તો ૧૦૦થી ૨૦૨ ચો.મી. સુધીના પ્લોટમાં જીરો કપાત કરવાનો નિર્ણય લેવાયો છે જે અગામી દિવસોમાં અન્ય ટીપી સ્કીમોમાં લાગુ કરવો પડશે એક ટીપી માટે આવો નિર્ણય લઇ શકાય નહીં તેવું સૂત્રો જણાવે છે.

Share :
Share :
source: સંદેશ.

Leave A Reply

Share :