ગુલબાઇ ટેકરાની ઝુંપડપટ્ટીની જગ્યાએ પાકા મકાનનો વિવાદ

0

   શહેરનાં વિવિધ વિસ્તારમાં આવેલી ઝુંપડપટ્ટીઓનાં પુન:વસનની યોજનામાં અનેક પ્રકારે ગેરરીતિ આચરવામાં આવતાં હોવાનાં આક્ષેપો વચ્ચે ગુલબાઇ ટેકરાની ઝુંપડપટ્ટીની જગ્યાએ પાકા મકાન બનાવવા માટે ભાજપનાં એક ધારાસભ્યનો આગ્રહ મ્યુનિ.તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે.

   પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરોની ઝુંપડપટ્ટીઓથી દેશવિદેશમાં પ્રતિષ્ઠા ખરડાતી હોવાનાં નામે તેમજ શહેરી ગરીબોનુ જીવન ધોરણ ઉંચુ લાવવાનો ઉમદા હેતુ દર્શાવી રાજય સરકારની સૂચનાથી મહાનગરપાલિકાઓમાં ઝુંપડા ત્યાં પાકા મકાન બનાવી આપવાની યોજના અમલમાં મુકવામાં આવી હતી. તેમાં સૌપ્રથમ યોજના અમલમાં મુકાઇ તેમાં મહાનગરપાલિકાઓને જંગી નાણાંકીય નુકશાન થતુ હોવાથી તેમાં પાછળથી સુધારા કરી નવેસરથી યોજના અમલમાં મુકવામાં આવી છે.

બીજી બાજુ ઝુંપડપટ્ટીની જગ્યાએ પાકા મકાન બનાવવામાં અનેક પ્રકારે અડચણો આવતી હોય છે. ઝુંપડપટ્ટીમાં રહેતાં લોકો એક મકાનની જગ્યાએ બે કે તેનાથી વધુ મકાનની માંગણી કરતાં હોય છે એટલુ જ નહિ કેટલીય જગ્યાએ પાકા મકાન મળવાની જાણ થતા જ કેટલાક લોકો વધારાનાં ઝુંપડા બનાવી મ્યુનિ. પાસે પાકા મકાનની માંગણી કરે છે. તેનાં પગલે અનેક જાતનાં વિખવાદ અને કોર્ટ કેસ થઇ રહયાં છે.

નવી યોજનામાં સાત માળ અને તેનાથી વધુ ઉંચાઇનાં મકાન બનાવી શકાય છે. તેથી મ્યુનિ.ને બહુ નુકશાન વેઠવુ પડતુ નથી તેવી માહિતી આપતાં સૂત્રોએ કહયુ કે, પશ્ચિમ ઝોનમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી ગુલબાઇ ટેકરાની ઝુંપડપટ્ટીનાં પુન:વસન માટે પણ અગાઉ જુની યોજના અંતર્ગત કામ કરવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ ત્યાં પણ અગાઉ ઓઢવમાં મકાનો ફાળવી દીધેલાં લોકો પરત આવી રહેતાં હોવાથી અને નવા ઝુંપડા બની ગયાં હોવાથી કેટલા કાચા-પાકા મકાન ગણવાં તેનો પ્રશ્ન સર્જાયો હતો અને ત્યાંનાં રહીશોએ સર્વે કરવા જનારાને ધમકીઓ આપી હોવાનુ પણ મ્યુનિ. અધિકારીઓ કહી રહયાં છે.

    કોર્ટ મેટર પણ થઇ હોવાનુ જાણવા મળ્યુ છે. આવા અનેક કારણોસર મ્યુનિ. સત્તાધીશોએ પણ ગુલબાઇ ટેકરાની ઝુંપડપટ્ટી ડેવલપમેન્ટનુ કામ પડતુ મુકી દીધું હતું.જોકે ગુલબાઇ ટેકરાની ઝુંપડપટ્ટીનાં પુન:વસન માટે જુની યોજનામાં બહુ મોટો ફાયદો થતો હોવાથી બિલ્ડર આ યોજનાનો અમલ થાય તે માટે હવાતિયા મારી રહયાં છે. ત્યારબાદ ભાજપનાં એક ધારાસભ્યે બિલ્ડરને કામ અપાવી દેવાનુ બીડુ ઝડપ્યુ હતુ અને યોજના અમલમાં મુકવા દબાણ શરૂ કર્યુ હતું. પરંતુ ગુલબાઇ ટેકરાની ઝુંપડપટ્ટીને હવે જુની યોજના અંતર્ગત પુન:વસન કરવા માટે હાથ ઉપર લેવામાં આવે તો મ્યુનિ. તિજોરીને ૧૦૦ કરોડ જેટલુ જંગી આર્થિક નુકશાન વેઠવુ પડે તેમ છે.તેમ છતાં ધારાસભ્યે તેમનાં પ્રયાસો પડતા મુક્યા નહોતા અને ઉચ્ચ અધિકારીઓને આ યોજના કયારે સાકાર થશે તેવો સવાલ કર્યો હતો. તેનાં જવાબમાં ઉચ્ચ અધિકારીઓએ આટલી બધી મિટીંગો થઇ છે, લોકો કાયદેસરનાં ડોકયુમેન્ટ જ આપતા નથી અને ઉપરથી ચાર પાંચ મકાન માંગે છે, કોર્ટ કેસ પણ થઇ ગયો છે તેવો જવાબ આપતાં હવે આ જુની યોજના અમલમાં મુકી શકાય તેમ જ નથી અને તેને રદ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ ચૂકી છે અને નવેસરથી નવી યોજના અંતર્ગત ટેન્ડર બહાર પાડવા વિચારાશે તેવો જવાબ આપી દેતાં ધારાસભ્યની બોલતી બંધ થઇ ગઇ હતી. ઝુંપડપટ્ટીની જગ્યાએ પાકા મકાનની યોજના જુની સ્કીમ મુજબ અમલી બને તેવા ભાજપી ધારાસભ્યનાં આગ્રહ તથા પ્રયાસો અંગે જાતજાતની ચર્ચા મ્યુનિ. વર્તુળોમાં ચાલી રહી છે.

Share :
Share :
source: નવગુજરાત સમય.

Leave A Reply

Share :