અપ્રમાણસર સંપત્તિ કેસ : જમીન વિકાસ નિગમના MD દેત્રોજાની જામીનઅરજી રદ

0

   જમીન વિકાસ નિગમના એમડી કનૈયાલાલ દેત્રોજાએ કરેલી રેગ્યુલર જામીન અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી છે. ઉપરાંત, દેત્રોજાએ બીજા કેસમાં સરન્ડર થવા કરેલી અરજી પણ ગાંધીનગર સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, કોર્ટ સમક્ષ સરન્ડર અરજી કરવામાં આવે ત્યારે આરોપીની હાજરી જરૂરી છે પરંતુ આરોપીની હાજરી વગર જ આ અરજી કરવામાં આવી છે તેથી તે ગ્રાહ્ય રાખી શકાય નહીં.

   એસીબીએ એપ્રિલ મહિનામાં જમીન વિકાસ નિગમની ઓફિસમાં સર્ચ કરી અર્ધો કરોડની રોકડ કબજે કરી હતી. એસીબીએએ એમડી કનૈયાલાલ દેત્રોજા, જોઈન્ટ ડાયરેક્ટર કે.સી. પરમાર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર એમ.કે. દેસાઈ અને ફિલ્ડ સુપરવાઈઝર એસ.એમ. વાઘેલા સામે ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ એમડી કે.એસ. દેત્રોજાને પોલીસે ઝડપી તેમના રિમાન્ડ મેળવ્યા હતા. જેમાં તેમની કરોડોની બેનામી મિલકત શોધી કાઢી હતી.

   આ દરમિયાન આરોપીએ નિર્દોષ હોવાનો મુદ્દો ઉભો કરી રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેની સામે સરકારે એવી દલીલ કરી હતી કે, ગંભીર પ્રકારનો ગુનો છે, આરોપી જ પૈસા લેતો હતો અને કરોડોની મિલકત પણ મળી આવી છે , તપાસ દરમિયાન આરોપી દ્વારા અમદાવાદ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, મહેસાણા જેવા રાજ્યના છ શહેરોમાં મકાન, કોમર્શિયલ દુકાનો, પેટ્રોલ પમ્પ, ફાર્મ હાઉસ, હાઈવે હોટલ, ફ્લેટ, ખેતીની જમીન વગેરે સ્થાવર મિલકતમાં નામી અને બેનામી મોટું રોકાણ કર્યાના દસ્તાવેજી પુરાવા મળ્યાં છે. તેમની પત્નીના નામે અલગ-અલગ બેન્ક એકાઉન્ટ્સમાં એક કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન મળ્યાં છે ત્યારે આવા આરોપીને જામીન ન આપી શકાય. ઉપરાંત, આરોપી સામે નોંધાયેલા બીજા કેસમાં સરન્ડર થવા માટે પણ અરજી કરી હતી. કોર્ટે બન્ને અરજી ફગાવી દીધી છે. .

Share :
Share :
source: નવગુજરાત સમય.

Leave A Reply

Share :