અંકુર-પલ્લવ ચાર રસ્તા સુધીના દબાણોનો સફાયો

0

  શહેરમાં ફરી હાથ ધરાયેલી દબાણ હટાવ ઝુંબેશમાં સરખેજ-સાણંદ હાઇવે ઉપર આવેલી મોતીમહલ હોટલ પર તોડવાની કામગીરી ચાલી રહી છે. તો નારણપુરા અંકુર અને પલ્લવ ચાર રસ્તા વિસ્તારમાં અસંખ્ય દબાણો હટાવવામાં આવ્યા હતા.

   પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરમાં દોઢેક મહિનાનાં સમયગાળા બાદ મ્યુનિ.તંત્ર દ્વારા ફરી દબાણ હટાવ ઝુંબેશ આદરવામાં આવી છે. જેમાં નવા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સરખેજ સાણંદ હાઇવે ઉપર સાબર હોટલ સામે આવેલી મોતીમહેલ હોટલને પણ નોટિસ ફટકારવામાં આવતાં તેનાં માલિકે જાતે જ માલસામાન કાઢીને તોડવાની શરૂઆત કરી હોવાનું ડે.એસ્ટેટ ઓફિસર ચૈતન્યભાઇ શાહે જણાવ્યું હતું. આ ઉપરાંત સાણંદ-સરખેજ હાઇવે ટીપી રોડમાં ૩ ગોડાઉન અને ૧૩ છાપરા તોડી પાડવામાં આવ્યા હતા. જ્યારે જોધપુર ચાર રસ્તા પાસે ઇન્દિરા પાર્ક સોસાયટીમાં ગેરકાયદે બાંધકામ તોડવાની સાથે સાથે જાહેર માર્ગો ઉપરથી ૨૩ નંગ જુદા જુદા પ્રકારનાં દબાણો ઉપાડી લેવાયાં હતા.

   જ્યારે પશ્ચિમ ઝોનમાં અંકુર ચાર રસ્તા અને પલ્લવ ચાર રસ્તા વિસ્તારમાં એક પાકી દુકાન તોડી પાડવામાં આવી હતી અને ૬૪ જેટલાં શેડ, ૪૧ ઓટલા, બે સીડી, ૨૩ ક્રોસવોલ હટાવીને એક ગલ્લો તથા ચાર લારી ઉપાડી લેવાઇ હતી તેમ ડે.કમિશનર આર્જવ શાહે જણાવ્યું હતું.

   મધ્ય ઝોનમાં મેઘાણીનગર વિસ્તારમાં ફોરેન્સિક લેબોરેટરીથી કલાપીનગર સુધીનાં રોડ ઉપરથી ૫૦ ઓટલા, ૧૫ શેડ, ૩૦ ક્રોસવોલ અને બે પાકા બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. જ્યારે ૧૯ લારીઓ સહિત ૧૭૧ નંગ જુદા જુદા પ્રકારનો સામાન ઉપાડી દબાણનાં ગોડાઉનમાં જમા કરાવાયો હતો તેમ ડે.એસ્ટેટ ઓફિસર રમેશભાઇ દેસાઇએ જણાવ્યું હતું..

   આ સિવાય પૂર્વ વિસ્તારમાં આવેલા ઉત્તર ઝોનમાં નરોડા વોર્ડમાં શેલ્બી હોસ્પિટલ રોડ ઉપરનાં દબાણો, દક્ષિણ ઝોનમાં નારોલ જંકશનથી જશોદાનગર ચાર રસ્તા સુધીનાં લારીગલ્લા વગેરે પ્રકારનાં દબાણો, પૂર્વ ઝોનમાં ગેરકાયદે બાંધકામ તોડવાની સાથે દેવકૃપા રિંગરોડથી વિંઝોલ ગામ તરફનાં રોડ ઉપરથી દબાણો હટાવવામાં આવ્યા હતા. નવા ઉત્તર પશ્ચિમ ઝોનમાં એસ.જી.હાઇવે ઉપરથી દબાણો હટાવાયા હતા.

Share :
Share :
source: સંદેશ.

Leave A Reply

Share :