હોમલોનના ફિક્સ-ફ્લોટિંગની ગેમ!

0

     હોમ લોન લેનારાઓને ઘણીવાર એવું લાગતું હશે કે જ્યારે રિઝર્વ બેન્ક વ્યાજ દરોમાં ઘટાડો કરે છે ત્યારે તે તેમની ફ્લોટીંગ વ્યાજ દર વાળી લોનો માટે એટલા ઝડપથી અને એટલા પ્રમાણમાં ઘટતા નથી પણ જ્યારે વ્યાજદરો વધારવામાં આવે છે ત્યારે તરત જ બેન્કનો કાગળ આવી જાય છે કે વ્યાજ દરોમાં આરબીઆઇની પોલિસીના પગલે બેન્ક મેનેજમેન્ટે વદારો કર્યો છે અને તે તાકીદે અમલમાં આવશે.બેન્કો લોનો બે પ્રકારના વ્યાજદરોએ આપતી હોય છે,એક ફીક્ષ અને બે ફ્લોટીંગ.ફીક્ષ દરોમાં લોનની સમગ્ર અવધિ દરમિયાન જે વ્યાજ દર લોન લેતી વખતે નક્કી કરાયો હોય તે જ દરે વ્યાજ લેવાય છે જ્યારે ફ્લોટીંગ રેટમાં બજારમાં ખાસ કરીને આરબીઆઇના પોલિસી રેટના આધારે થતાં ફેરફારોના હિસાબે બદલાયેલા દરે વ્યાજ વસુલાતુ હોય છે.આમ વ્યાજ દરો ઘટે તો લોન લેનારા પર ભારણ ઓછું થતું હોય છે અને વધે તો બોજો વધતો હોય છે.

    તાજેતરમાં બેન્કો પર આરબીઆઇનું બહુ દબાણ આવ્યું ત્યારે કેટલીક બેન્કોએ  વ્યાજ દરોમાં 15 બેસીસ પોઇન્ટ એટલે કે 0.15 ટકાનો તો અન્ય કેટલીકે 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો.જોકે રિઝર્વ બેન્કે તો 2015માં ત્રણ વાર 0.25 ટકાના પ્રમાણમાં વ્યાજ દરો ઘટાડ્યાં હતા.અનેક સરકારી બેન્કો તો આવા વધારા ઘટાડાની જાણ અને તે લોનની બાકીની મુદતમાં બાકીની રકમ પર કેવી અસર કરશે તે જણાવવાની તમા જ કરતી નથી.

     ઘણી બેન્કો તો તેમણે આપેલી લોનો રિઝર્વ બેન્કના કડક કાયદા-કાનૂનથી બચવા તેમની સહયોગી હોમ લોન કે ફાઇનાન્સ કંપનીઓને આપી દેતી હોય છે અને ગ્રાહકોએ આવી સબસીડીઅરી કંપનીઓ સાથે લમણા લેવા પડે છે.બેન્કોએ હવે તેમના બેઝ રેટને તમામ લોન પ્રોડક્ટ્સ પરના વ્યાજ નક્કી કરવા માટે બેન્ચ માર્ક ગણવો પડે છે. પૂર્વે આવા હેતુસર તેઓ બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડીંગ રેટ (બીપીએલઆર)ને બેન્ચમાર્ક ગણતી હતી.બેન્કોએ આ બીપીએલઆરનો એટલો દૂરૃપયોગ કર્યો કે રિઝર્વ બેન્કે એપ્રિલ 2010માં ફતવો બહાર પાડી બેન્કોને ફરજ પાડી કે તેમણે ફરજિયાતપણે બેઝરેટનો જ બેન્ચમાર્ક તરીકે ઉપયોગ કરવો.

     જોકે આમાંથી પણ બેન્કોએ છટકબારી શોધી કાઢી છે. હોમ ફાઇનાન્સ કંપનીઓ તેમના હોમલોનના વ્યાજદરોને બેઝ રેટ સાથે લીંક કરવા બંધાયેલી નથી એવી દલીલ કરીને  તેમણે હોમ લોન્સના વ્યજદરો તેમના પોતાના બીપીએલઆર સાથે જ સાંકળી ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનું ચાલુ રાખ્યું.ધણી બેન્કો તેમની ભગિની હોમ ફાઇનાન્સ કંપનીઓને લોનો પાસ ઓન કરીને બેઝ રેટ સાથે સાંકળેલી લોનની જફામાંથી છૂટકારો મેળવી લેતી હોય છે અને તેમના પૂરેપૂરા નિયંત્રણ હેઠળના બેન્ચમાર્કને જ વળગી રહેતી હોય છે.

     નસીબની બલિહારી છે કે છેલ્લા પાંચ વર્ષમાં બેન્ક ગમે તે વ્યવસ્થા અપનાવે અને બેઝરેટ કે બીપીએલઆર મુજબ ગણત્રી કરે છૂટક -રિટેલ ગ્રાહકોને તો રેટ ઘટવાના ફાયદાઓથી મહદ અંશે વંચિત જ રખાયા છે. ઘણી એનબીએફસીઓ અને હોમ લોન કંપનીઓએ તો તેમના પ્રાઇમ લેન્ડીંગ રેટ 2011 પછી બદલાવ્યા નથી અને આમાંના મોટાભાગનાના પીએલઆર 14.25 ટકાથી વધુ જ છે.તેમની રેન્જ 14થી 21 ટકા જેવી અમુક વેબસાઇટો પર જણાય છે.

     બેન્કોના બેઝ રેટની વાત કરીએ તો સૌથી ઊંચો 11.50 ટકાનો ધનલક્ષ્મી બેન્કનો અને સૌથી ઓછો 9.35નો સીટી બેન્કનો છે.ચારેય અગ્રણી ફોરેન બેન્કોના 9.35 ટકાથી 9.65 ટકાના બેઝ રેટ માટે વિદેશોના નીચા વ્યાજદરના કારણને પણ નજર સમક્ષ રાખવું ઘટે.સરકારી બેન્કોમાં સ્ટેટ બેન્કઓફ ઇન્ડિયાનો સૌથી નીચો 9.70 ટકાનો બેઝ રેટ છે અને તે જ સ્તરે ખાનગી ક્ષેત્રની આઇસીઆઇસીઆઇ બેન્કનો દર પણ છે.સરકારી બેન્કોમાં સવાદશ ટકાના બેઝ રેટ સાથે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા આવે છે.આમ હોમ લોન પરના વ્યાજ જેવા સેન્સીટીવ નિર્ણયો લેતા પહેલા સાવચેતી રાખી બને ત્યાં સુધી બેન્કની લોન જ રાખવી તેમની ભગિની સંસ્થાઓને દૂર રાખવામાં જ સાર ગણાય. ફિક્સ્ડ રેટ હોય તેથી પણ હરખાઇ જવાની જરૂર નથી. તેમાં પણ છીંડા પાડેલા જ હોય છે!

Share :
Share :

Leave A Reply

Share :