હાઉસીંગ લોનઃ સહેલાઈથી લોન મેળવવી છે? તો ચોક્કસ જ રાખશો આટલી તૈયારી

0

8

       આજ-કાલ જમીન મિલકતોના ભાવો એટલા આસમાને પહોંચી ગયા છે કે તે વસાવવા માટેનું બજેટ બનાવવું ખુબ જ અઘરૂ પડે છે. પોતાની કમાણીમાંથી બચત કરતાં કરતાં જ્યારે મિલકત વસાવવાનો સમય આવે ત્યારે મિલકતના ભાવો ૪ થી ૫ ગણા વધી ગયા હોય છે. આથી બચત કરીને મિલકત વસાવવી એ ખુબ જ કપરૂ કામ છે. મિલકતના ભાવો જે પ્રામાણમાં વધે છે તે પ્રમાણે વ્યકિતની આવક કે પગાર વધતો નથી. આથી મિલકત વસાવવા માટે ફરજીયાત પણે લોન લેવી પડે છે. અને વધુમાં એવા લોકો કે જેમની ધંધાની આવક ઘણી બધી છે પરંતુ ઈન્કમટેક્ષ ન ભરેલ હોય તો તે પ્રમાણે પણ લોનનો સહારો લેવો પડતો હોય છે.

૧. લોનથી મિલકત ખરીદવાથી શું ફાયદો?

 • બચત કરેલ રકમ વત્તા પુરતી રકમની લોન લઈને મિલકત વસાવી શકાય છે. કારણ કે સામાન્ય સંજોગોમાં મિલકતની પૂરેપુરી રકમ ભેગી થવાની નથી અને મિલકત ખરીદી શકાતી નથી.
 • જેટલી રકમની લોન લેવામાં આવે છે તેટલી જ રકમ બેંકને હપ્તે ભરવાની હોય છે. વધારામાં તેનું વ્યાજ ભરવાનું હોય છે પરતું વ્યાજનો જે દર હોય છે તેના કરતાં આપણે ખરીદેલ મિલકતનો ભાવ વધારો અનેક ગણો અને ઝડપથી વધતો હોય છે.
 • બેંકને માત્ર હપ્તામાં જ રસ હોય છે. પરંતુ આપણી પૂરેપુરી લોન ભરપાઈ થશે ત્યારે આપણી મિલકતની કિંમત અનેક ગણી થઈ ગઈ હશે.
 • જો નોકરીયાત માણસ પાસે પોતાનું ઘર હોય અને તે લોનથી મકાન ખરીદવા ઈચ્છતો હોય તો તે લોનવાળું મકાન અન્યને ભાડેથી આપીને હપ્તાના ૫૦% પોતાની આવકમાંથી અને ૫૦% ભાડામાંથી ભરપાઈ કરીને લોનમાંથી સહેલાઈથી મુકત થઈ શકે છે.
 • જ્યારે લોન લેવામાં આવે છે તે સમયે બેંક વ્યકિતના પગારને આધારે લોન આપે છે. પરતું જેમ જેમ સમય વિતતો જાય તેમ તેમ વ્યકિતનો પગાર વધવાથી તેને બે કે ત્રણ વર્ષ પછી હપ્તા ભરવાનું ખુબ સરળ અને સહેલું બની જાય છે.
 • ૧૦ વર્ષ બાદ (આગલા મકાનની લોન ભરપાઈ થઈ ગયા બાદ) પોતાનુ મકાન વત્તા લોનથી લીધેલ મકાનના આધારે તે ફરી અન્ય મકાન માટે લોન લે છે. ત્યારે તેણે પોતાની આવકમાંથી કોઈ હપ્તો ભરવાનો રહેતો નથી કારણ કે પ્રથમ લોનવાળું મકાન તથા બીજી વખતના લોનવાળા મકાનના ભાડાની આવકમાંથી લોનના હપ્તા સહેલાઈથી ભરપાઈ થઈ જશે.
 • લોન ૧૦ વર્ષની મુદ્દત માટે જ લેવી જોઈએ તો જ તેનું વ્યાજ ઓછું લાગશે અને સહેલાઈથી ભરપાઈ થઈ શકશે. અન્યથા લાંબી મુદ્દતની લોનમાં મુદ્દલ કરતાં વ્યાજ વધુ કપાતું રહેશે અને એને લીધે લોન કરતાં જ ઘણી રકમ ભરવાની આવશે.
 • જ્યારે વ્યકિતની આવક બેંકમાં નિયમો પ્રમાણે અપુરતી લાગતી હોય તો સહ અરજદાર તરીકે પત્નીનું નામ, પુત્રનું નામ કે પિતા કે પતિનું નામ જોડી શકાય છે કે જેઓની પણ આવક ચાલું હોય.
 • ૪૫ વર્ષથી વધુ ઉંમરની વ્યકિતના કિસ્સામાં તેની નોકરીના બાકી વર્ષો કે સીનીયર સીટીઝનની ઉંમર (૬૦ વર્ષ) ધ્યાનમાં રાખીને લોનની રકમ અને મુદ્દત નક્કી કરવામાં આવે છે.

(એ) પગારદાર વ્યકિતઓ માટે લોનના જરૂરી પેપર્સઃ

 1. છેલ્લા ૩ મહિનાની પગાર સ્લીપ.
 2. ફોર્મ નં. ૧૬.
 3. છેલ્લા બે વર્ષનું ઈન્કમટેક્ષ રીટર્ન (રીટર્ન એકી સાથે ભરેલા હોવા ન જોઈએ, બે રીટર્ન વચ્ચે ઓછામાં ઓછો ૬ માસનો સમયગાળો હોવો જોઈએ).
 4. જો પી.એફ. કપાતું હોય તો પી.એફ. સ્ટેટમેન્ટ.
 5. ઓળખના પુરાવા તરીકેઃ પાનકાર્ડ / ડ્રાઈવિંગ લાઈસન્સ / મતદાર કાર્ડ / પાસપોર્ટ.
 6. એડ્રેસ પુરાવા માટેઃ લાઈટબીલ / ટેલીફોનબીલ / ગેસબીલ.
 7. જે બેંકમાં પગાર જમા થતો હોય તે ખાતાની ૧ વર્ષની પાસબુક અથવા સ્ટેટમેન્ટની નકલ.
 8. પાસપોર્ટ સાઈઝના બે ફોટા.
 9. તમે જ્યાં રહેતા હોય તે મકાનના વેરાબીલની રસીદ.

(બી) બિઝનેસમેન માટે (ધંધાદારી વ્યકિત માટે) રજુ કરવાના પેપર્સઃ

 • છેલ્લા ૩ વર્ષના ઈન્કમટેક્ષના રીટર્નની નકલ.
 • છેલ્લા ૩ વર્ષના એસેસમેન્ટ ઓર્ડરની નકલ.
 • ચાલું વર્ષના એડવાન્સ ટેક્ષ ભર્યાની પાવતી.
 • જો ભાગીદારી પેઢી હોય તો તેનું રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ / ભાગીદારી કરાર.
 • ઓળખના પુરાવા તરીકેઃ પાનકાર્ડ/ડ્રાઈવિંગ લાઈસન્સ / મતદાર કાર્ડ / પાસપોર્ટ.
 • એડ્રેસ પુરાવા માટેઃ લાઈટબીલ / ટેલીફોનબીલ / ગેસ બીલ.
 • ધંધાના સ્થળનો પુરાવોઃ ગુમાસ્તા ધારા લાઈસન્સ.
 • ૬ મહિનાના બેંક સ્ટેટમેન્ટની નકલ (પર્સનલ તથા ધંધાકિય).
 • બે પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ.
 • મકાન વેરાની પાવતી.
 • રોકાણ ઈન્વેસ્ટમેન્ટની વિગત / કે.વી.પી., શેર, ફીકસ ડીપોઝીટ મિલકત વિગેરે…

(સી) એસ્ટેટ/ જમીન માટે રજુ કરવાના પેપર્સઃ

 • જો નોકરીયાત હોય તો છેલ્લા મહિનાની પગાર સ્લીપ.
 • છેલ્લા વર્ષનું ઈન્કમટેક્ષ રીટર્ન.
 • ઓળખના પુરાવા તરીકેઃ પાનકાર્ડ / ડ્રાઈવિંગ લાઈસન્સ / મતદાર કાર્ડ / પાસપોર્ટ.
 • એડ્રેસ પુરાવા માટેઃ લાઈટબીલ / ટેલીફોનબીલ / ગેસબીલ.
 • પાસપોર્ટ સાઈઝના બે ફોટા.
 • મકાન વેરાની રસીદ.
 • જી.પી.એફ. સ્ટેટમેન્ટ; જો હોય તો.

(ડી) બેંકના માન્ય એડ્‌વોકેટ પાસેથી ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ મેળવવાનું રહેશે તથા ટાઈટલ માટેના જરૂરી કાગળો રજુ કરવાનાં રહેશે જેમ કે ખરીદવા ધારેલ જે તે મિલકતની ૭/૧૨, પ્લાન પાસની કોપી, રજા ચીઠ્ઠી (વિકાસ પરવાનગી), બિનખેતીના હુકમની નકલ, અગાઉના માલિકનો તેમની માલિકી અંગેનો પુરાવો…

(ઈ) રી-સેલમાં મકાન ખરીદવા માટે વધારાનાં કાગળો તરીકે વેલ્યુઅર પાસેથી વેલ્યુએશન સર્ટીફિકેટ અને સરકાર માન્ય આર્કિટેકટ પાસેથી સ્ટ્રકચરલ સ્ટેબીલીટી રીપોર્ટ

(એફ) માળ વધારાના (એકસટેન્શન) રીપેરીંગ કામ, બાંધકામ માટે લોન લેવાની હોય તો અથવા પોતાના પ્લોટ પર બાંધકામ કરવાનું હોય તોઃ

 • કોર્પોરેશન/સુડાનો મંજુર પ્લાન/બિનખેતીનો હુકમ.
 • બાંધકામ માટેની રજા ચીઠ્ઠી/વિકાસ પરવાનગી.
 • બાંધકામ ખર્ચના વિગતવાર એસ્ટીમેઈટ.
 • જેની પાસેથી બાંધકામ કરાવવાનું હોય તેની સાથેનો બાંધકામ કરાર.

(જી) પ્લોટ ખરીદવાનો હોય અને તેની ઉપર બાંધકામ કરવાનું હોય તોઃ

 • ઉપર મુજબના કાગળો વત્તા જેની પાસેથી પ્લોટ ખરીદવાનો છે તેની સાથેનો મિલકતની કિંમતનો સાટાખત, જેની પાસે બાંધકામ કરાવવાના છે તેની સાથેનો વિગતવાર બાંધકામનો કરાર.

૨. અરજી પત્રકમાં ભરવાની વિગતોઃ

(એ) જનરલઃ અરજી પત્રકમાં ઘણી બધી વિગતો ભરવાની હોય છે તો તે ધ્યાનમાં રાખીને બધી માહિતી / વિગત કાગળો સહિત તૈયાર કરી રાખવી જેથી સમયનો બગાડ ન થાય અને ફરી-ફરી ધક્કા ખાવા ન પડે.

 1. આખું નામઃ- અટક સાથે.
 2. ઘરનું એડ્રેસઃ- હાલનું અને કાયમી, પીનકોડ નંબર તથા ઘરનો ફોન નંબર, મોબાઈલ નંબર.
 3. ઓફિસ એડ્રેસ :- ઉપર મુજબની માહિતી.
 4. જન્મ તારીખ.
 5. કવોલીફીકેશન : ભણતર.
 6. ધંધો : ધંધાની વિગત / માહિતી / કેટલા વર્ષથી.
 7. રીટાયર્ડમેન્ટ તારીખઃ
 8. જે બેંકમાં ખાતું હોય તે બેંકનું નામ, શાખા, ખાતાની વિગત, ખાતા નંબર.
 9. વાર્ષિક તથા માસિક આવક (પુરાવા સહિતની)
 10. પાનકાર્ડ નંબર.
 11. હાલની તમારી મિલકતની વિગત.
 12. વાહનની વિગતઃ ફોર વ્હીલર / ટુ વ્હીલર.
 13. શેર, ડિબેન્ચરની વિગત, સોના-ચાંદીના દાગીનાની વિગત અને કિંમત.
 14. એલ.આઈ.સી. કે અન્ય કોઈ પોલીસી હોય તો તેની વિગત.
 15. પરણીત છો કે કુંવારા.
 16. રેસીડેન્ટ કે નોન રેસીડેન્ટ છો?
 17.  કોની પાસેથી મિલકત લેવાના છો? હાઉસીંગ સોસાયટી, પ્રાઈવેટ બિલ્ડર કે કો.ઓ. સોસાયટી.
 18. લોનની રકમ નક્કી કરવા માટે .
  • મિલકતની જમીનની કિંમત.
  • બાંધકામની કિંમત.
  • સુવિધાના ચાર્જીસઃ ડ્રેનેજ, રસ્તા, પાણી, મિટર, વિગેરેના.
  • જો ફલેટ કે મકાન હોય તો તેની કિંમત.
  • દસ્તાવેજ માટેના ખર્ચની વિગત.
 19. હાલમાં જો કોઈ લોન ચાલું હોય તો તેની વિગત… અને કેટલા હપ્તા બાકી છે તેની વિગત.

(બી) જો બાંધકામ માટે લોન લેવાની હોય તોઃ

 1. પ્લોટનું ક્ષેત્રફળઃ ચો.મી. અથવા ચો.ફુ.માં
 2. પ્લોટ પર બાંધકામ માટેનું ક્ષેત્રફળઃ ચો.મી./ચો.ફુ.માં
 3. પ્લોટની કિંમત.
 4. બાંધકામની કિંમત.
 5. દસ્તાવેજ ખર્ચ.
 6. રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી, સ્ટ્રીટલાઈટ ખર્ચ (ફાળે પડતો).

(સી) તૈયાર મકાન / ફલેટ ખરીદવાનો હોય તોઃ

 1. મકાન જુનું છે કે નવું, કેટલું જુનું.
 2.  મકાનની કિંમતઃ (જંત્રી મુજબ).
 3. મકાનના વધારાના બાંધકામની વિગત / કિંમત.
 4. કુલ કિંમત.
 5. જે જમીન પર મકાન ફલેટ છે તે જમીન પરનો ફાળે પડતો હિસ્સો.
 6. બાંધકામનું ક્ષેત્રફળ.
 7.  જમીનની કિંમત.
 8. જમીન પરના બાંધકામની કિંમત.

(ડી) મકાન એકસટેન્શન કે રીપેરીંગ કામ માટે લોન લેવાની હોય તોઃ

 1. હાલના મકાનની ઉંમર.
 2. તેનો પ્લોટ એરીયા.
 3. હાલની માર્કેટ વેલ્યુ.
 4. કયાં પ્રકારનું એકસટેન્શન કે રીપેરીંગ કરવાનું છે તે અને તેનો અંદાજ.
Share :
Share :

Leave A Reply

Share :