વડીલોપાર્જિત મિલકત ત્રણ પેઢી સુધી કોપાર્સનરી ગણાય

0

   હિંદુ લો મુજબ વડીલોની મિલકત તેઓના પુત્રો તેમજ તેમના પુત્રો અને તેમના પણ પુત્રો એમ ત્રણ પેઢી સુધી કોપાર્સનરી મિલકત ગણાય અને જ્યાં સુધી તેઓ તમામ વારસદારો વચ્ચે હક બાબતેના હિસ્સાઓની વહેંચણી ન કરવામાં આવેલ હોય ત્યાં સુધી તેવા હિસ્સાઓ વારસદારો વચ્ચે સંયુક્ત જ રહે છે. યાને વારસદારો વચ્ચે હિસ્સા વહેંચાયા ન હોય ત્યાં સુધી સંયુક્ત જ રહે છે. પિતાએ તેમના પિતા પાસેથી વારસાહક કે મેળવેલી મિલકતમાં તેમના દીકરાઓને પણ જન્મથી જ અધિકાર મળે છે અને સંયુક્ત મિલકત અંગે કોઈ એક સહહિસ્સેદારને (કોપાર્સનર) અન્ય કોપાર્સરના હક બાબતે વ્યવસ્થા કરવાનો યાને સમગ્ર મિલકતની વ્યવસ્થા કરવાનો અધિકાર નથી. જ્યારે પિતા પોતાની હયાતી દરમિયાન મિલકતની વહેંચણી કરેલ ન હોય ત્યાર બાદ તેઓના ગુજરવાથી તેઓના વારસદારો વચ્ચે મિલકતની વ્યવસ્થા હિંદુ વારસાહક અધિનિયમની કલમ-૬ તથા ૮ મુજબ થઈ શકે છે. ઉપરોક્ત સિદ્ધાંત નામદાર ગુજરાત હાઈકોર્ટે કાંતિભાઈ ઈશ્વરભાઈ વારસો વિરુદ્ધ ચંદ્રકાંત ઈશ્વરભાઈ પટેલના કેસમાં પ્રસ્થાપિત કરેલ છે. આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.

   આ કેસના પક્ષકારો સગાં ભાઈ-બહેનો છે. પક્ષકારોના પિતા ઈશ્વરભાઈ પટેલ તેઓની ખેતીની જમીનો, મકાનો વગેરે મિલકતો મૂકી સને ૧૯૮૨માં અવસાન પામેલા. આવી મિલકતો તેઓના તેમના પિતા/ વડીલો તરફથી વારસાઈ હકે મેળવેલી. આમ, આવી તમામ જમીન મિલકતો તેઓના કુટુંબની વડીલોપાર્જિત મિલકત હતી અને આવી વડીલોપાર્જિત ખેતીની જમીનોમાંથી મેળવેલી આવકમાંથી ઈશ્વરભાઈએ સર્વે નં. ૧૮૮વાળી ખેતીની જમીન ખરીદ કરવામાં આવેલી. તે રીતે જોતાં સર્વે નં. ૧૮૮વાળી જમીન પણ તેઓના કુટુંબની મિલકત કહેવાય.

   ત્યાર બાદ પિતા ઈશ્વરભાઈએ સમગ્ર મિલકત અન્ય ભાઈને તથા દીકરાને આપવા બાબતે પોતાની હયાતી દરમિયાન વીલ કરી ગયેલા અને તેવું વીલ રદ કરવા તથા વડીલોપાર્જિત મિલકતમાં વાદીએ પોતાનો ચોથો ભાગ મળવા બાબતે હક ઠેરવવા નામદાર સિવિલ કોર્ટ સમક્ષ દાવો દાખલ કરેલો અને વાદીએ રજૂઆત કરેલ કે તેઓ પણ પિતાની મિલકતમાંથી ૧/૪/ ભાગ મેળવવા હકદાર છે તેમજ વાદી પોતે પિતાની સાતે સંયુક્ત કુટુંબમાં રહેતા આવેલા, પરંતુ ત્યાર બાદ મતભેદોને કારણે વાદી અલગ રહેવા માટે જતા રહેલા, જ્યારે અન્ય બે ભાઈઓ પિતાની સાથે જ રહેતા હતા. જેનો ગેરલાભ લઈ તેઓએ પિતા પાસેથી વડીલોપાર્જિત મિલકતોનું વીલ કરાવી લીધેલું. ત્યાર બાદ પિતાએ કરેલ વીલની નોંધ ગામ દફતરે દાખલ કરવા માટે ભાઈઓએ અરજી કરતા વાદી દ્વારા વાંધો લેવામાં આવેલો. આથી ભાઈઓએ વાદી જોડે કુટુંબની મિલકતો અંગે પ્રપોઝલ આપેલું, પરંતુ ત્યાર બાદ ભાઈઓ તે મુજબ વર્તવાની ના પાડતા વાદીએ આ દાવો કરવો પડેલો. જ્યારે પ્રતિવાદીઓની રજૂઆત એવી હતી કે વાદીએ પોતાનો હિસ્સો લઈને અલગ રહેવા જતા રહેલા તેમજ વાદીના લગ્ન માટે પણ પિતાએ ખૂબ ખર્ચ કરેલો અને તેને માટે ગીરો મૂકેલી મિલકત પિતાએ પોતાની કમાણીમાંથી છોડાવેલી. જેથી આવી મિલકતો તેઓની સ્વતંત્ર મિલકત ગણાય અને તેની તેઓ વીલ દ્વારા વ્યવસ્થા કરી શકે છે.

   ત્યાર બાદ નામદાર સિવિલ કોર્ટે/ ટ્રાયલ કોર્ટે વાદીનો દાવો રદ કરવાનો હુકમ કરેલો અને એવું તારણ આપેલ કે પક્ષકારોના પિતાએ આવી મિલકતો કે જે ગીરો મુકાયેલ હતી તેને પોતાની મહેનતની આવકમાંથી ગીરોમાંથી મુક્ત કરાવેલી તેથી તે મિલકતો પક્ષકારોના પિતાની સ્વપાર્જિત મિલકત ગણાય. આથી આવી સ્વપાર્જિત મિલકતોની વ્યવસ્થા પક્ષકારોના પિતા વીલથી કરી શકે છે અને નામદાર સિવિલ કોર્ટ/ ટ્રાયલ કોર્ટના આવા હુકમથી નારાજ થઈ વાદીએ હાલની અપીલ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરેલી.

   નામદાર ગુજરાત હાઈકોર્ટે આ કિસ્સામાં અગાઉના સુપ્રીમ કોર્ટના કેસોમાં પ્રતિપાદિત થયેલ સિદ્ધાંતને ધ્યાનમાં લીધેલ. તેવા સિદ્ધાંત મુજબ કલમ-૬ હિંદુ સક્સેશન એક્ટ મુજબ જો કોઈ હિંદુના અવસાન સમયે તેની વિધવા, ત્રણ પુત્રી અને ત્રણ પુત્રીઓ હયાત હોય તો આવા હિંદુની મીતાક્ષર કોપાર્સનરી મિલકતમાં હિંદુ વારસા અધિનિયમની કલમ-૬ના ખુલાસા ૧ અનુસાર મરનાર તેની પત્ની અને ત્રણ દીકરા મળી કુલ પાંચ વ્યક્તિઓ વચ્ચે કોપાર્સનરી મિલકતના ભાગ કરતા દરેકને ૧/૫ હિસ્સો મળે. હવે આ હિંદુ તેની પાછળ ત્રણ દીકરીઓ પણ મૂકતો ગયેલ હોઈ એકંદરે વિધવા, ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓ મળી કુલ સાત વારસો તેની મિલકતના હિસ્સેદાર ગણાય અને તેની ૧/૫ ભાગની મિલકતમાં પ્રત્યેકને ૧/૫ ટ ૧/૭ એટલે કે ૧/૩૫ હિસ્સો મળે. હવે જો વિધવા માતાનું મૃત્યુ થાય તો ૧/૨૫ + ૧/૫ = ૮/૩૫ હિસ્સો દીકરા-દીકરીઓને મળે.નામદાર ગુજરાત હાઈકોર્ટ એવા તારણ ઉપર આવેલ કે પુત્રોને પણ આ વડીલોપાર્જિત મિલકતમાં જન્મથી જ હિસ્સો મળે છે.

   વડીલોપાર્જિત મિલકતનું વીલ આખી મિલકત કરવા અંગેની સત્તા પિતાને નથી. મીતાક્ષર વડીલોપાર્જિતમાં પિતા જેટલો હિસ્સો પુત્રોને પણ મળે છે અને વારસાઈમાં મળેલ વડીલોપાર્જિત મિલકતનું વીલ થઈ શકે નહીં, કારણ કે પુત્રના સંબંધમાં પણ તે મિલકત વડીલોપાર્જિત મિલકત જ ગણાય છે અને તેમ કહી ઠરાવવામાં આવ્યું કે પિતાને વીલથી સમગ્ર મિલકત એક જ પુત્રને આપવાનો અધિકાર ન હતો તેમજ ગીરો મૂકાયેલ મિલકત છોડાવવાથી તેવી મિલકત સ્વપાર્જિત મિલકત બની જતી નથી, કારણ કે ગીરો છોડાવવા માટેના નાણાં પણ સંયુક્ત માલિકીની મિલકતની આવકમાંથી જ આવેલા હતા. આથી નામદાર ગુજરાત હાઈકોર્ટે સિવિલ કોર્ટ/ ટ્રાયલ કોર્ટનો હુકમ રદ જાહેર કરેલો અને વાદીઓનો તથા અન્ય તમામ વારસદારોનો પણ હિસ્સો નામદાર હાઈકોર્ટે નક્કી કરી આપેલો.ઉપરોક્ત કેસની હકીકત જોતાં સ્પષ્ટ થાય છે કે, સંયુક્ત મિલકત અંગે કોઈ એક સહહિસ્સેદારને (કોપાર્સનર) અન્ય કોપાર્સનરના હક બાબતે વ્યવસ્થા કરવાનો યાને સમગ્ર મિલકતની વ્યવસ્થા કરવાનો અધિકાર નથી. જ્યારે પિતા પોતાની હયાતી દરમિયાન મિલકતની વહેંચણી કરેલ ન હોય ત્યાર બાદ તેઓના ગુજરવાથી તેઓના વારસદારો વચ્ચે મિલકતની વ્યવસ્થા હિંદુ વારસાહક અધિનિયમની કલમ-૬ તથા ૮ મુજબ થઈ શકે છે.

Share :
Share :
source: સંદેશ.

Leave A Reply

Share :