લેખિત દસ્તાવેજમાં કરાયેલ ખોટી જાહેરાત/ગેરરજૂઆત સ્થાવર મિલકતને સંબંધિત ફોજદારી ગુનાઓને આકૃષ્ટ કરે છે

0

Land1

   મિલકત તબદીલી અધિનિયમની કલમ-૧૦૫ મુજબ ‘સ્થાવર મિલકતનો ભાડાપટ્ટો’ એટલે તબદીલીથી મેળવનારે તબદીલ કરનારને ચૂકવેલ અથવા આપવાનું વચન આપેલી કિંમતના અથવા નિયત મુદ્દે પ્રસંગે તેણે આપવાની રકમ, પાકના હિસ્સા, સેવા અથવા બીજી કોઈ કિંમતી વસ્તુના અવેજ બદલ વ્યક્ત અથવા ગર્ભિત રીતે ચોક્કસ સમય માટે અથવા કાયમ માટે થયેલી અને તબદીલીથી મેળવનારે એવી બોલીઓ સાથે સ્વીકારેલી તબદીલી તેમજ તબદીલી કરનાર પટ્ટે આપનાર કહેવાય, તબદીલીથી મેળવનાર પટ્ટેદાર કહેવાય, ચૂકવવાની કિંમત પ્રીમિયમ કહેવાય અને એ રીતે આપવાની રકમ, હિસ્સો, સેવા અથવા બીજી વસ્તુ ભાડું કહેવાય.

   કોઈ પણ લેખમાં ખોટી રજૂઆત કરવાથી પક્ષકારોના હકોને વિરુદ્ધ રીતે અસર થતી હોય છે અને તેના કારણે પક્ષકારોના હકોને નુકસાન પણ થાય છે. લેખિત દસ્તાવેજમાં કરાયેલ ખોટી જાહેરાત/ ગેરરજૂઆત સ્થાવર મિલકતને સંબંધિત ફોજદારી ગુનાઓને આકૃષ્ટ કરે છે. તેવો સિદ્ધાંત નામદાર મધ્ય પ્રદેશ હાઈકોર્ટ (ગ્વાલિયર બેન્ચ) દ્વારા સી. કે. રાઠી વિરુદ્ધ સુદર્શન ઝાવર અને બીજા, ક્રિમિનલ રિવિઝન નં. : ૪૭૮/ ૨૦૧૨ના કામે તા. ૦૬/૦૪/૨૦૧૭ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. (લેન્ડ લોઝ જજમેન્ટ્સ (LLJ), વોલ્યુમ-૨, ઈશ્યૂ-૮, ઓગસ્ટ, ૨૦૧૭, પાનાં નં. ૬૪૫) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.

   એક ફરિયાદ આઈ.પી.સી.ની કલમો-૪૧૮, ૪૨૦, ૪૨૩, ૪૬૭, ૪૬૮ અને ૧૨૦-બી હેઠળના ગુનાઓ બદલ ફરિયાદી દ્વારા દાખલ કરવામાં આવી હતી તે એવો આક્ષેપ કરીને કે ગામ : મહારાજપુરા, જિ. રામન્ના, ગ્વાલિયર ખાતે આવેલ સરવે નં. ૨૦૫વાળી જમીન અરજદાર દ્વારા અન્ય સહમાલિકોની સાથે મળીને સંયુક્ત રીતે તા. ૨૭-૦૧-૧૯૯૯ના રોજના રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ વડે ખરીદવામાં આવી હતી.

   આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, બચાવકર્તા નં. ૧નાએ પોતાને માલિકોના પ્રતિનિધિ ગણાવીને બચાવકર્તાઓ દ્વારા ચલાવવામાં આવતી એમ. પી. એજ્યુકેશન સોસા.ની તરફેણમાં એક ભાડાપટ્ટાનો લેખ કરી આપ્યો હતો. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, હકીકતમાં બચાવકર્તા નં. ૧ની તરફેણમાં કોઈ અધિકૃતતા આપવામાં આવી નહોતી અને બચાવકર્તા નં. ૧ દ્વારા ભાડાપટ્ટાના લેખમાં કરવામાં આવેલ જાહેરાત પોતે જ ખોટી છે.

   આથી મેજિસ્ટ્રેટે તા. ૦૪-૦૨-૨૦૧૨ના હુકમ વડે સાક્ષીઓના નિવેદનો નોંધ્યા બાદ બચાવકર્તાઓની વિરુદ્ધ આઈ.પી.સી.ની કલમો-૪૨૦, ૪૬૭, ૪૨૮ અને ૧૨૦-બી હેઠળના ગુનાઓ માટે ગુનાની નોંધ લીધી હતી, કારણ કે ગુનાઓ સેશન્સ કોર્ટ દ્વારા ચલાવવાપાત્ર હતાં, કેસ કાર્યવાહી ચલાવવા માટે મોકલવામાં આવ્યો હતો. કાર્યવાહી ચાલ્યા બાદ સેશન્સ કોર્ટે બચાવકર્તાઓને આઈ.પી.સી.ની કલમો-૪૨૦, ૪૬૭ અને ૪૬૮ હેઠળના ગુનાઓમાંથી મુક્ત કર્યા હતા અને આઈ.પી.સી.ની કલમ ૪૨૩ હેઠળ તહોમત ઘડયું હતું. તે મુજબ કેસ કાર્યવાહી ચલાવનાર કોર્ટને પરત મોકલવામાં આવ્યો, કારણ કે આઈ.પી.સી.ની કલમ ૪૨૩ હેઠળનો ગુનો સેશન્સ કોર્ટ દ્વારા ચલાવવાપાત્ર નથી.

   સી.આર.પી.સી.ની કલમ-૩૯૭ ને ૪૦૧ સાથે વાંચતા તે હેઠળની આ ફોજદારી ફેરતપાસ સેશન્સ ટ્રાયલ નં. ૧૮૦/૨૦૧૨ના કો દસમા વધારાના સેશન્સ જજ, ગ્વાલિયર દ્વારા પસાર તા. ૧૪/૦૫/૨૦૧૨ના રોજના હુકમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેેલ છે કે જેના વડે બચાવકર્તાઓને આઈ.પી.સી.ની કલમો-૪૨૦, ૪૬૭ અને ૪૬૮ હેઠળના ગુનામાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને માત્ર આઈ.પી.સી.ની કલમ ૪૨૩ હેઠળનું તહોમત જ ગણવામાં આવ્યું હતું અને કારણ કે આઈ.પી.સી.ની કલમ ૪૨૩ હેઠળનો ગુનો સેશન્સ કોર્ટ દ્વારા ચલાવવાપાત્ર નથી તેથી કેસ ટ્રાયલની કાર્યવાહી ચલાવનાર કોર્ટને પરત મોકલવામાં આવ્યો હતો.

   હાલના કેસમાં બચાવકર્તા નં. ૧ની વિરુદ્ધનો મુખ્ય આક્ષેપ એ છે કે, જોકે તેમને ફરિયાદી અથવા અન્ય સહમાલિક દ્વારા તેમના વતી કાર્ય કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા નહોતા તેમ છતાં તેઓએ પોતાને તમામ સહમાલિકોના પ્રતિનિધિ ગણાવીને એમ. પી. એજ્યુકેશન સોસાયટીની તરફેણમાં ત્રીસ વર્ષની મુદતનો ભાડાપટ્ટાનો લેખ કરી આપ્યો હતો. વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, એમ. પી. એજ્યુકેશન સોસાયટી બચાવકર્તા નં. ૨ દ્વારા ચલાવવામાં આવી રહી છે કે જેઓ બચાવકર્તા નં. ૧ના ભાઈ છે.

   આથી નામદાર હાઈકોર્ટ એવા તારણ ઉપર આવેલ કે જ્યારે પણ મિલકત ભાડાપટ્ટે આપવામાં આવે છે ત્યારે પટ્ટેદાર જો તે નિયમિત રીતે ભાડુ ચૂકવે છે અને તેની ઉપર બંધનકર્તા એવા કરારનું પાલન કરે છે તો કોઈ પણ ખલેલ વિના તે મિલકતના કબજાનો ભોગવટો કરવા હકદાર છે. તેથી જ્યારે પણ ભાડાપટ્ટો મંજૂર કરવામાં આવે છે ત્યારે પટ્ટે આપનાર અથવા મિલકતનો માલિક મિલકતના કબજાથી વંચિત રહેશે કે જે બાબત કરારની બોલીઓનું પટ્ટેદાર દ્વારા પાલન કરાવાને આધીન રહે છે. જો આ કેસની હકીકતોને મિલકત તબદીલી અધિનિયમની કલમ ૧૦૫ અને ૧૦૮ની જોગવાઈના પ્રકાશમાં ધ્યાને લેવામાં આવે તો એ બાબત સ્પષ્ટ થશે કે, ફરિયાદીને મિલકતનાં ફળોનો ભોગવટો કરવાથી વંચિત રાખવામાં આવ્યા છે.

   આથી નામદાર હાઈકોર્ટે ઠરાવેલ કે, નીચલી કોર્ટ એવું ઠરાવવામાં સાચી નહોતી કે ભાડાપટ્ટાના લેખમાં ખોટી જાહેરાત કરવાથી સહમાલિકોના હકો વિરુદ્ધ રીતે અસર પામ્યા નથી. ઓછામાં ઓછું તેઓ મિલકતના ભોગવટાના તેમના અધિકારથી વંચિત રહ્યા હતા. તેથી આ કોર્ટ એવો મત ધરાવે છે કે, બચાવકર્તાઓને આઈ.પી.સી.ની કલમો-૪૨૦, ૪૬૭ અને ૪૬૮ હેઠળના ગુનામાંથી મુક્ત કરતી વખતે નીચલી કોર્ટે બચાવકર્તા નં. ૧ દ્વારા કરી આપવામાં આવેલ લેખિત ભાડાપટ્ટાના લેખમાં કરવામાં આવેલ ખોટી જાહેરાતની અસરને યોગ્ય પરિપેક્ષમાં ધ્યાને લીધી નથી. આથી હાઈકોર્ટે તા. ૧૪-૦૫-૨૦૧૨ના રોજનો હુકમ સેટ-એસાઈડ કરેલ તેમજ કાર્યવાહી તહોમત ઘડવાના પ્રશ્ન ઉપર પક્ષકારોને ફરીથી સાંભળવા માટે સેશન્સ જજ, ગ્વાલિયરની કોર્ટ સમક્ષ પરત મોકલવામાં આવેલ.

   ઉપરોક્ત કેસની હકીકત જોતાં કહી શકાય કે, કોઈ પણ લેખમાં ખોટી રજૂઆત કરવાથી પક્ષકારોના હકોને વિરુદ્ધ રીતે અસર થતી હોય છે અને તેના કારણે પક્ષકારોના હકોને નુકસાન પણ થાય છે. કોઈ પણ લેખિત દસ્તાવેજમાં કરાયેલ ખોટી જાહેરાત/ ગેરરજૂઆત સ્થાવર મિલકતને સંબંધિત ફોજદારી ગુનાઓને આકૃષ્ટ કરે છે. (સંદર્ભ : (લેન્ડ લોઝ જજમેન્ટ્સ (LLJ), વોલ્યુમ-૨, ઈશ્યૂ-૮, ઓગસ્ટ, ૨૦૧૭, પાનાં નં. ૬૪૫)

Share :
Share :
source: ગુજરાત સમાચાર.

Leave A Reply

Share :