જમીન વડીલોપાર્જિત સાબિત કરવામાં ન આવે ત્યાં સુધી તે બિનવડીલોપાર્જિત હોવાનું અનુમાન કરવામાં આવે છે

0

land

   જ્યારે કુટુંબના સભ્યો પાસે વડીલોપાર્જિત મિલકત ચાલી આવેલ હોય ત્યાર બાદ કુટુંબની તેવી વડીલોપાર્જિત મિલકત અંગે કુટુંબના સભ્યો વચ્ચે વિભાજન યાને પાર્ટિશન કરવામાં આવે ત્યારે કુટુંબના જે તે સભ્યોના હિસ્સે આવતી તેવી મિલકત જે તે સભ્યની સુવાંગ મિલકત થાય છે, પરંતુ આ રીતે વડીલોપાર્જિત મિલકતના વિભાજનથી જે તે સભ્યના હિસ્સે આવેલી મિલકત તે સભ્યના પુત્ર સંતાનોની વડીલોપાર્જિત મિલકત તરીકે ચાલુ રહે છે.

   પરંતુ જ્યાં સુધી અને જે સિવાય જમીન વડીલોપાર્જિત હોવાનું સાબિત કરવામાં ન આવે ત્યાં સુધી તે જમીન બિનવડીલોપાર્જિત હોવાનું અનુમાન કરવામાં આવે છે. એ સુપ્રસ્થાપિત છે કે, એક પક્ષકાર દ્વારા કરવામાં આવેલ કબૂલાત પણ મિલકતના સ્વરૂપને સાબિત કરવા માટે એટલે કે તે વડીલોપાર્જિત કે સમાંશિત છે એવું ઠરાવવા માટે પૂરતી હોઈ શકે નહીં. કોર્ટ માત્ર કેસના રેકર્ડ ઉપર આવે તેવા પુરાવા વડે આગળ વધે છે. કોઈ મિલકત, જ્યાં સુધી અને જે સિવાય યોગ્ય રીતે સચોટ પુરાવા રજૂ કરીને વડીલોપાર્જિત મિલકત હોવાનું સાબિત કરવામાં ન આવે ત્યાં સુધી તે બિનવડીલોપાર્જિત મિલકત હોવાનું અનુમાન કરવામાં આવશે.

   ઉપર મુજબનો સિદ્ધાંત નામદાર પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા રમેશકુમાર અને બીજા વિરુદ્ધ મદન મોહન અને બીજા, રેગ્યુલર સેકન્ડ અપીલ નં. : ૨૭૦૧/૨૦૧૦ના કામે તા. ૧૭/૦૩/૨૦૧૭ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. (લેન્ડ લોઝ જજમેન્ટ્સ, વોલ્યુમ-૨, ઈશ્યૂ-૭, જુલાઈ-૨૦૧૭, પાના નં. ૫૯૭) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.

   હાલનો વાદી દ્વારા પ્રતિવાદીઓની વિરુદ્ધ દાખલ કરાયેલ સંયુક્ત કબજાની પરિણામરૂપ દાદ સાથેનો જાહેરાતનો દાવો તેમાં કરવામાં આવેલ એવા આક્ષેપો ઉપર આધારિત હતો કે, દાવા અરજીના ફકરા નં. ૧માં ઉલ્લેખેલ એક જમીન હતી કે જે છન્નુ તે પ્રસાદીરામના દીકરાના નામે ૧/૨ હિસ્સાના વિસ્તાર સુધી દાખલ થવા પામી હતી કે જેનો વિસ્તાર વર્ષ ૧૯૮૪-૮૫ની *જમાબંદી મુજબ* ૮૩* કાનાલ ૧૩* માલો જેટલો થાય છે. દાવા અરજીના ફકરા નં. ૧માં ઉલ્લેખેલ જમીન વાદી, પ્રતિવાદી નં. ૨ અને તેમના પિતા છન્નુની સરખે હિસ્સે આવતી સંયુક્ત હિંદુ સમાંશિત મિલકત હતી, કારણ કે આ જમીન છન્નુ દ્વારા તેમના પિતા પ્રસાદીરામ પાસેથી વારસાઈથી મેળવવામાં આવી હતી અને વાદીને પ્રતિવાદી નં. ૨ સાથે તેમાં તેમના જન્મથી જ અધિકાર મળ્યો હતો.

   આ રીતે છન્નુનો હિસ્સો દાવા અરજીના ફકરા નં. ૧માં ઉલ્લેખેલ જમીનમાં ૧/૩ જેટલો હતો. દાવા અરજીના ફકરા નં. ૧માં ઉલ્લેખેલ જમીનની વારસાઈને સંબંધિત ફેરફાર નોંધ નં. ૧૨૬૫, કલેક્ટર, ઝાજ્જરના તા. ૨૬-૦૪-૧૯૮૯ના રોજના અરજીના ફકરા નં. ૧માં ઉલ્લેખેલ આખેઆખી જમીનને સંબંધિત હુકમ મુજબ વાદી અને પ્રતિવાદી નં. ૧ અને ૨ની તરફેણમાં સરખે હિસ્સે તા. ૧૪-૦૯-૧૯૮૯ના રોજ મંજૂર કરવામાં આવી હતી. જ્યારે છન્નુનો કુલ હિસ્સો એક ૧/૬ હતો અને નહીં કે ૧/૨, તેથી ૧/૬ હિસ્સાની ફેરફાર નોંધ વાદી અને પ્રતિવાદી નં. ૧ અને ૨ની તરફેણમાં મંજૂર થવી જોઈતી હતી. એટલે કે ૧/૧૮માં હિસ્સાની ફેરફાર નોંધ વાદી, પ્રતિવાદી નં. ૧ અને ૨ પ્રત્યેની તરફેણમાં મંજૂર થવી જોઈતી હતી. તેથી વાદીનો હિસ્સો ૧/૬ + ૧/૧૮ હતો અને તે જ પ્રમાણે પ્રતિવાદી નં. ૨નો હિસ્સો પણ ૧/૬ + ૧/૧૮ હતો અને પ્રતિવાદી નં. ૧નો હિસ્સો માત્ર ૧/૧૮ હતો. જ્યારે ૧/૬ હિસ્સાની ગેરકાયદેસર ફેરફાર નોંધ પ્રતિવાદી નં. ૧ની તરફેણમાં મંજૂર કરવામાં આવી હતી. કથિત ફેરફાર નોંધ ગેરકાયદેસર, વ્યર્થ અને રદબાતલ હતી તેમજ ૨/૧૮ જેટલા હિસ્સા પરત્વેના વાદીના અધિકાર ઉપર બંધનકર્તા નહોતી.

   પ્રતિવાદી નં. ૩થી ૭નાએ દાવો કર્યો હતો કે તેઓ તા. ૨૨-૦૯-૧૯૯૨ના રોજના દીવાની અદાલતનું હુકમનામું કે જે આક્ષેપિત રીતે પ્રતિવાદી નં. ૧ દ્વારા પ્રતિવાદી નં. ૩થી ૭ની તરફેણમાં સહન કરવામાં આવ્યું હતું. તેના થકી દાવા અરજીના ફકરા નં. ૧માં ઉલ્લેખેલ જમીનના ૧/૬ જેટલા હિસ્સાના માલિકો હતા. કથિત હુકમનામું પણ ગેરકાયદેસર, વ્યર્થ અને રદબાતલ હતું તેમજ વાદીના અધિકાર પરત્વે બંધનકર્તા નહોતું, કારણ કે પ્રતિવાદી નં. ૧ માત્ર દાવા અરજીના ફકરા નં. ૧માં ઉલ્લેખેલ મિલકતમાં ૧/૧૮મા હિસ્સાનું સ્વત્વાર્પણ કરવા જ હકદાર હતા અને કથિત હુકમનામું ૨/૧૮ જેટલા વિસ્તાર સુધી ગેરકાયદેસર હતું અને તે હુકમનામાની ફેરફાર નોંધ ૨/૧૮મા હિસ્સા સુધી ગેરકાયદેસર હતી તેમજ તા. ૦૫-૧૨-૧૯૯૨ના રોજની તે હુકમનામાની ફેરફાર નોંધ નં. ૧૩૪૦ પણ ગેરકાયદેસર હતી.

   વિદ્વાન ટ્રાયલ કોર્ટ એવા તારણ ઉપર આવી હતી કે, વાદી તેમનો દાવો સાબિત કરવામાં નિષ્ફળ ગયા છે. તેઓ સાબિત કરી શક્યા નહોતા કે દાવાવાળી મિલકત વડીલોપાર્જિત હતી. તા. ૨૨-૦૯-૧૯૯૨ના રોજનું દીવાની અદાલતનું હુકમનામું ગેરકાયદેસર, વ્યર્થ અને રદબાતલ હોવાનું સાબિત કરવામાં પણ વાદી નિષ્ફળ ગયા હતા. તે જ પ્રમાણે તેઓ વિવાદી ફેરફાર નોંધો વ્યર્થ અને રદબાતલ હોવાનું સાબિત કરી શક્યા નહોતાં. તે જ પ્રમાણે તેમને દાવો વિદ્વાન ટ્રાયલ કોર્ટ દ્વારા તેના તા. ૨૫-૦૮-૨૦૦૯ના રોજના ચુકાદા અને હુકમનામા વડે તેમનો દાવો રદ કરવામાં આવ્યો હતો. તેથી નારાજ થઈને વાદીએ તેમની પહેલી અપીલ દાખલ કરી હતી કે જે વિદ્વાન વધારાના જિલ્લા જજ દ્વારા તેમના તા. ૩૧-૦૫-૨૦૧૦ના રોજના ચુકાદા અને હુકમનામા વડે મંજૂર કરવામાં આવી હતી.

    રેગ્યુલર બીજી અપીલમાં પ્રતિવાદીઓ વિદ્વાન વધારાના જિલ્લા જજ દ્વારા પસાર તા. ૩૧-૦૫-૨૦૧૦ના રોજના અગાઉનો હુકમ ઊલટાવતા ચુકાદાની વિરુદ્ધ છે કે જે વડે સંયુક્ત કબજાની પરિણામરૂપ દાદ સાથેનો જાહેરાતનો દાવો રદ કરતાં વિદ્વાન ટ્રાયલ કોર્ટના તા. ૨૫-૦૮-૨૦૦૯ના રોજના ચુકાદા અને હુકમનામાને વાદીની પહેલી અપીલ મંજૂર કરીને સેટ એસાઈડ કરવામા આવ્યા હતા. આથી હવે નિર્ણાયક મુદ્દો કે જે નામદાર પંજાબ એન્ડ હરિયાણા કોર્ટની વિચારણા માટે ઉપસ્થિત થાય છે તે એ છે કે શું પ્રતિવાદીઓ પૈકીના અમુક દ્વારા તેમના લેખિત જવાબમાં કરવામાં આવેલ એવી કબૂલાત કે દાવાવાળી મિલકત છન્નુના હાથોમાં વડીલોપાર્જિત મિલકત હતી તે પોતે જ તે મિલકત વડીલોપાર્જિત મિલકત હોવાનું ઠરાવવા માટે પૂરતી બની રહેશે કે પછી વાદી સચોટ અને સંતોષપ્રદ પુરાવા રજૂ કરીને દાવાવાળી મિલકત છન્નુના હાથોમાં રહેલ વડીલોપાર્જિત મિલકત હોવાનું સાબિત કરવાની કાનૂની જવાબદારી હેઠળ હતા.

   આથી નામદાર હાઈકોર્ટે જણાવેલ કે કાયદાનો પ્રસ્થાપિત સિદ્ધાંત છે કે, પોતાનો પુરાવો હકારમાં રજૂ કરીને પોતાનો કેસ સાબિત કરવાનો બોજો વાદી ઉપર રહેશે. વાદીએ પ્રતિવાદીઓના દાવામાં રહેલ આક્ષેપિત નબળાઈનો સંદર્ભ આપીને પોતાનો દાવો સાબિત કરવાના પ્રયત્નો કરવાને સ્થાને પોતાના પગ ઉપર જ ઊબા રહેવું જોઈએ. શરૂઆતનો પુરાવાનો બોજો હંમેશાં વાદી ઉપર જ હોય છે. એ પણ કાયદાનો પ્રસ્થાપિત સિદ્ધાંત છે કે, જ્યાં સુધી અને જે સિવાય જમીન વડીલોપાર્જિત હોવાનું સાબિત કરવામાં ન આવે ત્યાં સુધી તે જમીન બિનવડીલોપાર્જિત હોવાનું અનુમાન કરવામાં આવે છે. હાલના કેસમાં, વાદી આ અનુમાનનું ખંડન કરવામાં દયનીય રીતે નિષ્ફળ ગયા છે, કારણ કે તેઓએ વિદ્વાન ટ્રાયલ કોર્ટ સમક્ષ પૂરતા પુરાવા તે ઉપલબ્ધ હોવા છતાં રજૂ કર્યા નહોતા.

   વધુમાં માનનીય સુપ્રીમ કોર્ટે, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા વિ. ઘંમડીરામ (મૃતક) તેમના કાનૂની પ્રતિનિધિ ગુરબક્ષ રાય થકી, ૧૯૬૯ એ.આઈ.આર. (સુ.કો.) ૧૩૩૦, સુરજીત લાલ છાબડા વિ. કમિશનર ઓફ ઈન્કમટેક્સ, બોમ્બે, ૧૯૭૬ (એ.આઈ.આર.) (સુ.કો.) ૧૦૯ના કેસોમાં અને આ કોર્ટે સુરજીત સિંઘ વિ. ગુરમિત સિંઘ, ૨૦૧૦ ૧૫૯ પંજાબ લો રિપોર્ટ્સ, ૧૨૨, જગદેવ સિંઘ વિ. મેજર સિંઘ, ૨૦૧૪ (૮૨) આર.સી.આર. (સિવિલ) ૨૧૪, હવા સિંઘ વિ. દયાનંદ, ૨૦૧૦ (૨૧) આર.સી.આર. (સિવિલ) ૯૧૮ અને ગુરમાઈલ સિંઘ વિ. રાજબીર સિંઘ, ૨૦૧૪ (૪) આર.સી.આર. (સિવિલ) ૩૯૭ના કેસોમાં ઠરાવ્યું હતું કે, કોઈ મિલકત, જ્યાં સુધી અને જે સિવાય યોગ્ય રીતે સચોટ પુરાવા રજૂ કરીને વડીલોપાર્જિત મિલકત હોવાનું સાબિત કરવામાં ન આવે ત્યાં સુધી તે બિનવડીલોપાર્જિત મિલકત હોવાનું અનુમાન કરવામાં આવશે.

    મતુરામના કેસમાં આ કોર્ટ દ્વારા સ્પષ્ટપણે ઠરાવવામાં આવ્યું હતું કે, એ સુપ્રસ્થાપિત છે કે, એક પક્ષકાર દ્વારા કરવામાં આવેલ કબૂલાત પણ મિલકતના સ્વરૂપને સાબિત કરવા માટે એટલે કે તે વડીલોપાર્જિત છે કે સમાંશિત છે એવું ઠરાવવા માટે પૂરતી હોઈ શકે નહીં. કોર્ટ માત્ર કેસના રેકર્ડ ઉપર આવે તેવા પુરાવા વડે આગળ વધે છે. વધુમાં નામદાર હાઈકોર્ટે જણાવેલ કે, એ કહેવાની પણ જરૂર નથી કે દાવો કરવાનો અધિકાર જો કોઈ હોય તો તે વાદીની તરફેણમાં તા. ૨૭-૧૧-૧૯૮૮ના રોજ અને ત્યાર બાદ તા. ૨૨-૦૯-૧૯૯૨ના રોજ ઊભો થયો હતો. જાહેરાત માટેના દાવાની સમયમર્યાદા સમયમર્યાદા અધિનિયમના આર્િટકલ ૫૮ હેઠળ જોગવાઈ થયા મુજબ ત્રણ વર્ષની છે. ફરીથી સમયમર્યાદા અધિનિયમના આર્િટકલ ૧૧૩ હેઠળ એવા કોઈ દાવા કે જેના માટે પરિશિષ્ટમાં અન્યત્ર ક્યાંય પણ સમયમર્યાદાના સમયગાળાની જોગવાઈ કરવામાં આવી ન હોય તેવા દાવાઓ માટેની સમયમર્યાદા પણ તે તારીખથી ત્રણ વર્ષની છે કે જ્યારે દાવો કરવાનો અધિકાર ઊભો થાય છે.

   હાલના કેસમાં એક વખત પ્રતિવાદીઓની વિરુદ્ધ એકતરફી કાર્યવાહી ચાલી હોઈ વિદ્વાન ટ્રાયલ કોર્ટે એકતરફી ચુકાદા અને હુકમનામા વડે વાદીનો દાવો ર્નિિણત કરતી વખતે વધુ સાવચેત બનવું જોઈતું હતું. તેમ છતાં ન તો વિદ્વાન ટાયલ કોર્ટ કે ન તો વિદ્વાન પહેલી એપેલેટ કોર્ટ, તેમના સંબંધિત ચુકાદાઓ અને હુકમનામાઓ પસાર કરતી વખતે બાબતના આ મહત્ત્વના પાસાને વળગી રહેલ છે. આથી માનનીય સુપ્રીમ કોર્ટ પ્રસ્થાપિત કાયદાને આદરપૂર્વક અનુસરતા, નામદાર હાઈકોર્ટે આ કેસમાં ઠરાવેલ કે કારણ કે સમયમર્યાદાનો પ્રશ્ન હાથ ઉપરના કેસની ચોક્કસ હકીકતો અને સંજોગો મુજબ શુદ્ધ રીતે કાયદાનો પ્રશ્ન હતો કે જે દાવાના કારણના મૂળિયા સુધી જાય છે, અપીલકર્તાઓ આ કોર્ટ સમક્ષ પણ સૌ પ્રથમ વખત સયમર્યાદાનો મુદ્દો ઉપસ્થિત કરવા હકદાર હતા.

   આ સંબંધમાં બચાવકર્તાના વિદ્વાન વકીલ દ્વારા ઉપસ્થિત કરાયેલ રજૂઆત સ્વીકારવા પાત્ર જણાયેલ નથી. બીજી તરફ કાયદાનો ત્રીજો મહત્ત્વનો પ્રશ્ન એટલે કે સમયમર્યાદાના મુદ્દાનો પણ અપીલકર્તાની તરફેણમાં અને બચાવકર્તા-વાદીની વિરુદ્ધમાં જવાબ આપવામાં આવે છે. આથી વાદીનો દાવો સંયુક્ત કબજાની પરિણામરૂપ દાદ સાથેનો જાહેરાતનો દાવો હોઈ નિરાશાજનક રીતે સમયબાધિત હોવાનું નામદાર હાઈકોર્ટ દ્વારા તારણ આપવામાં આવેલ.આથી નામદાર હાઈકોર્ટે ઠરાવેલ કે, ન તો વાદી, દાવાવાળી મિલકત તેમના પિતા છન્નુના હાથમાં રહેલ વડીલોપાર્જિત મિલકત હોવાનું સાબિત કરી શક્યા હતા કે ન તો તેમનો દાવો સમયમર્યાદામાં હતો કે જે કારણસર તે આ બંને મુદ્દાઓ ઉપર નિષ્ફળ જવા બંધાયેલ હતો, કારણ કે વિદ્વાન પહેલી એપેલેટ કોર્ટ વિવાદી ચુકાદો અને હુકમનામું પસાર કરતી વખતે કાયદાની ગંભીર ભૂલમાં પડી હતી, તેને આ કારણસર પણ ચલાવી શકાય નહીં.

   આથી નામદાર હાઈકોર્ટે ઠરાવેલ કે, વિદ્વાન પહેલી એપેલેટ કોર્ટ દ્વારા પસાર વિવાદી ચુકાદો અને હુકમનામા અહીં ઉપર નોંધ્યા મુજબ દેખીતી ગેરકાયદેસરતા વડે દૂષિત હોવાનું જણાયા હોઈ, તે ચલાવી શકાય તેમ ન હોવાનું ઠરાવી તા. ૩૧-૦૫-૨૦૧૦ના રોજના વિદ્વાન વધારાના જિલ્લા જજ દ્વારા પસાર વિવાદી ચુકાદા અને હુકમનામા સેટ એસાઈડ કરેલ અને તા. ૨૫-૦૮-૨૦૦૯ના રોજના વિદ્વાન ટ્રાયલ કોર્ટના ચુકાદા અને હુકમનામા પુનઃ સ્થાપિત કરી હાલની અપીલ મંજૂર કરવામાં આવેલ.ઉપરોક્ત કેસ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, જ્યાં સુધી અને જે સિવાય જમીન વડીલોપાર્જિત હોવાનું સાબિત કરવામાં ન આવે ત્યાં સુધી તે જમીન બિનવડીલોપાર્જિત હોવાનું અનુમાન કરવામાં આવે છે.

   એ સુપ્રસ્થાપિત છે કે, એક પક્ષકાર દ્વારા કરવામાં આવેલ કબુલાત પણ મિલકતના સ્વરૂપને સાબિત કરવા માટે એટલે કે તે વડીલોપાર્જિત છે કે સમાંશિત છે એવું ઠરાવવા માટે પૂરતી હોઈ શકે નહીં. કોર્ટ માત્ર કેસના રેકર્ડ ઉપર આવે તેવા પુરાવા વડે આગળ વધે છે. કોઈ મિલકત જ્યાં સુધી અને જે સિવાય યોગ્ય રીતે સચોટ પુરાવા રજૂ કરીને વડીલોપાર્જિત મિલકત હોવાનું સાબિત કરવામાં ન આવે ત્યાં સુધી તે બિનવડીલોપાર્જિત મિલકત હોવાનું અનુમાન કરવામાં આવશે. (સંદર્ભ : લેન્ડ લોઝ જજમેન્ટ્સ, વોલ્યુમ-૨, ઈશ્યૂ-૭, જુલાઈ-૨૦૧૭, પાના નં. ૫૯૭).

Share :
Share :
source: સંદેશ.

Leave A Reply

Share :